Select Page

વિસનગર ક્રિકેટ ટુર્નામેન્ટ પત્રિકામાં કેબીનેટ મંત્રીની બાદબાકીથી ચકચાર

વિસનગર ક્રિકેટ ટુર્નામેન્ટ પત્રિકામાં કેબીનેટ મંત્રીની બાદબાકીથી ચકચાર

કેબીનેટ મંત્રી બન્યા પહેલા ઋષિભાઈ પટેલની સાંસદ શારદાબેન પટેલ ગૃપ દ્વારા એટલી અવગણના કરવામાં આવી હતી કે હવે કોઈ કાર્યક્રમમાં હાજર રહેવા કેબીનેટ મંત્રીનો સંપર્ક કર્યો હોવા છતા લોકો માનવા તૈયાર નથી. સાંસદ ખેલ સ્પર્ધાની આમંત્રણ પત્રિકામાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં નહી આવતા ખેલ સ્પર્ધામાં સાંસદે ખેલદિલી રાખવાની જગ્યાએ અંચઈ કરી હોવાની ચકચાર જાગી છે.
રમત ગમતોને પ્રોત્સાહિત કરવી, રમતવીરો તૈયાર કરવા, ખેલ સંસ્કૃતિનો વિકાસ કરવો તેમજ ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ સાંસદોને પોતાના સંસદીય મત વિસ્તારમાં સાંસદ ખેલ સ્પર્ધાનુ આયોજન કરવા આહ્‌વાન કર્યુ છે. જે અંતર્ગત વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સ્પોર્ટ્‌સ કેમ્પસમાં સાંસદ ખેલ સ્પર્ધા-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેનો તા.૭-૫-૨૦૨૨ થી શુભારંભ થયો છે. સાંસદ ખેલ સ્પર્ધાની આમંત્રણ પત્રિકામાં ગૃહ રાજ્યમંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ યુવાન ભાજપ મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, વિજાપુર અને કડીના ધારાસભ્ય, કલેક્ટર, ડી.ડી.ઓ., ડી.એસ.પી., એસ.કે.યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ તથા જીલ્લા ભાજપના ત્રણ મહામંત્રીના નામનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના નામની આમંત્રણ પત્રિકામાંથી બાદબાકી થતા ભારે ચકચાર જાગી છે.
ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા તે પહેલા એસ.કે.યુનિવર્સિટી કેમ્પસમાં ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા ઘણા કાર્યક્રમો થયા હતા. જે સમયે પ્રકાશભાઈ પટેલે પણ આ કાર્યક્રમોમાં ઋષિભાઈ પટેલની અવગણનામાં કોઈ કસર બાકી રાખી નહોતી. સાંસદ શારદાબેન પટેલની અચૂક હાજરી રહેતી હતી. જે કાર્યક્રમોમાં રાજકીય દ્વેષભાવનાના કારણે આમંત્રણ પત્રિકામાં ઋષિભાઈ પટેલના નામનો ઉલ્લેખ તો એક બાજુ રહ્યો પરંતુ આમંત્રણ પણ આપવામાં આવતુ નહોતુ. ઋષિભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલ વચ્ચેની રાજકીય લડાઈમાં સાંસદ શારદાબેન પટેલે ઋષિભાઈ પટેલથી છેટુ રાખ્યુ હતુ. જેના કારણેજ કોરોનાની બીજી લહેરમાં સાંસદ સભ્યએ તેમની ગ્રાન્ટમાંથી જીલ્લાની અન્ય સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય લક્ષી સાધનો આપ્યા હતા. જ્યારે સાંસદ સભ્યનો જન્મ જે હોસ્પિટલમાં થયો હતો તે વિસનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીમાં ઋષિભાઈ પટેલ સાથેના દ્વેષભાવમાં એક રૂપિયો પણ ફાળવ્યો નહોતો. વડાપ્રધાને ખેલદીલી પ્રોત્સાહિત કરવાના હેતુથી ખેલ સ્પર્ધાનુ આયોજન કરવાનુ સુચન કર્યુ છે. ત્યારે સાંસદ શારદાબેન પટેલ કોરોના જેવી મહામારીમાં ખેલદીલી વ્યક્ત કરી શક્યા નહોતા અને રાગદ્વેષને મહત્વ આપ્યુ હતુ. કોરોનાની મહામારીની કટોકટીમાં સાંસદ શારદાબેન પટેલે વિસનગર સિવિલમાં ગ્રાન્ટ ફાળવી હોત તો તેનો ઉપયોગ વિસનગર શહેર અને તાલુકાના લોકોનેજ થવાનો હતો. પરંતુ સાંસદે વેરઝેરને મહત્વ આપ્યુ હતુ. જ્યારે લોકસભાની ચુંટણીમાં મત માગ્યા હતા વિસનગરની દિકરી ગણાવીને. કોરોના સમયમાં આ દિકરીને વિસનગરના લોકો યાદ આવ્યા નહોતા.
આવા ઋષિભાઈ પટેલ પ્રત્યેના રાજકીય કટ્ટરવાદના કારણે આમંત્રણ પત્રિકામાં કેબીનેટ મંત્રીનુ નામ નહી હોવાથી જાણી જોઈને બાદબાકી કરવામાં આવી હશે તેવી રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. જેમાં સાંસદ શારદાબેન પટેલના પી.એ. જસ્મીનભાઈ પટેલે આમંત્રણ પત્રિકામાં નામ લખવા અને હાજર રહેવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો સંપર્ક કર્યો હોવાનુ જણાવ્યુ હતુ.
એસ.કે.યુનિવર્સિટીના કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે હાજર રહેવાનુ ટાળ્યુ હોવાનુ પણ ચર્ચાય છે. જેના પાછળનું કારણ એ છેકે ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા ત્યારબાદ એસ.કે.યુનિવર્સિટીના બે કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે કાર્યક્રમમાં ઋષિભાઈ પટેલના ટેકેદારોને આમંત્રણ આપવામાં આવ્યુ નહોતુ. ઋષિભાઈ પટેલના કારણે તેમના ટેકેદારોને પ્રકાશભાઈ પટેલ સાથે મનદુઃખ હતુ. ટેકેદારોને મુકીને અને ભુલીને ઋષિભાઈ પટેલે એસ.કે. યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપતા ટેકેદારોમાં ભારે મનદુઃખ થયુ હતુ. ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર નહી રહેવાનુ આ કારણ પણ જવાબદાર હોય તેવુ કાર્યકરોનુ અનુમાન છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts