Select Page

મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં ગેરરીતીના આક્ષેપથી ખળભળાટ

મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં ગેરરીતીના આક્ષેપથી ખળભળાટ
  • બેંકના નામની જાહેરાત આપવાની જગ્યાએ મળતીયાઓને નોકરીનો લાભ આપવા એજન્સી દ્વારા જાહેરાત અપાઈ
  • બેંકમા થયેલ ભરતી સ્થગિત કરી તટસ્થ તપાસની માંગણી

મહેસાણા ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપ. બેંકમાં જુદી જુદી જગ્યાઓ ઉપર કરવામાં આવેલ ૧૧૧ કર્મચારીઓની ભરતીમાં ગેરરીતી થઈ હોવાનો આક્ષેપ કરી મહેસાણા નગરપાલિકા વોર્ડ નં.૩ના કોંગ્રેસના ઉમેદવારે મહેસાણા જીલ્લા રજીસ્ટ્રારશ્રીને લેખિત રજુઆત કરી છે. જેમાં અરજદારે આ બેંકની ભરતી સ્થગીત કરી તટસ્થ તપાસની માંગણી કરતા આ મુદ્દે સરકારી અને રાજકીય આગેવાનોમાં શંકાકુશંકા ઉભી થઈ છે.
તાજેતરમાં ધી મહેસાણા ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપ. બેંકમાં આસીસ્ટન્ટ મેનેજર-૧, બ્રાન્ચ મેનેજર-૧૦, આઈ.ટી. ઓફીસર-૧૫, બ્રાન્ચ એકાઉન્ટન્ટ-૧૫, ક્લાર્ક તથા કેશીયર-૪૫, સુપર વાઈઝર-૧૫ તેમજ પટાવાળા-૧૦ મળી કુલ ૧૧૧ જગ્યાઓ ઉપર કર્મચારીઓની ભરતી કરવા બેંકના જવાબદાર સત્તાધીશો દ્વારા તા.૪-૨-૨૦૨૨ના રોજ જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેના આધારે મહેસાણા ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપ. બેંકમાં જુદી જુદી જગ્યાઓ ઉપર કર્મચારીઓની નોકરીમાં ભરતી કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રીયામાં મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકના બોર્ડના સભ્યોના અને કર્મચારીઓના સગા- સબંધીઓની ભરતી કરવામાં આવી હોવાની મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં.૩ના કોંગ્રેસના કોર્પોરેટર અમિતભાઈ વી.પટેલને શંકા ઉભી થતા તેમને આ બાબતે સત્ય બહાર લાવવા તા.૬-૫-૨૦૨૨ના રોજ મહેસાણા જીલ્લા રજીસ્ટ્રારશ્રીને લેખિત રજુઆત કરી હતી. જેમાં અમિતભાઈએ ભરતી પ્રક્રિયા બાબતે એવી રજુઆત કરી હતી કે, આ બેંકની ભરતીની જાહેરાતમાં બેંકના નામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. જેના કારણે પાટણ અને મહેસાણા જીલ્લાના ગ્રેજ્યુએટ અને લાયકાત ધરાવતા બેરોજગાર ઉમેદવારો વંચિત રહ્યા છે. ભરતીમાં રોજગાર કચેરીમાંથી નામો મંગાવેલ નથી. જેથી મહેસાણા અને પાટણ જીલ્લાના બે રોજગારના નામો ઈન્ટરવ્યુથી વંચિત રહ્યા છે. ભરતીની જાહેરમાં લાયકાત દર્શાવવામાં આવી હતી. પરંતુ નોકરીની જગ્યા માટે વયમર્યાદા દર્શાવેલ નથી. ભરતી માટેની કાર્યવાહી જે એજન્સીને સોંપવામાં આવી છે તે એજન્સીની અમારા જાણવા મુજબ મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકના ડીરેક્ટરએ પોતાના સબંધોમાં અથવા રીલેશનમાં આપી છે. જાહેરાતમાં ઉમેદવારની અરજી નામંજુરનો અબાધિત અધિકાર મેનેજમેન્ટનો રાખેલ છે. તે ખરેખર ખોટો છે. પરીક્ષા પાસ કરનારને તા.૧૮-૪-૨૦૨૨ના રોજ ઈ-મેઈલથી પાસ થયાની જાણ કરવામાં આવી છે. ત્યારબાદ તા.૨૪-૪-૨૦૨૨ના રોજ ઉમેદવારોનો મૌખીક ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. જેનો મેસેજ પણ કર્યો છે. આ ભરતી પરીક્ષાનુ રીઝલ્ટ આજદીન સુધી જે તે કંપનીની વેબસાઈટ કે બેંકની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ નથી. અને વેબસાઈટ બંધ કરી દીધેલ છે. તા.૧૮-૪-૨૦૨૨ના રોજ પરીક્ષાનુ પરીણામ જાહેર કર્યા બાદ પાછળથી કેટલાક ઉમેદવારોને ઈ-મેઈલથી પાસ કરી ઈન્ટરવ્યુમાં બોલાવેલ છે. પેપરમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત મુજબ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા કરવામાં આવતી નથી. તેમાં ભ્રષ્ટાચાર કરીને પાછળથી નિમણુંક આપેલ છે. મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકમાં બોર્ડ ઈન્ટરવ્યુ માટે કોઈ કમિટી બનાવેલ નથી. જેથી બોર્ડની સત્તા વિરૂધ્ધ ભરતી કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં જાહેરાતના અનુક્રમ નં.૪ થી ૭માં બોર્ડના સભ્યોના સંબંધીઓને દિકરા- દિકરીઓને અને બેંકના ચાલુ કર્મચારીઓના સગા- સબંધીઓની ભરતી કરવામાં આવી છે. જેથી આ ભરતી સ્થગિત કરવામાં આવે અને તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેવી અરજદારે માંગણી કરતા આ મુદ્દો સહકારી અને રાજકીય આગેવાનોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
આ અંગે અરજદાર અમિતભાઈ પટેલે પ્રચારને જણાવ્યુ હતુ કે, આ ભરતીથી ભાજપના લોકો પણ નારાજ છે. પણ તેઓ બોલી શક્તા નથી. કચવાટ અનુભવી રહ્યા છે. ભાજપના લોકો હોળીનુ નારીયેળ બનવા તૈયાર નથી. એટલે મેં આ ગેરરીતી બહાર લાવવા મહેસાણા જીલ્લા રજીસ્ટ્રાર, ગુજરાત રાજ્ય સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર ગાંધીનગર, રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજુઆત કરી છે અને હવે દિલ્હી કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહને લેખિત રજુઆત કરવાનો છું. મને વિશ્વાસ છે કે, આ ભરતીમાં બેંકના ડીરેક્ટરો અને કર્મચારીઓના સગા-વ્હાલાઓને નોકરીના ઓર્ડર અપાયા છે. જેના કારણે તેઓ વેબસાઈટ ઉપર ભરતીનુ લીસ્ટ મુક્તા નથી. કોઈપણ ભરતી હોય તો ડીરેક્ટરોને જાણ હોવી જોઈએ. અને ડીરેક્ટરોની કમિટી બને. જો ભરતીનું લીસ્ટ મને આપવામાં આવે તો હું કોના સગા-વ્હાલાની ભરતી કરવામાં આવી છે તેનો પર્દાફાશ કરી શકુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts