સમર્થ ડાયમંડ દ્વારા માનવતાનો સંદેશો આપતો કાર્યક્રમ યોજાયો
સમર્થ ડાયમંડના માલિક ગોવિંદભાઈ, દશરથભાઈ અને દિનેશભાઈ ત્રણેય ભાઈઓ હંમેશા સમાજ ઉપયોગી કાર્યો કરી રહ્યા છે-મંત્રી ઋષિકેશભાઈ પટેલ
વિસનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હિરા ઉદ્યોગ ક્ષેત્રે નામના મેળવનાર સમર્થ ડાયમંડ હાઉસના નવિન પ્રાંગણમાં સમર્થ ડાયમંડ ગૃપ દ્વારા તા.૮-૫ને રવિવારના રોજ સાંજે રાષ્ટ્રધ્વજ વંદન, વરસાદી પાણી રિચાર્જ સિસ્ટમનુ અનાવરણ, કર્મચારીઓની ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સનુ લોકાર્પણ, સમર્થ ડાયમંડના જુના બિલ્ડીંગમાં લાગેલી આગની દુર્ઘટનામા મદદરૂપ થનાર તેમજ કોરોના કાળમાં મદદરૂપ થનાર અર્બન હેલ્થ સેન્ટર અને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહના અધ્યક્ષ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મુખ્ય મહેમાન તરીકે વડનગરના સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સમર્થ ડાયમંડના માલિક અને કર્મચારીઓની એકબીજા પ્રત્યેની લાગણી અને માનવતાની ભારોભાર પ્રશંસા કરી હતી. અને સમર્થ ડાયમંડ પરિવાર હિરાની જેમ દેશ વિદેશમાં ચમકી ઉઠે તેવી શુભકામના પાઠવી હતી.
વિસનગરમાં નૂતન હાઈસ્કુલ સામે આવેલ ઋષિકેશ માર્કેટમાં ઘણા વર્ષોથી સમર્થ ડાયમંડ નામની હિરાની ફેક્ટરી ચાલતી હતી. જેમાં વિસનગર સહિત આજુબાજુના તાલુકાના આશરે ૩૫૦૦ થી ૪૦૦૦ જેટલા ભાઈ- બહેનો રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ શોર્ટ શર્કીટ થવાના કારણે તા.૨૯-૩-૨૦૨૧ના રોજ સાંજે ૭-૦૦ કલાકે અચાનક ફેક્ટરીમાં આગ લાગી હતી. જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઈમ્પોર્ટેડ માલ- સામાન તથા હિરાના પેકેટ બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારે વિસનગર, વડનગર, ઉંઝા, વિજાપુર, મહેસાણા નગરપાલિકા ફાયર ફાયટરો અને વિસનગરમાં વોટર સપ્લાય કરનાર પ્લાન્ટના વેપારીઓની રાત-દિવસની મહેનતથી આગ કાબુમાં લેવામાં આવી હતી. આગ કાબુમાં ન આવી ત્યા સુધી પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, વીજ કંપનીના અધિકારી તથા સ્ટાફ અને શહેરના સેવાભાવી નાગરિકો ખડેપગે હાજર રહ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા સમર્થ ડાયમંડના માલિક દશરથભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ તથા ગોવિંદભાઈ પટેલને હાશકારો થયો હતો. સમર્થ ડાયમંડના આ ત્રણેય વેપારી ભાઈઓની પ્રમાણિક્તા અને નૈતિક્તાના કારણે આગ દુર્ઘટનાના ૧૦ મહિનામા શહેરના પાલડી રોડ ઉપર આવેલ વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા સાથે વાતાનુકુલ ઈકોફ્રેન્ડલી અદ્યતન સમર્થ હાઉસના બિલ્ડીંગનુ નિર્માણ કાર્ય થયુ હતુ.
આ સમર્થ હાઉસના નવિન સંકુલમાં તા.૮-૫ને રવિવારના રોજ વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને વડનગરના સામાજીક કાર્યકર્તા સોમાભાઈ મોદીના હસ્તે ધ્વજવંદન અને વરસાદી પાણી રીચાર્જ સિસ્ટમનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વડનગરના સામાજીક કાર્યકર્તા સોમાભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, આ કાર્યક્રમ માનવતાને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. કોરોના કાળમાં અને આગની દુર્ઘટનામાં દરેક વ્યક્તિએ માનવતાના ધોરણે પોતાની જવાબદારી નિભાવી હતી.તેમા કોઈએ ઉપકાર ક્રયો ન હતો પરંતુ આગ દુર્ધટનામા થોડી પણ ભુલ થઈ હોત તો આજે ૧૦ મહિનાના ગાળામાં ફરીથી ફેક્ટરી શરૂ થઈ ન હોત અને આ ફેક્ટરીમાં કામ કરતા તમામ કર્મચારીઓના ઘરમા ચુલો સળગ્યો ન હોત. આજે સમાજમાં કેટલાય લોકો સેવા કાર્યો કરી રહ્યા છે. પરંતુ સેવાકાર્યોની કોઈએ કદર કરી હોય તેવા ભાગ્યેજ કિસ્સા જોવા મળે છે. કોરોનાકાળમાં દરેક વ્યક્તિને સારા- ખોટા અનુભવો થયા છે. કોરોના કાળમાં કેટલાય સમાજસેવી મજબુત આગેવાનો સારવારમાટે હેરાન થયા હતા. ત્યારે સમર્થ ડાયમંડના ત્રણેય ભાઈઓના પરિવારે આ કાર્યક્રમ યોજી ખરાબ પરિસ્થિતિમાં એક બીજાની મદદ કરવાનો અને કદર કરવાનો બોધપાઠ આપ્યો છે. આવા સેવાભાવી પરિવાર સાથે મને પાંચ મિનિટ બેસવાનો આનંદ થયો તેવું કહીને તેઓ ભાવુક થઈ ગયા હતા.
જ્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, સમાજ માટે કામ કરવાવાળા અને પોતાના પરિવારને મદદરૂપ થનાર તમામ લોકોને યાદ કરી તેમનુ સન્માન કર્યુ હોય તેવો આ પ્રથમ બનાવ છે. આ સન્માન ગુજરાતની પ્રજાનુ સન્માન છે. સમર્થ પરિવાર જ્યારે સંકટમાં આવ્યો ત્યારે જે લોકોએ ખભેખભો મિલાવી મદદ કરી તે તમામ લોકોે બિરદાવવા લાયક છે. સમર્થ ડાયમંડના માલિક ગોવિંદભાઈ, દશરથભાઈ અને દિનેશભાઈ આ ત્રણેય ભાઈઓ હંમેશા સમાજ ઉપયોગી કાર્યો કરી રહ્યા છે. પાણી, વિજળી કેવીરીતે બચાવવી, પાણીનો બચાવ કેવીરીતે કરવો તેવું દેશ ભક્તિનું કાર્ય કરી રહ્યા છે. સમર્થ ડાયમંડના ત્રણેય ભાઈઓની નિષ્ઠા અને નૈતિક્તાના લીધે તેમના કર્મચારીઓએ રાત- દિવસ મહેનત કરી આ દુર્ઘટનામાં વેર વિખેર થઈ ગયેલા હિરાઓને ખુણે ખાંચરે તથા કચરામાંથી શોધી સો ટકા રીકવરી કરવાનુ ઉમદા કાર્ય કર્યુ હતુ. જેમાં માલિક અને કર્મચારીઓ વચ્ચેની એકબીજા પ્રત્યેની લાગણી જોવા મળી હતી. સમર્થ ડાયમંડના બિલ્ડીંગમા બનેલી આગ દુર્ઘટનામાં એકપણ રૂપિયાના હિરાનું નુકશાન ન થયુ હોવાનુ જાણી સમર્થ ડાયમંડ પરિવાર અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે સો ટકા હિરાની રિકવરીની ઘટનાને ઐતિહાસિક અને ગીનીશ બુકમાં નોંધવા જેવી ઘટના ગણાવી હિરાની ચમકની જેમ સમર્થની ચમક દેશ વિદેશમાં પથરાય તેવી શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં સમર્થની આગ દુર્ધટનામાં મદદરૂપ થનાર તથા કોરોના કાળમાં લોકોની મદદ કરનાર ધારાસભ્ય અને મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, સિવિલ સુપ્રિન્ટેડેન્ટ ડા. પારૂલબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, અર્બન હેલ્થ સેન્ટરના ડા.રાજુભાઈ પટેલ, વીજ કંપનીના અધિકારી મનિષભાઈ પ્રજાપતિ, પાલિકા ફાયર કમિટીના ચેરમેન ઋતુલભાઈ પટેલ, વિસનગર, વડનગર, વિજાપુર, મહેસાણા નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમ, મહેસાણા ઓ.એન.જી.સી.ની ફાયર ટીમ, શહેર તાલુકાના આરોગ્ય ખાતાના તબીબો, નર્સિંગ સ્ટાફ, વોટર સપ્લાયના વેપારીઓ, મેડીકલ સ્ટોરના વેપારીઓ, સિવિલ હોસ્પિટલના કર્મચારીઓનુ બુકે, શાલ તથા મોમેન્ટો આપી સન્માન કર્યુ હતુ. અને કોરોનામાં સાર્વજનિક મુક્તિધામમા રોજના ૩૦ જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર કરનાર વિનુભાઈ ભીલને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં સમર્થ ડાયમંડની આગ દુર્ઘટના કેવીરીતે બની તેનો સીસીટીવી. કુટેજ સાથે દશ મિનિટનો વિડીયો દર્શાવી ઉપસ્થિત લોકોને આગ દુર્ઘટનાથી વાકેફ કર્યા હતા. સમર્થ ડાયમંડના માલિક ગોવિંદભાઈ પટેલે આગ દુર્ઘટનામા મદદરૂપ થનાર તમામ લોકોના આભાર વ્યક્ત કર્યો હતો.