Select Page

વિસનગરમાં રામનવમીએ રાજમાર્ગો શ્રી રામમય બન્યા

વિશ્વ હિન્દુ પરિષદના પ્રથમ વખતના આયોજનથી

વિસનગરમાં રામનવમીએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રથમ વખત શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ધર્મજનો જોડાયા હતા. શોભાયાત્રાનુ ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. લોકોનો ઉત્સાહ જોઈ દર રામનવમીએ શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવશે તેવુ વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા અધ્યક્ષ પટેલ મહેન્દ્રભાઈ કમાણાએ જણાવ્યુ હતુ.
રામ જન્મભૂમિના વિવાદનો અંત આવતા તેમજ રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થતા ભગવાન શ્રી રામનો મહિમા વધ્યો છે. કોરોના કાળ બાદની આ વર્ષની રામનવમીએ દેશમાં ઠેર ઠેર શોભાયાત્રા નિકળી હતી. વિસનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા અધ્યક્ષ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ ડેલીગેટ પટેલ મહેન્દ્રભાઈ કમાણાના માર્ગદર્શનમાં શહેરમાં પ્રથમ વખત રામનવમીએ શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. શહેરના ભામાશા રાજુભાઈ પટેલ આર.કે., સહકારી શ્રેષ્ઠી જશુભાઈ પટેલ કાંસા, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, વી.એચ.પી.ના જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ વિગેરેની ઉપસ્થિતિમાં રામદ્વારા મંદિરથી શોભાયાત્રાનુ પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રામાં ૨૦ જેટલા ટ્રેક્ટર તથા ઉંટલારીમાં ભજન મંડળીની મહિલાઓ જોડાઈ હતી. બજરંગદળ, દુર્ગાવાહિનીની બહેનો, હરિહર સ્વયંમ સેવક સમિતિના યુવાનો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
ખુબજ ટુંકા સમયમાં રામનવમીની શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમ છતાં ઠેર ઠેર શોભાયાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. લાલ દરવાજા વિસ્તારમાં મુસ્લીમ સમાજ દ્વારા સ્વાગત કરી કોમી એકતાનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ હતુ. પટણી દરવાજા ઉમિયા માતાના મંદિર આગળ ગુરૂશ્રી ઉમેદપુરી મંડળ દ્વારા છાસનો કેમ્પ રાખી સ્વાગત કરાયુ હતુ. જી.ડી.હાઈસ્કુલના ગેટ આગળ પાલિકા દ્વારા લીંબુ શરબતનો કેમ્પ કરાયો હતો. જ્યારે ત્રણ દરવાજા ટાવરની અંદર ગોવિંદચકલા ચાર રસ્તા ઉપર એમ.જી.બજાર વેપારીઓ દ્વારા ઓરેન્જ શરબતની વ્યવસ્થા કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રામાં જોડાયેલ વ્યાયામ શાળાના વ્યાયામ વિરો દ્વારા અંગ કસરતના દાવ કરાયા હતા. જ્યારે શોભાયાત્રા દરમ્યાન બજરંગ ચોકમાં ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રા બપોરે ૧-૦૦ કલાકે રામદ્વારા મંદિરમાં પરત ફરતા પટેલ મહેન્દ્રભાઈ કમાણાના સૌજન્યથી ૬૦૦ ભક્તોને ભોજનપ્રસાદ આપવામાં આવ્યો હતો.
રામનવમીની શોભાયાત્રાની સફળતા માટે વી.એચ.પી.ના વિસનગર જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, ઉપાધ્યક્ષ અજીતભાઈ બારોટ, સંયોજક પ્રતિકભાઈ દવે, વિસનગર પ્રખંડના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, રાજુભાઈ દેવીપૂજક, સંયોજક રવિભાઈ દરજી વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. શોભાયાત્રામાં જીલ્લા પ્રાન્તના અમીતભાઈ પંડ્યા, દિલીપભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં પ્રથમ વખત નિકળેલ શોભાયાત્રાનો ઉત્સાહ જોઈ દર વર્ષે રામનવમીએ શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવશે તેવુ પટેલ મહેન્દ્રભાઈ કમાણાએ જણાવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts