કુદરતી સંપત્તિ ધરાવતા સોનાની ચીડીયા જેવા યુક્રેનને રશિયા પડાવી લેવા માંગે છે
તંત્રી સ્થાનેથી…
દરેક ભાષાના શબ્દકોષમાં સ્વાર્થ જેવો શબ્દ ન હોત અને દુનિયામાં સ્વાર્થ ન હોત તો આખુ વિશ્વ રામરાજ્ય બની ગયું હોત. કૈકૈયે પુત્રને રાજા બનાવવામાં રામાયણ રચાયું, મહાભારતનું યુદ્ધ અંધ ધૃતરાષ્ટ્રના આંધળા સ્વાર્થના કારણે ખેલાયુ. મનુષ્યના જીવનમાં સ્વાર્થ વણાયેલો છે પણ કોઈનું છીનવવાનો અતિસ્વાર્થ ભયંકર મોટા વિવાદો, મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફક્ત સ્વાર્થની જ લડાઈ છે. યુક્રેને રશિયાને સહેજ પણ દુભવ્યું નથી. છતાં સોનાની ચીડીયા યુક્રેનને કબજે કરવા છેલ્લા ૫૫ દિવસથી આખી દુનિયાના લોકોને અધ્ધર શ્વાસે રાખ્યા છે. યુક્રેનમાં માત્ર રશિયાને રસ છે એવું નથી. બીજા પણ કેટલાક દેશોની નજર યુક્રેન ઉપર છે. યુરોપમાં યુક્રેન એક માત્ર એવો દેશ છે. જ્યાં સૌથી વધુ એટલે કે ચાર કરોડ દસ લાખ લોકો શિક્ષીત છે. ઠંડા વાતાવરણને લઈ તમામ લોકો કામ કરવા માટે તત્પર રહે છે. યુરોપમાં સૌથી વધુ યુરેનીયમ નીકળે છે. યુરેનીયમના ભંડાર બાબતમાં યુક્રેન દુનિયાના બીજા ક્રમે છે. એજ રીતે મેંગેનીઝના ખનીજના ભંડાર બાબતમાં પણ યુક્રેન બીજા ક્રમે છે. દુનિયાના ૧૨ ટકા જેટલું મેંગેનીઝ યુક્રેન પેદા કરે છે. યુક્રેન પાસે ૩૦ અબજ ટન આયર્ન છે. મરક્યુરીના ભંડાર બાબતે યુક્રેન વિશ્વમાં બીજા નંબરે છે. યુક્રેન પાસે ૨૨ ટ્રીલીયન ક્યુબિક મીટરર્સ જેટલો ગેસનો ભંડાર છે. આટલા ભંડાર સાથે યુરોપમાં ત્રીજા ક્રમે અને વિશ્વમાં ૧૩ મા ક્રમે છે. કોલસાના ભંડારની બાબતમાં યુક્રેન દુનિયાના સાતમા ક્રમે છે. એની પાસે ૩૩.૯ અબજ ટન કોલસો છે. કુદરતી સંપત્તિની દૃષ્ટિએ યુક્રેન દુનિયાના ચોથા ક્રમે છે. સૂર્યમુખીના તેલ નિકાસમાં યુક્રેન પહેલા ક્રમે છે. ખેતી ઉદ્યોગમાં પણ યુક્રેન યુરોપમાં પહેલા નંબરે છે. તેના પાસે ફળદ્રુપ જમીન છે. ચીઝની નિકાસમાં સોળમા ક્રમે છે. ખેતીવાડી નિષ્ણાંતોના કહ્યા મુજબ વિશ્વના ૬૫ કરોડ લોકોનું પેટ ભરી શકે તેટલી યુક્રેન શક્તિ ધરાવે છે. યુક્રેન કબજે કરી શકે તો રશિયાના અર્થતંત્રને જબરજસ્ત પીઠબળ મળી શકે તેમ છે. યુક્રેન મકાઈ નિકાસમાં ચોથા ક્રમે છે. બટાકાના ઉત્પાદનમાં યુક્રેન વિશ્વમાં ચોથા ક્રમે છે. મધના ઉત્પાદનમાં યુક્રેન પાંચમા ક્રમે છે. યુક્રેનમાં ઘઉંનુ ઉત્પાદન એટલુ બધુ થાય છે કે ઘઉંના નિકાસની બાબતમાં યુક્રેન આઠમાં નંબરે છે. એમોનિયા ગેસના ઉત્પાદનમાં યુક્રેન સમગ્ર યુરોપમાં પહેલા ક્રમે છે. આવી મબલખ કુદરતી સંપત્તિ ધરાવતા યુક્રેન ઉપર રશિયાની નજર બગડે તેમાં કોઈ નવાઈ નથી. યુક્રેનનો રશિયા સાથે કોઈ વિવાદ નથી. યુક્રેન પોતે સ્વતંત્ર દેશ છે. એને નાટોમાં ભળવાની જાહેરાત કરી એવા સામાન્ય કારણસરજ રશિયાએ યુદ્ધ છેડી દીધું છે. યુક્રેને નાટોમાં નહી ભળીએ એવી જાહેરાત કરી છે છતાં યુધ્ધ ચાલુ છે. આખુ વિશ્વ મુક પ્રેક્ષક બની સસલુ અને સિંહની લડાઈ જોઈ રહ્યું છે. જે ભવિષ્યમાં બીજા દેશો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં હજ્જારો પરિવારો બરબાદ થઈ ગયા છે. સેંકડો નિર્દોષ નાગરીકોના મોત થયા છે. મોટી સંખ્યામાં મહિલાઓ વિધવા થઈ છે જેમણે પોતાના પતિ ગુમાવ્યા છે. જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તે અત્યારે નિરાધાર પરિસ્થિતિમાં છે. આવા કપરા સંજોગોમાં વિશ્વના દેશો ચૂપ બેસે તે શરમની વાત છે.