Select Page

દરબાર કંમ્પાઉન્ડમાં ટાંકી માટે જગ્યા સંપાદન કરી ટેન્ડરીંગ કરાયુ

કડા દરવાજા, ગંજી વરઘોડીયા વોર્ડમાં પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે

ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ તેમની વગનો વિસનગર શહેરના વિકાસમાં લાભ મળી રહ્યો છે. દરબાર કંમ્પાઉન્ડમાં સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવા પાલિકાએ જગ્યાની માપણી કરી હતી. ત્યારે કેબીનેટ મંત્રીના પ્રયત્નોથી જીલ્લા કલેક્ટરે જગ્યા સંપાદન કરવાનો ઓર્ડર કરતા પ્રમુખ વર્ષાબેન પટેલે જમીનનો કબજો મેળવ્યો હતો. જ્યાં ૧૦ લાખ લીટરનો સંપ તથા પાંચ લાખ લીટરની ઓવરહેડ ટાંકી માટે તાત્કાલીક ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હોવાનુ ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકે જણાવ્યુ છે.
વિસનગરમાં લાલ દરવાજા વોટર વર્કસથી દિપરા દરવાજાના ઢાળ સુધી તેમજ ડોસાભાઈ બાગથી ફતેહ દરવાજા સુધી વચ્ચે એક પણ ઓવરહેડ ટાંકી નહી હોવાથી ગામતળના વિસ્તારમાં પાણીની વર્ષોની સમસ્યા છે. ત્યારે પાલિકા દ્વારા તા.૨૮-૧૦-૨૦૨૦ ના રોજ કલેક્ટરને પત્ર લખી દરબાર કંમ્પાઉન્ડમાં જુની સીટી સર્વેની ઓફીસની જગ્યા સંપ તથા ઓવરહેડ ટાંકી બનાવવા માગણી કરી હતી. પરંતુ પાલિકા ભવન અને સુંશી રોડ ઉપર કચરા સ્ટેન્ડની જગ્યા ફાળવવામાં કલેક્ટર ગાંઠતા નહોતા તેમ સીટી સર્વેની જગ્યા પાલિકાને ફાળવવા આનાકાની થતી હતી. પરંતુ ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતા વિજળી ગતિએ પાલિકા ભવન અને સુંશી રોડ ઉપર કચરા સ્ટેન્ડની જગ્યાની મંજુરી મળી તેજ રીતે સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવા દરબાર કંમ્પાઉન્ડમાં સીટી સર્વેની જગ્યાની પણ પાલિકાને મંજુરી આપી. કેબીનેટ મંત્રીના પદનો એ પણ લાભ થયો કે સંપાદન કરવામાં આવેલ ૬૫૧ ચો.મી. જમીન માટે રૂા.૧,૨૬,૯૪૫/- ભરવાના થયા. જે રકમ ભરાઈ જતા જીલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલે તા.૪-૪-૨૦૨૨ ના રોજ સીટી સર્વે વાળી જગ્યા પાલિકાને સંપાદન કરવા હુકમ કર્યો હતો. જે હુકમ આધારે સીટી સર્વેના કર્મચારીઓએ જમીન માપણી કરી પ્રમુખ વર્ષાબેન પટેલને જગ્યાની કબજા પાવતી સોપી હતી. જે સમયે પાલિકા ચેરમેન જે.ડી.પટેલ, દંડક મેહુલભાઈ પટેલ, પક્ષના નેતા અમાજી ઠાકોર, પાલિકા સભ્ય ભાવેશ મોદી, ટાઉન પ્લાનીંગના જયદેવસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
દરબાર કંમ્પાઉન્ડમાં જતા ડાબી સાઈડે સીટી સર્વેની કચેરીવાળુ મકાન તોડી આ જગ્યામાં ૧૦ લાખ લીટરનો સંપ અને પાંચ લાખ લીટરની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે. જેના માટેનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હોવાનુ ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકે જણાવ્યુ છે. ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વાલમ પાસે રૂા.૧૫૮ કરોડના ખર્ચે ફક્ત વિસનગર શહેર અને તાલુકા માટે પીવાના પાણીનો પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ દરબાર કંમ્પાઉન્ડમાં સંપ અને ઓવરહેડ ટાંકી તૈયાર થશે ત્યારે કડા દરવાજા, દિપરા દરવાજા, ગંજી તથા સમસ્ત વરઘોડીયા વોર્ડમાં પીવાના પાણીની કાયમી સમસ્યાનો અંત આવશે.

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની વગથી સીટી સર્વે કચેરીની જગ્યા ફળવાતા પ્રમુખ વર્ષાબેન પટેલે ૬૫૧ ચો.મી. જમીન હસ્તગત કરી

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us