Select Page

ડાવોલ-ડાલીસણા-વરેઠા તળાવો માટે ૧૩.ર૮ કરોડની સૈધ્ધાંતિક મંજુરી

નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા

ખેરાલુ તાલુકાના ડાવોલ, ડાલીસણા અને વરેઠા ગામ દ્વારા છેલ્લા બે વર્ષ થી પાણી નહી તો વોટ નહી ના મંત્ર સાથે ચુંટણી બહિષ્કાર કર્યો હતો. જેથી ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા ગુજરાત સરકારમાં આ બાબતે વારંવાર રજુઆતો કરાતી હતી. છ મહિના પહેલા ગુજરાત રાજ્યનું તમામ મંત્રી મંડળ બદલાતા આરોગ્ય અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી તરીકે ઋષિકેશભાઈ પટેલને સ્થાન મળતા ખેરાલુ પંથકના ભાગ્ય ઉઘડી ગયા હતા. જેના ફળ સ્વરૂપે ધારાસભ્ય અજમલજી ઠાકોરની રજુઆતથી નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા કુડા-ભીમપુર પાઈપ લાઈન મારફત તળાવો ભરવા યોજનાની સૈધ્ધાંતિક મંજુરી આપતા રૂા. ૧૩,ર૮, ૪પ,૧૭૯/- ની સૈધ્ધાંતિક મંજુરી આપતા ખેરાલુ તાલુકામાં આનંદ છવાયો હતો.
ખેરાલુ તાલુકાના ડાવોલ, ડાલીસણા અને વરેઠામાં સિંચાઈની સગવડ નહોતી તેમજ કુદરત રૂઠી હોય તેમ વરસાદ પણ અપુરતો પડતા બોર કુવાના તળ નીચા ગયા હતા. જેના કારણે ખેતી થતી નહોતી પરંતુ પશુપાલકોને પણ પોતાના પશુઓને પાણી આપવા માટે ટેન્કરો મંગાવવા પડતા હતા. ખેડુતો અને પશુપાલકોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતી હતી. આ પ્રશ્ન સાથે રર-૧ર-ર૦ર૧ના રોજ ત્રણે ગામના ખેડુતો સાથે પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી હતી. ત્રણે ગામોના તળાવો ભરવા માટે તાજેતરમાં નર્મદાજળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તાજેતરમાં ૪-૪-ર૦રરના રોજ કુડા-ભીમપુર પાઈપલાઈન મારફત તળાવો ભરવાની યોજનામાં પાઈપ લાઈન નાંખવા રૂા.૧૩,ર૮,૪પ,૧૭૯/-ની રકમ તા.ર૧-૩-ર૦રરની નોંધથી મળેલી અનુમતી અન્વયે સૈધ્ધાંતિક મંજુરી આપવામા આવી હતી.ત્રણ ગામોનો પ્રશ્ન હલ થતા આગામી ર૦રર ની વિધાનસભાની ચુંટણી પહેલા આ પાઈપ લાઈનનું ટેન્ડરીંગ થઈ જશે અને વર્ક ઓર્ડર પણ આપી દેવામા આવશે તેવું લાગે છે. બે વર્ષના સંઘર્ષ પછી ત્રણે ગામના ખેડુતોની હજારો વિધા જમીનમાં તળાવો પાણીથી ભરાતા પાણીના તળ ઉંચા આવશે અને ખેડુતો સમુધ્ધ બનશે.
આ યોજના મંજુર થઈ છે ત્યારે હવે ડાઓલ,ડાલીસણા, અને વરેઠાના તળાવો ઉંડા કરવાનુ સરકાર વિચારે તો પાણી વધુ પ્રમાણમાં સંગ્રહ કરી શકાય તેમ છે તેવું સ્થાનિક ખેડુતો મારફતે જાણવા મળ્યુ છે. શું આ બાબતે ધારાસભ્ય અજમલજી ઠાકોર કોઈ કાર્યવાહી યુધ્ધના ધોરણે કરશે ખરા ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us