Select Page

વિસનગર પાંજરાપોળમાં એક સપ્તાહમાં રૂા.૩૮ લાખ દાનનો ધોધ

વાલમ ગામના મુંબઈ સ્થાયી થયેલા ઉદ્યોગપતિ પરિવારોનુ જીવદયાનુ કાર્ય

વિસનગરના શાહ ખોડીદાસ ધરમચંદ ગૌરક્ષણ પાંજરાપોળના સેવા કાર્યોની સુવાસ વિસનગર પુરતી સીમીત નથી પરંતુ દેશ વિદેશ સુધી ફેલાયેલી છે. પાંજરાપોળના કાર્યોથી પ્રભાવિત થઈ વાલમના મુળ વતની અને મુંબઈ સ્થાયી થયેલા ઉદ્યોગપતિ પરિવાર દ્વારા શેડ માટે રૂા.૨૧ લાખની માતબર રકમનુ દાન આપી જીવદયાનુ અનોખુ કાર્ય કરવામાં આવ્યુ છે. પાંજરાપોળની સેવાઓથી પ્રભાવિત થયેલા ઉદ્યોગપતિના પત્નીએ પ્રતિભાવ આપ્યો હતો કે, હુ નસીબદાર છું કે જીવદયાના કાર્યો કરતા ટ્રસ્ટીઓ સાથે સંપર્ક થયો. આનાથી વધારે સારા વ્યક્તિઓ આવા કામ માટે મળ્યા નથી. જ્યારે હસમુખભાઈ લહેરચંદભાઈ શાહ પરિવાર દ્વારા રૂા.૧૫,૧૧,૧૧૧/- નુ મેડિકલ સહાય માટે કાયમી ભંડોળનુ દાન આપવામાં આવ્યુ હતુ. જેની તક્તી અનાવરણ વિધિ કરવામાં આવી હતી.
વિસનગરનુ શાહ ખોડીદાસ ધરમચંદ પાંજરાપોળ ખોડખાંપણ ધરાવતા પશુઓ માટે આશિર્વાદરૂપ છે. ટ્રસ્ટીઓની નિઃસ્વાર્થ ભાવની સેવાથી પાંજરાપોળમાં દાનનો પ્રવાહ વધ્યો છે. લોકો જન્મદિન, લગ્નતિથી, પુણ્યતિથી નિમિત્તે ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે પાંજરાપોળમાં દાન આપી જીવદયાના કાર્યને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિસનગર તાલુકાના વાલમ ગામના મુળ વતની અને વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલા ઉદ્યોગપતિ ભરતભાઈ કાન્તીલાલ શાહ અનેે તેમના પત્ની ભારતીબેન ભરતભાઈ શાહે પાંજરાપોળના સેવા કાર્યોથી પ્રભાવિત થઈ પશુઓની સેવા માટે રૂા.૨૧ લાખનુ માતબર દાન આપ્યુ હતુ. ઉદ્યોગપતિ દાતા દંપત્તીની ઉપસ્થિતિમાં રૂા.૨૧ લાખના દાનથી બની રહેલા નવા શેડનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. ભૂમિપૂજનના આ પ્રસંગે પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ માણેકલાલ ગાંધી, રમણભાઈ શાહ, રાહુલભાઈ શાહ, મુકેશભાઈ પરીખ, પ્રમુખ અરવિંદભાઈ સંઘવી, મંત્રી મધુકરભાઈ મહેતા, કાળુભાઈ પટેલ, નિમેષભાઈ શાહ તથા કારોબારી સભ્યોએ હાજરી આપી દાન આપનાર દાનવીર દંપત્તીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સ્મીત ગાંધીએ ભરતભાઈ શાહ અને ભારતીબેન શાહની જીવનશૈલી તેમજ મુંબઈની સેવાભાવી સંસ્થાઓમાં જોડાઈને કરવામાં આવતા સેવા કાર્યોની ઝલક આપી હતી. આ પ્રસંગે ભારતીબેન શાહે પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે, ખોડખાંપણ વાળા અને રીબાતા પશુઓ માટે આશ્રયસ્થાન બનાવવાની મનમાં ઈચ્છા હતી. પરંતુ જગ્યા મળતી નહોતી કે આવા સેવા કાર્યો કરતા વ્યક્તિઓનો સંપર્ક થતો નહોતો. એક લગ્નપ્રસંગમાં વિસનગર પાંજરાપોળના કાર્યોની જાણ થઈ. મારા પતિ ભરતભાઈ શાહને વાત કરી. જેમણે સારા કાર્યમાં ક્યારેય ના પાડી નથી અને શેડ માટે રૂા.૨૧ લાખનુ દાન આપવાનો નિર્ણય કર્યો. અમે નસીબદાર છીએ કે જીવદયાના કાર્યો કરતા ટ્રસ્ટીઓ સાથે સંપર્ક થયો. શેડ ઝડપી બનશે તેવો વિશ્વાસ છે. પાંજરાપોળના ટ્રસ્ટીઓ કરતા વધારે સારા વ્યક્તિ આવા કામ માટે મળ્યા નથી. આ ઉદ્યોગપતિ પરિવારે પાંજરાપોળમાં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ટ્રસ્ટીઓની ભારોભાર પ્રશંસા કરી હતી.
પાંજરાપોળમાં મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે, અગાઉ રૂા.૩૩ લાખના ખર્ચે જે શેડ બનાવ્યો હતો તેની કેપેસીટી ૬૦૦ થી ૭૦૦ જાનવરોની છે. હાલમાં પાંજરાપોળમાં ૧૦૦૦ ઉપરાંત્ત જાનવર છે. ભરતભાઈ શાહ અને ભારતીબેન શાહ દ્વારા આપવામાં આવેલ રૂા.૨૧ લાખના દાનથી જે શેડ બનશે તેમાં ૨૫૦ થી ૩૦૦ જાનવરોને આશ્રય મળશે. આવા જીવદયાપ્રેમી દાતાઓના કારણે પાંજરાપોળમાં પશુઓની સેવા શક્ય બને છે. ભરતભાઈ ગાંધીએ દાન આપનાર ભરતભાઈ શાહ અને ભારતીબેન શાહનો ખુબજ આભાર માન્યો હતો.
શાહ ખોડીદાસ ધરમચંદ પાંજરાપોળ શ્રી વિસનગર ગૌરક્ષણ પાંજરાપોળ માટે ગત સપ્તાહ વિશેષ રહેલ. તા.૬/૫/૨૨ ના રોજ નવીન શેડ માટે ભૂમિ પૂજન અને ત્યારબાદ રવિવારે તા.૮/૫/૨૨ ના રોજ વિસનગર નિવાસી હાલ મુંબઈ સ્થિત શાહ હસમુખભાઈ લહેરચંદ પરિવાર દ્વારા શાહ વર્ષાબેન હસમુખભાઈ અને તેમના દીકરા નિશાંતભાઈ દ્વારા સંસ્થા ને આજીવન સંસ્થા ના અને આસપાસ ના અબોલ – નિર્દોષ પશુ – પક્ષી માટે મેડિકલ સહાય માટે કાયમી ભંડોળ રૂા.૧૫,૧૧,૧૧૧/- નુ દાન આપવામાં આવેલ છે. રવિવારે તેઓના પરિવાર – સગા – સ્નેહી – સંબંધીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં સવારે ઉપસ્થિત સર્વે માટે નવકારશી અને ત્યારબાદ પ્રાસંગિક પ્રોગ્રામ પૂર્ણ કરી વિધિ વિધાન પૂર્વક તકતી અનાવરણ વિધિ સંપન્ન કરવામાં આવેલ. પરિવાર દ્વારા તકતી વિગેરે માટે થયેલ ખર્ચ ઉપરાંત માદા પશુઓ માટે બે કૂલરનું પણ સૌજન્ય આપવામાં આવ્યુ છે. પરિવારની ઉદાર ભાવનાથી અબોલ પશુ – પક્ષી માટે જીવદયા જેવા કાર્ય માં અનુંમોદનીય કાર્ય વતન એવા વિસનગર ગામને પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ છે.
આ શુભ દિવસે તેઓના સગા શાહ પદમાબેન રજનીકાંત પરિવાર તરફથી રૂપિયા ૧,૧૧,૧૧૧/- થી સંસ્થાના આધાર સ્થંભ માં. હસ્તે રાજેશભાઈ અને ધર્મિષ્ઠાબેન, ચિ.કૈવન અને ક્રિશા જન્મદિવસ નિમિત્તે શાહ હિતેશકુમાર પ્રેમચંદ પરિવાર દ્વારા રૂપિયા ૨૧૧૧૧/- પશુઓને ગોળ થી મોં મીઠું કરાવવા માટે, શાહ જ્યોત્સનાબેન ઉત્તમચંદ પરિવાર દ્વારા રૂા.૩૧,૧૧૧/- મહેતા ચારુબેન ચંદ્રકાંતભાઈ ડુંગરપુર વાળા પરિવાર તરફથી રૂપિયા ૨૧,૧૧૧/-, ચાવડા મંજુલાબેન અજીતસિંહ પરિવાર તરફથી રૂા.૫૧૦૦/-, સમાપ્તિકુમાર બસરકોડ તરફથી રૂપિયા ૫,૫૫૫/-, હસમુખભાઈની તા.૧૧/૫ ના દિને પુણ્યતિથિ દિવસે મોં મીઠુ કરાવવા માટે રૂા.૧૧૦૦૦/- દાન ભેટ સંસ્થાને પ્રાપ્ત થયેલ. આ પ્રસંગે ખાસ અમદાવાદથી ઉત્તમભાઈ શાહ અને અજીતભાઇ આર.શાહની પણ ઉપસ્થિતિ રહેલ. સંસ્થાના તમામ કમિટી મેમ્બર સાથે સાથે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ સંસ્થા વિસનગર તાલુકાના ખમીરવંતા ખેડૂત મિત્રો, દાનવીરો અને જીવદયા પ્રેમીમાં સાથ સહકારથી કાર્ય કરી રહી છે. સંસ્થા હાલ દેણપ રોડ સ્થિત સંકુલમાં સેવા આપી રહી છે. સરકાર શ્રી દ્વારા પણ સંસ્થાને અવાર નવાર દાન – માર્ગદર્શન મળતું રહે છે. સંસ્થા દરરોજના આશરે રૂા.૪૦૦૦૦/- ના ખર્ચને પહોંચી વળવા માટે હંમેશા દાન ભેટ સ્વીકારે છે. દાન ભેટ આપવા માટે સંસ્થાની ઓફીસનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us