વિસનગર પાલિકામાં ૧૫ માંથી ૪ ટેન્ડર ભરાયા-વિકાસ રૂંધાયો
કોન્ટ્રાક્ટરોને શેનો ડર – ઉંચા કમિશનની માગણીનો કે ભાવવધારાનો?
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની કડક શબ્દોમાં સાચુ નહી કહેવાની અને દરેકને પંપાળવાની કટેવ હવે તેમનાજ પગમાં આવીને પડી છે. વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના પતિ હર્ષદભાઈ પટેલની પાલિકામાં વહિવટમાં ખોટી દખલગીરીના કારણે શહેરીજનોને સ્પર્શતા એક પણ ટેન્ડર નહી ભરાતા શહેરનો વિકાસ રૂંધાયો છે. શહેરના વિકાસનુ અહિત થતુ હોવાનુ ભાખી ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ ઉતાવળા થયા હશે. પાલિકા વહિવટમાં પ્રમુખ પતિની ખોટી હેરાનગતીનુ પરિણામ આવી ગયુ છે. પાલિકા દ્વારા પાડવામાં આવેલ ૧૫ ટેન્ડરમાંથી ફક્ત ૪ ટેન્ડરજ મંજુર થાય તેમ છે. રૂા.૮૫૨.૮૪ લાખના ૧૧ ટેન્ડર ફરીથી પાડવા પડશે. ૨૫ થી ૩૦ ટકા કમિશનની માગણી કરવામાં નહી આવે અને બીલો સરળતાથી મંજુર થશે તેવી કોન્ટ્રાક્ટરોને બાહેધરી મળે તોજ ટેન્ડર ભરાય તેમ છે.
સી.સી. રોડ, પેવર બ્લોક, ગટરલાઈન, વરસાદી પાણીની કેનાલ, સ્ટ્રોમ વોટર લાઈન જેવા શહેરીજનોને સ્પર્શતા કામમાં એક પણ ટેન્ડર ભરાયુ નથી
વિસનગરમાં ભાજપ શાસીત પાલિકામાં કોન્ટ્રાક્ટરો પાસે ૨૫ થી ૩૦ ટકા કમિશનની માગણીના આક્ષેપો અને હોબાળાના કારણે વિકાસની કામગીરી ખોરંભાઈ છે. પાલિકા દ્વારા તા.૨૫-૪-૨૦૨૨ ના રોજ એક મહિનાની મુદતે રૂા.૧૨૦૯.૫૬ લાખની કિંમતના ૧૫ ટેન્ડર પાડવામાં આવ્યા હતા. ઓનલાઈન ભરવામાં આવેલા ટેન્ડર ખોલવામાં આવતા લાલ દરવાજા વોટર વર્કસમાં ૨૦ લાખ લીટરનો સંપ બનાવવા રૂા.૫૬.૭૯ લાખની કિંમતના ટેન્ડર ત્રણ ટેન્ડર, સર્વે નં.૩૦૫ માં શેડ ગોડાઉન તથા સબ ઓફીસ બનાવવા માટે રૂા.૬૫.૬૯ લાખના ટેન્ડરમાં ત્રણ ટેન્ડર તથા દરબારમાં ૫ લાખ લીટરની ઓવરહેડ તથા ૧૦ લાખ લીટરના સંપ બનાવવાના રૂા.૧૦૭.૩૧ લાખની કિંમતના ટેન્ડરમાં ચાર ટેન્ડર ભરાયા છે. ધરોઈ કેનાલથી દેળીયા તળાવ સુધી પાઈપલાઈન નાખવાના રૂા.૧૨૬.૯૩ લાખના ટેન્ડરમાં એકજ ટેન્ડર આવ્યુ છે. પરંતુ આ ટેન્ડરમાં ત્રીજો પ્રયત્ન હોવાથી આવેલુ એક ટેન્ડર મંજુર થશે આમ ૧૫ ટેન્ડરમાંથી રૂા.૩૫૬.૭૨ લાખની કિંમતના ચાર ટેન્ડરની કામગીરી આગળ વધશે.
જ્યારે ગૌરવપથના વિકાસ સાથે ડામર રોડ, સી.સી.રોડ, પેવર બ્લોક, પ્રોટેક્શન વોલ, સ્લેબ, નાળા, ડ્રેનેજ લાઈન, વરંડા, સ્મશાનની કામગીરી, વરસાદી પાણીની કેનાલ વિગેરે વિકાસ કામને લગતા ટેન્ડરમાંથી ૭ ટેન્ડરમાં એક પણ ટેન્ડર ભરાયુ નથી. જ્યારે ૪ ટેન્ડરમાં એક થી બે ટેન્ડર આવતા રદ થયા છે. આમ રૂા. ૮૫૨.૮૪ લાખના કુલ ૧૧ ટેન્ડર ફરીથી પાડ્યાની નોબત આવી છે. આ રદ થયેલા ટેન્ડરમાં થલોટા ચાર રસ્તાથી કૃષ્ણનગર સંપ સુધી બામણચાયડા સંપ માટેની પાઈપલાઈન, દગાલાથી કાંસા ચાર રસ્તા સુધીની વરસાદી પાણીની કેનાલ જેવા મહત્વના ટેન્ડરનો પણ સમાવેશ થાય છે.
કોન્ટ્રાક્ટરો પાસે ૨૫ થી ૩૦ ટકા કમિશનની માગણી થતી હોવાના આક્ષેપો અને હોબાળાના કારણે વિસનગર પાલિકામાં જે કોન્ટ્રાક્ટરો કામ કરે છે તે પી.એમ. બીલ્ડકોન – મહેસાણા, વિર કન્સ્ટ્રક્શન – ઉંઝા, ધોરમનાથજી – ખેરાલુ, સરસ્વતિ કન્સ્ટ્રક્શન – વિસનગર, મેસર્સ અર્જુન કન્સ્ટ્રક્શન – વિસનગર, ક્રિષા કન્સ્ટ્રક્શન મુક્તુપુર વિગેરે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરવાથી અળગા રહ્યા છે. ટેન્ડર નહી ભરાવા બાબતે બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલે જણાવ્યુ હતું કે, મટેરીયલના ભાવ સતત વધી રહ્યા છે. દર એક બે મહિને મટેરીયલના ભાવ વધે છે. જેના કારણે કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા નથી. કોન્ટ્રાક્ટરોને સ્ટાર રેટ આપવામાં આવે છે. જેથી હવે એસ.ઓ.આર. રેટનો કોઈ પ્રશ્ન નથી. રદ થયેલા ટેન્ડરો માટે અઠવાડીયા – દશ દિવસમાં બીજા ટેન્ડર પાડવામાં આવશે. ઝડપી વિકાસ કામ ચાલુ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
૨૫ થી ૩૦ ટકા કમિશનની માગણીના ડરથી પાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભરવાનુ ટાળ્યુ