સમગ્ર વિશ્વમાં પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે
તંત્રી સ્થાનેથી
સમગ્ર વિશ્વમાં, ભારત સહિત તમામ દેશોમાં દિન-પ્રતિદિન પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે, આ સમસ્યા સામે ગંભીર રીતે ધ્યાન આપવામાં નહિ આવે તો ભવિષ્યમાં તે ખતરનાક બની શકે છે. પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના મોટાભાગના દેશો તેમના દેશમાં શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે તાજેતરમાં ચેતવણી આપી છેકે પાણીના બગાડને અટકાવવામાં નહિ આવે તો વિશ્વમાં ગંભીર જળ સમસ્યા ઊભી થઈ શકે છે. વિશ્વ જળ વિકાસ રીપોર્ટની માહિતી દર ત્રણ વર્ષે આપવામાં આવે છે, આ રીપોર્ટ જળ વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રીએ અને સામાજીક મુદ્દા સાથે જોડાયેલા નિષ્ણાતો દ્વારા યુનેસ્કોની દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે તેમાં પણ જળ સમસ્યાને ગંભીર ગણાવી છે. દુનિયાની વસ્તી હાલમાં રોકેટ ગતિએ વધી રહી છે. તે જોતાં તમામને સ્વચ્છ પીવાનું પાણી આપવું તે વિશ્વના દેશો માટે સમસ્યા છે. પૃથ્વી ઉપર આશરે ૭૧ ટકા વિસ્તારમાં પાણી છે. પણ આ જળ પૈકી માત્ર ૩ ટકા જળ જ એવું છેકે માનવ ઉપયોગમાં લઈ શકાય તેમ છે. હકીકતમાં ખૂબ ઓછા પ્રમાણમાં માનવ માટે આ જળ ઉપયોગી કહેવાય. પાણીની સમસ્યા આજે ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. પાણીને બચાવવા માટે એક સરળ પ્રયોગ છે. વરસાદના પાણીને વહી જતાં અટકાવી તેને જમીનમાં ઉતારી જળનો સંગ્રહ કરવામાં આવે તો પાણીની સમસ્યા થોડી હલ થઈ શકે. ભારતના કેટલાક ભાગોમાં પાણીની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છેકે તેનો લાભ લેવા માટે બહુ રાષ્ટ્રીય કંપનીઓ પણ મેદાનમાં ઉતરી છે. આજે દેશમાં બોટલમાં મળતા પાણીનો વેપાર સતત વધી રહ્યો છે. તે કોઈ આનંદદાયક સમાચાર નથી. તજજ્ઞોના અંદાજ મુજબ ભારતમાં ૬૫ થી ૭૦ ટકા પાણીનો ઉપયોગ ખેતી માટે લેવાય છે. આ ઉપરાંત્ત ઉદ્યોગો પણ પાણીનો ઉપયોગ કરે છે. ઉદ્યોગો સતત વધી રહ્યા છે. તેમને પણ પાણીની જરૂરીયાત વધારે ઊભી થવાની. આના કારણે ખેતી ક્ષેત્રે અને ઉદ્યોગોને પુરુ પાણી મળશે નહી. જેથી સામાન્ય લોકોને પણ પૂરતુ પાણી મળશે નહી. ભારતને વિકાસશીલ દેશ બનાવવામાં જળ સંસાધનનું મહત્વ એટલુંજ છે જેટલી ઉર્જા મહત્વની છે. તેમ છતાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાના કાર્યને લોકો તથા તંત્ર સજાગ બનતુ નથી. કાઠીયાવાડમાં લોકોએ લોક ભાગીદારીથી વહી જતા વરસાદના પાણીને પાળા બાંધી રોકી આ પાણી જમીનમાં ઊતારી જમીનના તળ ઊંચા લાવવામાં સફળ રહ્યા છે આ અભીગમ અપનાવવા જેવો છે. ભવિષ્યમાં દરીયાઈ જળને સિંચાઈના પાણી તરીકે વપરાય તે દિશામાં નવી પધ્ધતિ વિકસીત કરવાની પણ જરૂરી છે. પાણીની સમસ્યા દિન-પ્રતિદિન એટલી ગંભીર બનતી જાય છે કે દરીયાઈ જળને શુદ્ધ કરી પીવાનું પાણી મેળવવું પડશે. તથા વરસાદી પાણીને સંગ્રહ કરવા માટે વિચારવું પડશે. જો જળના જતન અને સંગ્રહ માટે કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવશે નહિ તો પાણીનું સંકટ દેશ માટે ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. પ્રવર્તમાન સંજોગોમાં દુનિયાના અનેક દેશો તેમાં ખાસ કરીને વિકસીત દેશો જળ સમસ્યા દૂર કરવા માટે પ્રયત્નશીલ છે. જળ એ જરૂરી ગતિશીલ સંસાધન છે. જળ એ જીવન છે આ મંત્ર હવે બધાએ સ્વીકારવાની જરૂર છે. જળનો દુરુપયોગ ટાળવો પડશે. ખેતીમાં ટપક પધ્ધતિ અપનાવવાનો સમય હવે આવી ગયો છે. જળ એ જ જીવન છે એ મંત્ર જીવનમાં ઉતારવો પડશે.