ખેરાલુ કોંગ્રેસે ભાજપની નિષ્ફળતાઓના પર્દાફાશના શ્રીગણેશ કર્યા
- સિંચાઈના પ્રશ્ને આંદોલન કરવા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ
ખેરાલુ વિધાનસભા મત વિસ્તારમાં સિંચાઈના પાણીની મુદ્દે ઠેર ઠેર ચુંટણી બહિષ્કાર, ઉપવાસ આંદોલન અને મહાપંચાયતના આયોજનો થઈ રહ્યા છે. જેથી કોંગ્રેસ પણ સિંચાઈના મુદ્દે બળતામાં ઘી હોમવા આંદોલન કરવા તરફ આગળ વધી રહી છે. જેની જાહેરાત માટે ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના સેક્રેટરી મુકેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજકારણમાં વિરોધ પક્ષની ભુમિકા મજબુત હોવી જોઈએ પરંતુ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષ સબળ વિરોધ કરી લોકોને જાગૃત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ત્યારે ખેરાલુ વિધાનસભામાં કોંગ્રેસ પાછી પાની કરવા તૈયાર નથી. ખેડુતોના પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ ખેરાલુ વિધાનસભામાં ખેડુતો સાથે ઉભો રહ્યો હોય તેવુ હાલ લાગે છે.
પ્રેસ કોન્ફરન્સમાં હાજર મુકેશભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ચૌધરી, ખાનાભાઈ પરમાર, આલમખાન બહેલીમ, અશ્વિનભાઈ બારોટ, વિજયભાઈ દેસાઈ અને તાલુકા ડેલીગેટ પરબતજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, ચિમનાબાઈ સરોવર અને વળસંગ તળાવ આ વિસ્તારની જીવાદોરી છે. આ વિસ્તારના ધારાસભ્ય લોેલીપોપ આપે છે કે ૪૬ ગામ તળાવો ભરવા માટે અમે પાઈપ લાઈનો નાંખીશુ જેવી કાગળ ઉપર યોજનાઓ બનાવે છે. પરંતુ ખરેખર નર્મદા ડેમમાં ૪૦ ટકા પાણી છે. જેની પાઈપ લાઈનો તૈયાર છે. લાઈટ કનેક્શનો મળેલા છે. પંપસેટ પણ તૈયાર છે તો કોના કારણે પાણી આપતા નથી. આ મુદ્દે કોંગ્રેસ આંદોલન કરશે. ખેરાલુ સતલાસણા તાલુકામાં ૪૬ ગામ તળાવો ભરવા ૧૩૧ કરોડની યોજના બની છે. તેનું તાત્કાલીક ટેન્ડરીંગ કરવા માટે અમે રજુઆતો કરીશુ. ધારાસભ્ય પદે ૨૦૧૯માં ચુંટાયા ત્યારે ટકોર કરી કે વિસ્તારમાં પાણીની સમસ્યા છે. તેના માટે કામ કરો. ત્રણ વર્ષમા કોઈ કામગીરી કરી નથી. ધારાસભ્યના ગામનું તળાવ પણ ખાલી છે.
ખેરાલુ વિધાનસભામાં ૨૭ વર્ષમાં એકપણ માધ્યમિક શાળા ગ્રાન્ટેડ આપી નથી. વિસ્તારની વસ્તી વધી છે. પરંતુ વિસ્તાર જોડે ઓરમાયુ વર્તન કરાય છે. પરાઓની પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. જેનાથી સ્કુલોમાંથી બાળકોનો ડ્રોપ રેશિયો વધ્યો છે. તાલુકામાં પ્રાથમિક શાળાઓના ઓરડા નવા બનાવાતા નથી. કંડમ શાળાઓમાં ઓરડા છેલ્લા ત્રણ વર્ષમાં બન્યો નથી. વડનગર, ઉંઝામાં સાયન્સ કોલેજ ગ્રાન્ટેડ મળી છે. ખેરાલુ, સતલાસણા સાથે ઈરાદાપુર્વક ઓરમાયુ વર્તન કરાય છે. ખેરાલુ સી.એચ. સી.નુ મકાન જર્જરીત થયુ છે. કંડમ છે. અને સ્ટાફ ક્વાર્ટરના પાર્કીંગમાં દવાખાનુ ચાલે છે. ૨૦૧૯ની પેટાચુંટણીમાં ધારાસભ્ય અજમલજી ઠાકોર કહેતા હતા કે, ગ્રાન્ટ ફાળવી છે. તો હજુ સુધી કેમ નવુ સી.એચ.સી. બનાવતા નથી. આ વિસ્તારના લોકોના આરોગ્ય સાથે સરકાર ચેડા કરી રહી છે. કોરોના કાળમાં ધારાસભ્ય અને સરકારે ઓક્સીજનની કોઈ વ્યવસ્થા કરી નહી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં લોકોએ લાખો રૂપિયા ખર્ચી સારવાર મેળવી છે છતાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યો છે. ૨૫૦ ઉપરાંત પોસ્ટ ઓફીસ પણ બંધ કરવામાં આવી છે. ખેરાલુ શહેરમાં સારા રસ્તા બનતા નથી. નગરનું બ્યુફીકેશન કરાતુ નથી. ભાજપની પાલિકા છેલ્લા ૨૦ વર્ષથી શાસન કરે છે. પરંતુ વિકાસના નામે મીંડુ છે. કરોડો રૂપિયા ખર્ચાય છે. વિકાસ ક્યાંય દેખાતો નથી. વહીવટી અણ આવડતને કારણે નાણાં વેડફાય છે. શહેરમાં ગાયોનો ત્રાસ વધ્યો છે. ખાતરમાં ભાવો વધાર્યા છે. દેશના ખેડુતોનો રૂા.૨૦૦૦/- કિસાન સહાય ચુકવાઈ પણ બીજાજ દિવસે પોટાશના ખાતરમાં રૂા.૬૩૦/- ભાવ વધારી દીધા. ખેડુતોના તમામ વસ્તુઓમાં જી.એસ.ટી. લગાવ્યો છે. સિંગતેલ તેલનો ડબ્બો ૨૯૦૦/- રૂપિયા થઈ ગયો છે. ભાજપ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે.
ખેરાલુ તાલુકા પંચાયતમાં આવાસ યોજનામાં વિરોધ પક્ષના નેતા પરબતજી ઠાકોર સાથે રજુઆત કરી હતી કે ૧૦ હજારથી ૨૦ હજાર કમિશન અપાય તો જ આવાસ યોજનામાં ગરીબોને લાભ મળે છે. ગરીબો ધક્કા ખાય છે. પ્રેસ કોન્ફરન્સમાંં બાબુજી ઠાકોર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિનોદભાઈ ચૌધરીએ પણ આંદોલન બાબતે પત્રકારોને રૂપરેખા આપી હતી.