Select Page

ખેરાલુ તાલુકાના ૩૦ ગામના આગેવાનો મંદ્રોપુરમાં ઉમટ્યા

મહાપંચાયતમાં ‘પાણી નહી તો મત નહી’ ના મંત્ર સાથે

ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે સિંચાઈના પાણીની સમસ્યાથી પિડીત ૩૦ ગામોના લોકોની મહા પંચાયતનું ૨૮-૪-૨૦૨૨ના રોજ રાત્રે ૮-૦૦ કલાકે મંદ્રોપુર ખાતે આયોજન કરાયુ હતુ. માત્ર સોશિયલ મિડીયા દ્વારા થયેલા પ્રચારથી એકત્ર થયેલા લોકોથી શિતળા માતા મંદિરનો ચોક પણ નાના પડ્યો હતો. આ મહા પંચાયતમાં ૩૦ ગામોના લોકો એકત્ર થતા સરકારની ઉંઘ ઉડી ગઈ હોય તેવુ લાગતુ હતુ. આ મહાપંચાયતના આયોજક કોણ હતા. તેવી શોધખોળ આઈ.બી.વિભાગ દ્વારા કરાયાનું પણ ચર્ચાતુ હતુ.
ખેરાલુ અને સતલાસણા તાલુકાના પશ્ચિમ, ઉત્તર તથા પુર્વ વિસ્તારના ૪૫ ઉપરાંત ગામોમાં સિંચાઈના પાણીની મોટી સમસ્યા છે. સરકારના અધિકારીઓ સમક્ષ છેલ્લા બે વર્ષથી ડાઓલ, ડાલીસણા, વરેઠા, મહેકુબપુરા અને રહીમપુરના ગ્રામજનો દ્વારા સિંચાઈના પાણીના મુદ્દે ચુંટણી બહિષ્કાર કર્યો હતો. હવે જ્યારે વિધાનસભાની ચુંટણી નજીક આવી છે ત્યારે સરકાર દ્વારા ૧૩ કરોડ ઉપરાંતની યોજના પાંચ ગામોના તળાવો ભરવા માટે મંજુર કરાઈ છે. જેથી જે ગામોમાાં સિંચાઈની વ્યવસ્થા ન હોતી છતાં મને ક મને સરકારની કામગીરીથી ખુશ છે તેવું બતાવતા હતા. તેવા ગામો પણ હવે સિંચાઈના પાણીના મુદ્દે સરકાર સામે રણશીંગુ ફુકી દીધુ છે. ‘ પાણી નહી તો મત નહી’ ના મુદ્દે ગામેગામ બોર્ડ લગાવી સરકારનો વિરોધ કરવાનું મંદ્રોપુર ગામે મહા પંચાયતનુ આયોજન કરાયુ હતુ. જેમાં પ્રચાર સાપ્તાહિકને મળેલી માહિતી મુજબ ખેરાલુ શહેર, નંદાલી, મીયાસણા, વાલાપુરા, સાકરી, સુવરીયા, મહિયલ, જોરાપુરા, ડાઓલ, ડાલીસણા, વરેઠા, ડભાડ, ચાણસોલ, સંતોકપુરા, ફત્તેપુરા, વિઠોડા, પાન્છા, નાની હિરવાણી, મોટી હિરવાણી, મંડાલી, લુણવા, વાવડી, મંદ્રોપુર તથા ખેરાલુના જોડીયા અને જાંબુડી વિસ્તારના આગેવાનો સ્વયંભુ એકત્ર થયા હતા. મહાપંચાયતમાં ગયેલા કોઈપણ આગેવાનને પુછ્યે તો પોતાનુ નામ પ્રચાર સાપ્તાહિકમાં પ્રસિધ્ધ કરવાની ના કહેતા હોવાથી કોઈના નામો પ્રસિધ્ધ કરાયા નથી.
આ મહાપંચાયત દ્વારા સરકારને ચિમકી આપી હતી કે, હાલ માત્ર ‘પાણી નહી તો મત નહી’ ના બેનરો દ્વારા સરકારને જાણ કરાશે. પરંતુ આગામી સમયમાં સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામા નહી આવે તો ગામેગામ સભાઓ કરવામાં આવશે તેમજ આગામી કાર્યક્રમો કરવા જણાવ્યુ હતુ.
આ બાબતે એક આગેવાને નામ ન આપવાની શર્તે જણાવ્યુ હતુ કે, આ મહા પંચાયત કોઈ એક વ્યક્તિની નથી પરંતુ આ પાણી માટેનુ આયોજન છે. મહેસાણામાં મોઢેરા સર્કલ ઉપર અંડર બ્રિજ બની રહ્યો છે. જેમાં તમામ વેપારીઓનો વિરોધ છે. બ્રિજની જરૂર નથી. ધંધા રોજગાર ઉપર અસર થશે. આ બ્રિજ ૧૪૧ કરોડનો છ.ે જે માટે નાણા ફાળવાયા છે. ત્યારે ખેડુતની વેદના દુર કરવા નાણાં મળતા નથી. ધરોઈનુ ઓવરફ્લો પાણી છોડવામાં આવે છે તે નદીમાં વેડફાઈ જાય છે તે માત્ર ૧૦ કલાક ચિમનાબાઈ સરોવરમાં જાય તો ચિમનાબાઈ સરોવર ઓવરફ્લો થઈ જાય. ત્યારે સરકાર દ્વારા ઈરાદાપૂર્વક ચિમનાબાઈ સરોવરમાં ધરોઈનું ઓવરફ્લો પાણી પહોંચાડવા વ્યવસ્થા કરાતી નથી. ખેરાલુ પંથકના ખેડુતો માટે સરકારને વિચારવાનો સમય નથી. જેથી અમે ૩૦ ગામોની મહાપંચાયત બોલાવી પડી છે. ખેરાલુ તાલુકામાં સરકાર સર્વે કરાવે અને કયા ગામોનો ખેડુત કેટલા રૂપિયાના દેવામાં ફસાયેલો છે તો દરેક ગામ દિઠ કરોડો રૂપિયાનુ બેંકોનું દેવુ છે. હાલમા પશુઓને પાણી પુરૂ પાડવા ટેન્કરો મંગાવવા પડે છે. ફત્તેપુરામાં તળાવ બનાવવા યુવકો ગાંધીનગર સુધી ગયા ત્યારે ખબર પડી કે ધારાસભ્યએ કોઈ રજુઆત કરી જ નથી. આવા અનેક પ્રશ્ને દબાયેલા કચડાયેલા ખેડુતોએ હવે સરકાર સામે રણશિંગુ ફુક્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us