Select Page

વિસનગર તાલુકા સંઘની ચુંટણીનો વિવાદ હાઈકોર્ટમાં

ઈતર મંડળી, રૂ મંડળી કે દુધ મંડળીના પ્રતિનિધિ ઉમેદવારી કરી શકે નહી તેવો વાંધો રજુ કરાયો

ભાન્ડુ કાર્યકારી સેવા મંડળીના પ્રતિનિધિ દિપકભાઈ પટેલે ચુંટણી અધિકારીના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરી નામદાર હાઈકોર્ટના દ્વારે જવાની તજવીજ હાથ ધરતા સહકારી રાજકારણ ગરમાયુ

વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટીની ૧૩ બેઠકો માટે યોજાનાર ચુંટણી માટે ૨૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાંથી ચુંટણી અધિકારીએ ૧૬ ફોર્મ માન્ય રાખ્યા હતા. આ ચુંટણીમાં ભાજપ પાર્ટીએ તમામ ૧૩ ઉમેદવારોને મેન્ડેડ આપતા ભાજપનાજ બે તથા અન્ય એક પ્રતિનિધિએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ઝોન-૧ના ઉમેદવારે વાંધા અરજી આપી ન્યાય મેળવવા નામદાર હાઈકોર્ટમા જવાની તજવીજ કરતા આ મુદ્દે તાલુકાનુ સહકારી રાજકારણ ગરમાયુ છે.
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટીની ૧૩ બેઠકો માટે યોજાનાર ચુંટણી માટે આસીસ્ટન્ટ કલેક્ટર રામનિવાસ બુગાલીયા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતુ. ત્યારે સંઘની વ્યવસ્થાપક કમિટિના સભ્ય બનવા માટે સંઘની મંડળીઓના પ્રતિનિધિઓએ રાજકીય દાવપેચ શરૂ કરી દીધા હતા. જોકે આ ચુંટણીમાં ભાજપે વ્યવસ્થાપક કમિટિની ૧૩ બેઠકો ઉપર તમામ ઉમેદવારોને મેન્ડેડ આપતા ચુંટણી લડવા ઈચ્છુક કેટલાક સહકારી આગેવાનોના મનસુબા ઉપર પાણી ફરી વળ્યુ હતુ. ભાજપે ઝોન પ્રમાણે પેનલ બનાવી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં ઝોન-૧માં જેતલવાસણા વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી લી.ના પ્રતિનિધિ પટેલ વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ, ઝોન-૨માં સાતુસણા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના પ્રતિનિધિ પટેલ મહેન્દ્રભાઈ પ્રભુદાસ, ઝોન-૩મા પુદગામ સેવા સહકારી મંડળી લી.ના પ્રતિનિધિ ઠાકોર બદસંગજી વાઘાજી, ઝોન-૪માં દેણપ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના પ્રતિનિધિ પટેલ જશવંતભાઈ ગંગારામ, ઝોન-૫માં ઉમતા સેવા સહકારી મંડળી લી.ના પ્રતિનિધિ પટેલ રમેશભાઈ આત્મારામ, ઝોન-૬માં કિયાદર સેવા સહકારી મંડળી લી.ના પ્રતિનિધિ ચૌધરી મનુભાઈ વિરસંગભાઈ, ઝોન-૭મા ગુંદીખાડ સેવા સહકારી મંડળી લી. વિસનગરના પ્રતિનિધિ પટેલ નરેન્દ્રભાઈ માધવલાલ, ઝોન-૮માં કુવાસણા સેવા સહકારી મંડળી લી.ના પ્રતિનિધિ પટેલ રજનીકાન્ત પ્રભુદાસ, ઝોન-૯માં કાંમલપુર (ગો) સેવા સહકારી મંડળીના પ્રતિનિધિ ચૌધરી રમેશભાઈ બાબુભાઈ, ઝોન-૧૦ માં અર્બુદા સહકારી રૂ મંડળી લી. મગરોડાના પ્રતિનિધિ ચૌધરી મુકેશભાઈ વિરસંગભાઈ, ઝોન-૧૧માં થુમથલ સેવા સહકારી મંડળી લી.ના પ્રતિનિધિ દેસાઈ નારાયણભાઈ હલુભાઈ, ઝોન-૧૨માં ગુંજાળા સેવા સહકારી મંડળી લી.ના પ્રતિનિધિ ચૌધરી મહેન્દ્રભાઈ માવજીભાઈ તથા ઝોન-૧૩માં મહાકાળી સહકારી જુથ રૂ મંડળી લી.કંસારાકુઈના પ્રતિનિધિ પટેલ જતીનભાઈ ભરતભાઈના નામનો મેન્ડેડ જાહેર કરાયો હતો.
ભાજપ સમર્પિત પેનલના આ તમામ ૧૩ ઉમેદવારોએ શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અંકિતભાઈ પટેલ સહિત પોતાના ટેકેદારો સાથે તા.૧૯-૪ને મંગળવારના રોજ ૧૨-૩૯ કલાકે વિજયી મુહુર્તમાં મામલતદાર કચેરીમાં પહોંચી મામલતદાર એન.બી.મોદી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા. જ્યારે ઝોન-૧માં ભાજપના સક્રીય કાર્યકર અને ભાન્ડુની ખોડીયાર કાર્યકારી સેવા સહકારી મંડળી લી.ના પ્રતિનિધિ પટેલ દિપકકુમાર બાબુલાલ, ઝોન-૪માં ખદલપુર સેવા સહકારી મંડળીના પ્રતિનિધિ પટેલ હિતેન્દ્રકુમાર જયંતિલાલ તથા ઝોન-૬માં ગુંજાના ભાજપના સક્રીય કાર્યકર અને સેવા સહકારી મંડળીના પ્રતિનિધિ ચૌધરી પોપટભાઈ પથુભાઈએ ભાજપની પેનલના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવતા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુંટણી બિનહરીફ થતા અટકી હતી. જોકે આ ચુંટણીમાં ભાન્ડુની ખોડીયાર કાર્યકારી સેવા સહકારી મંડળીના પ્રતિનિધિ પટેલ દિપકકુમાર બાબુલાલે તા.૧૯-૪ના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયાના દિવસે મામલતદાર કચેરીમાં ચુંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી આપતા એવી રજુઆત કરી હતી કે, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ વિસનગરની મંડળીઓના પેટા નિયમોની જોગવાઈઓ અને નિયમો અનુસાર ઈતર મંડળી, રૂ મંડળી કે દુધ મંડળીના સભાસદો માત્ર મત આપવાનો અધિકાર ધરાવે છે. તેઓ ઉમેદવારી કરી શક્તા નથી. જેથી આવી ઈતર મંડળી, રૂ મંડળી કે દુધ મંડળીના સભાસદો ઉમેદવારી કરશે તો તેમની સામે મારો વાંધો- વિરોધ છે. અરજદારે લેખિત વાંધો રજુ કર્યા બાદ ચુંટણી અધિકારીએ સામે જવાબ આપતા જણાવ્યુ હતુ કે, ઉમેદવારીપત્રોની ચકાસણીની કામગીરી ૧૧-૩૫ કલાકે પુર્ણ કરવામાં આવી હતી. આ દરમિયાન ઉમેદવાર દિપકભાઈ પટેલે મૌખિક કે લેખિત કોઈ વાંધો રજુ કર્યા ન હતો. ઉમેદવારીપત્રોની ચકાસણી પુર્ણ થયા બાદ ૧૨-૩૨ કલાકે વાંધો રજુ કર્યા હોઈ અરજદારની વાંધા અરજી ધ્યાને લેવાની થતી નથી. ચુંટણી અધિકારીના નિર્ણયથી અસંતોષ થતા દિપકભાઈ પટેલે સમગ્ર ચુંટણી પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરી ન્યાય મેળવવા નામદાર હાઈકોર્ટના દ્વારે જવાની તજવીજ હાથ ધરી છે. ભાન્ડુ મંડળીના પ્રતિનિધિ દિપકભાઈ પટેલે નામદાર હાઈકોર્ટમાં જવાની તજવીજ હાથ ધરતા ભાજપના કેટલાક અસંતુષ્ઠોએ આ લડતમાં અંદરખાને તમામ પ્રકારનો સહયોગ આપી રહ્યા હોવાનુ ચર્ચાતા તાલુકાના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us