
વિસનગર તાલુકા પંચાયતના નવિન ભવનનુ ભૂમિપૂજન કરાયુ
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે
વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી, પંચાયત મંત્રી અને સહકાર મંત્રીના હસ્તે ગત સોમવારના રોજ તાલુકા પંચાયતના નવિન ભવનનું ભૂમિપુજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મહેસાણા સાંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદ સભ્ય જુગલજી ઠાકોર, જીલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી ડા. ઓમપ્રકાશ શર્માજી, વિસનગર પ્રાન્ત અધિકારી રામનિવાસ બુગલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અંકિતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિતાબેન ઠાકોર સહિત પંચાયત સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિસનગર શહેરના મધ્યે આવેલ તાલુકા પંચાયતનુ જુનુ બિલ્ડીંગ જર્જરીત થતા નવિન તાલુકા પંચાયત ભવન બનાવવા ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે પ્રયત્નો શરૂ કર્યા હતા. આ સમયે તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાથી તાલુકા પંચાયત પ્રમુખ સહિત તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ તેનો વિરોધ કરી કાર્યવાહી અટકાવી હતી. પરંતુ તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન આવતા અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ રાજ્યના કેબિનેટ મંત્રી બનતા તેમને તાલુકા પંચાયત સંકુલમાં તાલુકા પંચાયત ભવન સાથે વિવિધ કચેરીઓનું નિર્માણ કાર્ય હાથ ઉપર લીધુ હતુ. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અંકિતભાઈ પટેલ પોતાનું મકાન બનાવવાનુ હોય તેમ નવિન તાલુકા પંચાયતનું બિલ્ડીંગ બનાવવા માટે મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા વહીવટી તંત્રના અધિકારીઓના સતત સંપર્કમા રહેતા હતા. મંત્રી ઋષિકેશભાઈ પટેલની ભલામણથી નવિન તાલુકા પંચાયત ભવન માટે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી રૂ.૨૪૦ લાખની વહીવટી મંજુરી મળી હતી. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ. વિભાગની રૂા.૩૫ લાખ ગ્રાન્ટ, રેતી કંકરની રૂ ૨૫ લાખ ગ્રાન્ટ તેમજ તાલુકા પંચાયત વિસનગરના સ્વ ભંડોળમાથી રૂા. ૬૦ લાખનો ખર્ચ થનાર છે. તાલુકા પંચાયત બિલ્ડીંગના નવનિર્માણ માટે માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર દ્વારા રૂા.૩૬૦ લાખની તાંત્રીક મંજુરી મળી છે. જેમાંથી રૂા.૩૩૩.૯૦ લાખ ટેન્ડરીંગની રકમ નક્કી કરવામા આવી છે. આ તાલુકા પંચાયતના નવિન બિલ્ડીંગમાં ૬૫૪.૧૫ ચો.મીટર ગ્રાઉન્ડ ફ્લોર, ૬૫૭.૨૨ ચો.મીટર ફર્સ્ટ ફ્લોર, ૬૮૦.૬૪ ચો.મીટરનો સેકન્ડ ફ્લોર તથા ૫૨.૩૨ ચો.મીટરનો ટેરેસ ફ્લોર મળી કુલ ૨૦૪૪.૩૩ ચો.મી માં બાંધકામ કરવાનો એરિયા નક્કી કરવામાં આવ્યો છે. જેમાં આ બિલ્ડીંગ આર્કીટેક્ચરલ વ્યુહથી તેમજ આર.સી.સી.ફ્રેમ સ્ટ્રક્ચરથી બનાવવામાં આવશે. આ બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફ્લોર તથા બે ફ્લોરનુ બનશે. બિલ્ડીંગમા ઈટોનું ચણતર થશે. બિલ્ડીંગ કમ્પાઉન્ડમાં આર.સી.સી.ના રોડ બનશે. બિલ્ડીંગમાં ટેરેસ ઉપર ચાઈના મોજેક વીથ વોટર પ્રુફીંગ કરાશે. વિજળીની બચત થાય તે મુજબનો ઈલેક્ટ્રીક ઉપકરણોનો ઉપયોગ થશે. બિલ્ડીંગ કેમ્પસમાં લેન્ડ સ્કેપીગ તથા બિલ્ડીંગમા રેઈન વોટર હાર્વસ્ટીંગ સીસ્ટમ સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવનાર છે. વિસનગર ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સોમવારના રોજ સવારે ૯-૦૦ કલાકે અદ્યતન સુવિધાઓ સાથે નવનિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. આ ભૂમિપુજનના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ટી.ડી.ઓ. મનુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અંકિતભાઈ પટેલ, નાયબ ટી.ડી.ઓ. ફાલ્ગુનીબેન પંડ્યા, હરિશ મહેતા, નેહાબેન જોષી, વિસ્તરણ અધિકારી આશાબેન પટેલ, મનિષાબેન સુથાર, જશુભાઈ પટેલ, મનહરભાઈ પરમાર, દિનેશભાઈ પ્રજાપતિ, ભાવિનભાઈ, મનિષભાઈ પરમાર, ચેતનભાઈ પટેલ, રીટાબેન પંડ્યા, અશોકભાઈ ચૌધરી, બનાજી ઠાકોર સહિત કર્મચારીઓએ એક પરિવારની જેમ અઠવાડીયા સુધી તનતોડ મહેનત કરી પોતાની જવાબદારી નિભાવી હતી.