Select Page

વિસનગરમાં કોમી એકતા સાથે ઈદ મિલન-સન્માન સમારંભ યોજાયો

હિન્દુ મુસ્લિમ વચ્ચે મતભેદો કરી તણાવ પેદા કરતા માહોલમાં સમગ્ર દેશમાં કોમી એકતાની મિશાલ ઉભી કરી એક વિશેષ ઉદાહરણ વિસનગરમાં પૂરું પાડયા છે. વિસનગરના કાજીવાડા વિસ્તારમાં પત્રકાર તૌફિકભાઈ મનસુરીના નિવાસ્થાને ઇદમિલન સમારંભના સ્ટેજ ઉપર હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાન સહીત ભાજપ, કોંગ્રેસ અને આપના પ્રમુખ તથા હોદ્દેદારો સાથે મળી એકબીજાને દૂધ કોલ્ડ્રીંક્સના ગ્લાસ ધરી ભાઈચારાની અને કોમી એકતાની મિશાલ કાયમ કરી છે.
વિસનગરમાં નિવેદન ન્યુઝ સાપ્તાહિકના પત્રકાર તૌફિકભાઈ મનસુરીના કાજીવાડા વિસ્તારમાં આવેલ નિવાસસ્થાને દર વર્ષે ઇદ-મિલન સમારંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમ થઈ શક્યો નહોતો. પરંતુ આ વર્ષે ઇદ મિલન તેમજ કોરોના વોરીયર્સ સન્માન સમારંભનુ કોમી એકતા સાથે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ, અને ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારંભ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન તથા મુસ્લિમ અગ્રણી વજીરખાન પઠાણ, પૂર્વ મંત્રી કિરીટભાઈપટેલ, વિસનગર પાલિકાના ઉપ પ્રમુખ રૂપલ પટેલ, એપીએમસીના ચેરમેન પ્રીતેષભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ર્ડા. પારુલબેન પટેલ, પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ, શહેર કોંગેસ પ્રમુખ મનુજી ઠાકોર, બાબુભાઇ વાસણવાળા, ફકીર જમાતના પ્રમુખ, મન્સૂરી જમાતના પ્રમુખ, મેમણ જમાતના પ્રમુખ, વિસનગર વકફ બોર્ડના ચેરમેન અલતાફભાઈ કાપડીયા, પૂર્વ કોર્પોરેટર તથા આ વિસ્તારના કોર્પોરેટર બીલકીશબેન મનસુરી, મુસ્તાકભાઈ બહેલીમ હિરેન પટેલ તેમજ શહેરના હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભ ખાસ કોરોના મહામારીમાં સારી સેવા આપનાર કર્મવિરો અને થોડાક સમય પહેલા વિસનગરમાં મુસ્લિમ સમાજના અગ્રણી વજીરખાન પઠાણના દિકરાના લગ્નમાં ફૂડ પોઇઝનના બનાવમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે અને એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ આખી રાત હાજર રહી તાત્કાલીક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. વિસનગર સિવિલ હોસ્પિટલ તેમજ નૂતન હોસ્પિટલ ખાતે ડૉક્ટરો, આરોગ્ય કર્મીઓ, સેવાભાવી નાગરિકો, અગ્રણીના સહયોગથી નાત જાત જોયા વિના તાત્કાલિક સારવાર અપાવી અનેક લોકોને બચાવી લેવાયા હતા. આ કામગીરી માં જોડાયેલા સેવાભાવિ વિસનગર પાલિકા ઉપ પ્રમુખ રૂપલ પટેલ, એપીએમસીના ચેરમેન પ્રીતેશ પટેલ તથા આરોગ્ય કર્મી ડો.પારુલ પટેલનુ મુસ્લીમ સમાજ વતી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ. મુસ્લીમ સમાજ દ્વારા કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલની કામગીરી બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે પૂર્વ મંત્રી કિરીટભાઈ પટેલે કોમી એકતા દર્શાવતા આ પ્રસંગને બિરદાવી કાયમ માટે વિસનગરમાં એકતા બની રહેશે એવો સુર પુરાવ્યો હતો. પાલિકાના ઉપ પ્રમુખ રૂપલભાઈ પટેલે જણાવેલ કે વિસનગરમાં ભલે પક્ષ અલગ હોય પણ બધા મિત્રો છીએ. ચૂંટણી ટાઇમે સામસામે ચૂંટણી લડીએ પણ વિસનગરમાં કોઈપણ સારો ખોટો પ્રસંગ બને તો બધા આગેવાનો સાથે મળી તેને સોલ્યુશન લાવે તે આગેવાન કહેવાય. વિસનગરમાં હંમેશા એકતા અકબંધ છે અને હંમેશા જળવાઈ રહેશે.
વજીરખાન પઠાણે જણાવેલ કે, વિસનગર કદી કોમીનલ નથી. પાલિકામાં મુસ્લીમ સમાજના બે સભ્યો હોય અને પાલિકાના પ્રમુખપદે મને બેસાડ્યો. તેમજ કોલેજમાં પાંચ હજાર વિદ્યાર્થીઓમાં મને જી.એસ. બનાવ્યો તે શહેર કદી કોમીનલ ના હોય શકે. મારો જન્મ વિસનગરમાં થયો છે તે હુ મારું સૌભાગ્ય સમજુ છું. મારા દિકરાના લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનીંગના બનાવમાં સમગ્ર શહેરે જે મદદ કરી તે બદલ શહેરીજનોનો આભાર વ્યક્ત કરી મુસીબતના સમયે ખાસ હાજર રહેલા કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, રૂપલભાઇ પટેલ, વિસનગર સિવીલ સર્જન ડૉ.પારૂલબેનનો આભાર માન્યો હતો.
ઉપસ્થિત મંચસ્થ વિસનગર વકફ બોર્ડના ચેરમેન વ્હોરા અલ્તાફભાઈ કાપડીયા, એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઇ, શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, આમ આદમી પાર્ટી શહેર ઉપપ્રમુખ એચ.સી.મહેતા વિગેરે મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં વિસનગરમાં વર્ષો જૂની એકતા અને ભાઈચારાની ભાવના જળવાઈ રહેશે એવી મક્કમતા દર્શાવી હતી. આભારવિધિ તૌફિકભાઈ મનસુરીએ કરી હતી. સમારંભનું સફળ સંચાલન પ્રવિણભાઈ સોલંકીએ કર્યું હતું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us