એક ટીખળખોર દાનની જાહેરાત કરી દાન ન આપનાર દાતાઓના નામોની પત્રિકા છપાવી શહેરના જાહેર સ્થળો ઉપર ચોટાડશે તેવી ચર્ચા
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે કેટલાય દર્દીઓના મૃત્યુ થયા હતા. ત્યારે વિસનગર ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે ઓક્સિજનના અભાવે કોઈ દર્દીનુ મૃત્યુ ન થાય તે માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને દવાઓની કીટ માટે દાતાઓ પાસે દાનની અપીલ કરી હતી. જેમાં ભાજપના કેટલાય હોદ્દેદારો સહિત ૧૪ જેટલા નાના મોટા દાતાઓએ આશરે રૂા.૩.૬૯ લાખનું દાન જમા નહી કરાવ્યા હોવાનું ચર્ચાય છે. એક ટીખળખોર બાકી દાતાઓના નામની પત્રિકા છપાવી માર્કેટયાર્ડના ગેટ, સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ આગળ તથા ત્રણ દરવાજા ટાવર ઉપર ચીપકાવી તેમને ખુલ્લા પાડવામાં આવશેતેવુ ચર્ચાય છે.
કોરોના મહામારીની બીજી લહેરમાં સંક્રમિત દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી જતા ઓક્સિજન બેડ સાથેની સારવારની તાતી જરૂરીયાત ઉભી થઈ હતી. આ સમયે ઓક્સિજનની ભારે અછત હતી. બહારગામથી ઓક્સિજનના સિલીન્ડર લાવી દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની કાયમી સુવિધા ઉભી કરવા માટે સિવિલ હોસ્પિટલમાં મોટો ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે તથા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા શહેર- તાલુકાના દર્દીઓને ઘરે બેઠા વિનામુલ્યે દવાની કીટ આપવાનો નિર્ધાર કર્યો હતો. આ સેવા કાર્યમાં માતબર રકમનો ખર્ચ થતો હોઈ ધારાસભ્ય અને એ.પી.એમ.સી. દ્વારા તાત્કાલિન કોવિડ કેર ફંડમાં યથાશક્તિ દાન આપવા દાતાઓને દાનની અપીલ કરી હતી. ત્યારે દાતાઓએ દાનની સરવાણી વહાવતા ગણત્રીના દિવસોમાં એ.પી.એમ.સી. કોવિડ કેર ફંડમાં રૂા.૬૧.૬૫ લાખની જાહેરાત કરી હતી. જેમાં મોટા ભાગના દાતાઓએ પોતાના દાનની રકમ જમા કરાવતા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાનું અને શહેર-તાલુકાના ગામોમાં કોરોનાના દર્દીઓને વિનામુલ્યે દવાની કીટ આપવાનુ ભગીરથ કાર્ય કરવામાં આવ્યુ હતુ. કોરોનામાં ધારાસભ્ય ઋષિભાઈની સેવા ભાવનાને લોકોએ બિરદાવી હતી. આ દાતાઓમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલના વિશ્વાસુ ગણાતા શહેર-તાલુકાના હોદ્દેદારોએ રૂા.૫૧૦૦ થી લઈને રૂા.૧,૦૦,૦૦૦ લાખ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આજદીન સુધી આ દાતાઓએ એ.પી.એમ.સી. કોવિડ કેર ફંડમાં દાનની રકમ જમા નહી કરાવી હોવાનું માર્કેટયાર્ડના વેપારીઓમાં ચર્ચાય છે. વેપારીઓમાં એવી ચર્ચા છે કે કોઈપણ જગ્યાએ દાન આપવાની જાહેરાત કર્યા પછી સામેથી દાન આપવુ જોઈએ. પરંતુ આજે કેટલાક હોદ્દેદારો દાનની જાહેરાત કરી સસ્તી પ્રસિધ્ધિ મેળવે છે. કોઈને દાન આપતા નથી. દાનવીર હોવાનો ખોટો દેખાવ કરે છે. મોટા લોકો પાસે કોઈ દાનની ઉઘરાણી નહી કરતા તેઓ સામે ચાલીને આપવાનું વિચારતા નથી. ત્યારે દાનની જાહેરાત કરી દાન ન આપનાર લોકોને સબક શિખવાડવા એક ટીખળખોર એ.પી.એમ.સી. કોવિડ કેર ફંડમા દાન ન જમા કરાવનાર દાતાઓના નામની પત્રિકા છપાવી માર્કેટયાર્ડના ગેટ પાસે, સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ પાસે, ત્રણ દરવાજા ટાવર, તેમજ શહેરના જાહેર સ્થળો ઉપર ચીપકાવી તેમને ખુલ્લા પાડવાનો હોવાનુ ચર્ચાય છે.