Select Page

પાલડી મંડળીમાં ફ્રોડ ખાતેદારો અને લોનના આક્ષેપથી ખળભળાટ

પાલડી મંડળીમાં ફ્રોડ ખાતેદારો અને લોનના આક્ષેપથી ખળભળાટ

રૂા.૧.૫૨ કરોડની ઉચાપતની તપાસ પુરી થઈ નથી ત્યારે

• મંડળીમાં સભાસદ બનવા ગયા ત્યારે ખબર પડી કે અરજદાર પહેલેથી ખાતેદાર છે અને લોન બાકી બોલે છે
• મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકની વિસનગર શાખાના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શંકા
• આમ આદમી પાર્ટીના જીલ્લા લીગલ એડવાઈઝરના સહકારથી પોલીસ ફરિયાદ કરવા અરજી આપવામાં આવી

વિસનગર તાલુકાના પાલડી ગામની સેવા સહકારી મંડળીમાં એક પછી એક કૌભાંડો બહાર આવતા સહકારી ક્ષેત્રે ખળભળાટ વ્યાપ્યો છે. ગામના એક વ્યક્તિ સભાસદ બનવા ગયા ત્યારે ખબર પડી કે તેઓ મંડળીના સભાસદ છે અને તેમના નામની લોન બાકી બોલે છે. આવા ૨૦ સભાસદ બનાવી રૂા.૫૦ લાખ ઉપરાંત્તની લોન લીધી હોવાનુ બહાર આવતા ચકચાર જાગી છે. ફ્રોડ ખાતેદારો અને ખોટી લોન મંજુર કર્યાના આક્ષેપ સાથે ફરિયાદ કરવા વિસનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.
વિસનગર તાલુકાના પાલડી ગામની પાલડી સેવા સહકારી મંડળીમાં પાક ધિરાણના નાણાં લઈ બેંકમાં જમા નહી કરાવવા બાબતે રૂા.૧.૫૨ કરોડની ઉચાપતની તપાસ હજુ પુરી થઈ નથી. ત્યારે સહકારી મંડળીમાં થયેલુ નવુ કૌભાંડ બહાર આવ્યુ છે. ફરિયાદ માટે આવેલી અરજીની વિગત પ્રમાણે ખેતી વ્યવસાય કરતા અલ્કેશકુમાર જગુભાઈ ચૌધરી સેવા સહકારી મંડળીમાં સભાસદ બનવા માટે ગયા હતા. ત્યારે જાણવા મળ્યુ હતુ કે, ખાતેદાર તરીકે રેકર્ડમાં નામ બોલે છે. અલ્કેશકુમાર ચૌધરીના નામે ૫% વ્યાજનુ રૂા.૨,૯૦,૦૦૦/- ધિરાણ થયુ છે. ધિરાણ પેટે રૂા.૨,૯૫,૦૦૦/- બાકી બોલે છે. આઘાત અને આશ્વર્ય સાથે મંડળીમાં ક્યારેય ખાતેદાર થયા નથી, મંડળી પાસે ક્યારેય ધિરાણ મેળવેલ નથી પછી લોન કેવી રીતે બાકી હોય તેવો પ્રશ્ન કર્યો હતો. મંડળીના પ્રમુખે વર્ષ ૨૦૨૧-૨૨ નો ધિરાણ બાકી રીપોર્ટ બતાવ્યો હતો. જેમાં સભાસદ નંબર ૦૪૫૯ માં અલ્કેશભાઈ જગુભાઈ ચૌધરીની રૂા.૨,૯૦,૦૦૦/- લોનની રકમ બાકી હતી. પ્રમુખે લોન ભરી દેજો નહીતર ફરિયાદ અને દાવો કરીશુ. મારી ઓળખાણ ધારાસભ્ય સુધીની છે છોડીશ નહી તેવી ચીમકી આપી હતી.
અલ્કેશકુમાર ચૌધરીએ મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકની વિસનગર શાખામાં તપાસ કરતા બ્રાન્ચ મેનેજર સેવિગ્સ તેમજ લોન એકાઉન્ટ હોવાનુ તેમજ ધિરાણ બાકી બોલતુ હોવાનુ જણાવ્યુ હતુ. માહિતી માગતા કોઈપણ પ્રકારની માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. મંડળીના પ્રમુખે બાકી ધિરાણનુ લીસ્ટ આપ્યુ હતુ તે મુજબ ગામના અન્ય લોકોનો સંપર્ક કરતા બીજા ૧૯ લોકો એવા મળી આવ્યા હતા કે જેમના નામે ખોટુ ધિરાણ થયુ હતુ. જે કુલ ધિરાણની રકમ રૂા.૫૦ લાખ ઉપરાંત્ત થાય છે. મંડળીમાં કોના નામે ખોટા સભાસદ બનાવ્યા અને કેટલા રકમનુ ખોટુ ધિરાણ લેવામાં આવ્યુ તે જોઈએ તો, ચૌધરી રાકેશકુમાર જગુભાઈ રૂા.૨,૯૦,૦૦૦/-, ચૌધરી જૈમીનભાઈ ધનજીભાઈ રૂા.૨,૧૦,૦૦૦/-, ચૌધરી વિનુભાઈ કાનજીભાઈ રૂા.૨,૭૫,૦૦૦/-, ચૌધરી ગોવિંદભાઈ વિરાભાઈ રૂા.૨,૮૫,૦૦૦/-, ચૌધરી રમેશભાઈ બાબુભાઈ રૂા.૨,૮૫,૦૦૦/-, ચૌધરી મેહુલભાઈ ગાંડાભાઈ રૂા.૩,૦૦,૦૦૦/-, ચૌધરી જશવંતભાઈ ભગવાનભાઈ રૂા.૨,૪૦,૦૦૦/-, ચૌધરી દિનેશભાઈ નરસંગભાઈ રૂા.૨,૯૦,૦૦૦/-, ચૌધરી સુરેશભાઈ રમણભાઈ રૂા.૩,૦૦,૦૦૦/-, ચૌધરી રાજેશભાઈ રમણભાઈ રૂા.૨,૯૫,૦૦૦/-, ચૌધરી મહેશભાઈ હરિસંગભાઈ રૂા.૩૭,૦૦૦/-, ચૌધરી શંકરભાઈ દોલજીભાઈ રૂા.૨,૪૫,૦૦૦/-, ઠાકોર માલાજી સોમાજી રૂા.૨,૩૫,૦૦૦/-, ઠાકોર ખેંગારજી અનારજી રૂા.૩,૦૦,૦૦૦/-, ઠાકોર અમરસિંહ રઘુજી રૂા.૨,૩૫,૦૦૦/-, ઠાકોર શૈલેષજી રાજુજી રૂા.૩,૦૦,૦૦૦/-, ઠાકોર ભીખાજી હીરાજી રૂા.૨,૩૦,૦૦૦/-, ચૌધરી અરવિંદભાઈ દલસંગભાઈ રૂા.૨,૭૫,૦૦૦/-, ઠાકોર સિદ્ધરાજસિંહ પ્રહલાદજી રૂા.૩,૦૦,૦૦૦, ચૌધરી કનુભાઈ બબાભાઈ રૂા.૩,૦૦,૦૦૦/- એમ કુલ ૨૦ વ્યક્તિને ખોટા સભાસદ બનાવી ખોટુ ધિરાણ લેવામાં આવ્યુ હતુ.
પાલડી સહકારી મંડળીના ઉચાપત કેસમાં વિસનગર પોલીસ ઢાંક પીછોડ કરતા ફ્રોડ કાર્યવાહીનો ભોગ બનનાર આ ઈસમો દ્વારા આમ આદમી પાર્ટીના મહેસાણા જીલ્લાના લીગલ એડવાઈઝર જળદેવસિંહના સહકારથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા અરજી આપવામાં આવી છે. જેમાં સેવા મંડળી જવાબદાર હોદ્દેદારો તથા મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકના જવાબદાર કર્મચારીઓ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us