Select Page

વિસનગર તાલુકામાં સરેઆમ બિન પરવાનગી વૃક્ષોનું છેદન

  • સરકારી કચેરીઓ બંધ થાય ત્યારે સાંજે ૬ વાગ્યા પછી અને રવિવારના દિવસે આખો દિવસ કટીંગ કરેલ વૃક્ષોના લાકડાં ભરેલ ટ્રેક્ટરોની વિસનગરમાં હેરફેર જોવા મળે છે

ગ્લોબલ વોર્મિંગના લીધે વાતાવરણમા થતા ફેરફાર અને વરસાદની અનિયમિતતા સામે રક્ષણ મેળવવા માટે સરકાર દરેક નાગરિકને વૃક્ષો વાવવા તથા તેનુ જતન કરવા અપીલ કરી રહી છે. પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના છુપા આશિર્વાદથી બેરોકટોક લીલા વૃક્ષોનુ છેદન થઈ રહ્યુ છે. વિસનગર તાલુકામાં તંત્રની મંજુરી વગર વૃક્ષો કાપી લાકડા ભરેલા ટ્રેક્ટરો બેરોકટોક રોડ ઉપર ફરતા હોવા છતાં મામલતદાર કે ફોરેસ્ટ ખાતાના અધિકારીના ધ્યાને આવતુ નથી. ત્યારે જીલ્લાના બિન ભ્રષ્ટાચારી અધિકારી લાકડા ભરેલા ટ્રેકટરો પકડી આરોગ્યમંત્રીના તાલુકામાં ગેર કાયદેસર વૃક્ષ છેદન થતુ અટકાવશે ખરા?
વૃક્ષનુ મનુષ્યના જીવનમાં ખુબજ મહત્વ છે. વૃક્ષો વગર ધરતી ઉપર જીવનની કલ્પના કરવી અસંભવ છે. વૃક્ષો વગર મનુષ્ય જીવ- જંતુ અને પશુ- પક્ષી જીવી શક્તા નથી. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ લઈ ઓક્સિજન બહાર કાઢે છે. જેનાથી હવા શુધ્ધ થાય છે. ધરતી ઉપર જેટલા વધારે વૃક્ષો હશે તેટલુ જ આપણું પર્યાવરણ શુધ્ધ રહેશે. વૃક્ષ ખુબજ મુલ્યવાન હોવાથી તેને ધરતીનુ ગ્રીન ગોલ્ડ કહેવાયમાં આવે છે. અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ફેરફાર થતા વરસાદમાં અનિયમિતતા જોવામળી રહી છે. વરસાદની અનિયમિતતા રોકવા માટે વૃક્ષારોપણ કરવુ ખુબજ જરૂરી છે. સરકાર વનમહોત્સવ તથા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી દરેક નાગરિકને પોતાના વિસ્તારમાં શક્ય તેટલા વધુ વૃક્ષો વાવવા તથા તેનુ જતન કરવા અપીલ કરી રહી છે. પરંતુ સરકારના ભ્રષ્ટ અધિકારીઓના છુપા આશિર્વાદથી તંત્રની મંજુરી વગર ઠેર ઠેર લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યુ છે. કોઈપણ વૃક્ષ કાપવા ગ્રામ પંચાયતનો ઠરાવ નહી પણ મામલતદાર અને ફોરેસ્ટ અધિકારીની મંજુરી લેવી ફરજીયાત છે. તંત્રની મંજુરી વગર વૃક્ષનું છેદન કરવું ગુનો બને છે. છતાં આજે શિક્ષિત લોકો વિકાસના ઓથાતળે સરકારી જગ્યામાં તંત્રની મંજુરી વગર ઘટાદાર વૃક્ષોનું છેદન કરી રહ્યા હોવાનું ચર્ચાય છે. જેમા વિસનગર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તંત્રની મંજુરી વગર લીલા વૃક્ષોનું છેદન કરી શહેરના હાઈવે ઉપર રોજના ૬૦થી ૭૦ ટ્રેકટર પાસ વગર બેરોકટોક ફરી રહ્યા હોવાનું ચર્ચાય છે. પરંતુ આ લાકડા ભરેલા ટ્રેકટરો મામલતદાર કે ફોરેસ્ટ ખાતાના કોઈ અધિકારીના નજરે કેમ પડતા નથી ? એક બાજુ મામલતદાર અને ફોરેસ્ટ ખાતાના અધિકારી સરકારી કાર્યક્રમોમાં પોતે જાણે પર્યાવરણ પ્રેમી હોય તેમ લોકોને વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા જાહેર અપીલ કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ગેરકાયદેસર વૃક્ષ છેદન કરી રોડ ઉપર ફરતા લાકડાના ટ્રેકટરો પકડવાને બદલે તેઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના બિન ભ્રષ્ટાચારી ઉચ્ચ અધિકારીઓ રાજ્યના આરોગ્યમંત્રીના તાલુકામાં પર્યાવરણને બચાવવા માટે તંત્રની મંજુરી વગર વૃક્ષો કાપી વેપાર કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us