વિસનગર પાલિકા સભ્યોનો પ્રમુખ પતિની વહિવટીય દખલગીરીનો રોષ
તમાચા વિવાદમાં જીલ્લા ભાજપે અભિપ્રાય લીધા
વિસનગર પાલિકામાં ઉપપ્રમુખે પાલિકા પ્રમુખના પતિને તમાચો મારતા પ્રદેશ ભાજપ સુધી તેના પ્રત્યાઘાત પડ્યા હતા. જે બનાવથી પાલિકા સભ્યોમાં મોટો હોબાળો થાય તેવા ભયથી ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરવા પાલિકા સભ્યોના અભિપ્રાય લીધા હતા. જેમાં મોટાભાગના સભ્યોએ પ્રમુખ પતિની વહિવટીય દખલગીરીનો રોષ વ્યક્ત કર્યો હતો. કેટલાક સભ્યોએ તો પુરાવા પણ રજુ કર્યા હોવાનુ જાણવા મળ્યુ છે. ચુંટણીનુ વર્ષ હોઈ પ્રમુખ હટાવવા જેવા ભાજપ પગલા ભરે તેવા કોઈ સંકેત નથી. પરંતુ પ્રમુખ પતિની પાલિકામાં અવર જવર બંધ થઈ જશે તેવા હાલના સંજોગો ઉપરથી કહી શકાય તેમ છે.
વર્ષાબેન પટેલે વિસનગર પાલિકા પ્રમુખનો હોદ્દો સંભાળ્યો ત્યારે શરૂઆતના સમયે પાલિકાનો વહિવટ નિર્વિવાદ ચાલતો હતો. પરંતુ પ્રમુખ વર્ષાબેન પટેલના પતિ હર્ષદભાઈ પટેલે પાલિકાનો વહિવટ હાથમાં લેતા વિવાદો શરૂ થયા હતા. પ્રમુખ પતિ વિરુધ્ધમાં વખતો વખત કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, જીલ્લા ભાજપ તથા પ્રદેશ ભાજપ સુધી રજુઆતો થઈ હતી. પરંતુ પ્રમુખ પતિ પાલિકાના વહિવટમાં ઓતપ્રોત થઈ વહિવટ ઉપર હાવી થતા અને ખોટી દખલઅંદાજી શરૂ થતા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલને તમાચો મારવો પડે તેટલે સુધી નોબત આવી હતી. વિધાનસભાની ચુંટણીનુ વર્ષ હોવાથી વિકાસ કામ ધમધમે અને ભાજપની બગડેલી ઈમેજ સુધરે તે માટે ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે પોતાની રાજકીય ઈમેજ દાવ ઉપર મુકી તેવુ કહીએ તો પણ ખોટુ નથી.
વિસનગર પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી જુથવાદ વકર્યો હતો. પ્રમુખ પતિ વહિવટ હાથ ઉપર લેતા પાલિકા સભ્યોનો ભારે રોષ હતો. આવા સમયે થપ્પડ વિવાદથી પ્રમુખ વિરુધ્ધમાં સહી ઝુંબેશ અને સભ્યોના રાજીનામા જેવા પરિણામો જોવા ન પડે તે માટે પ્રદેશ ભાજપની સુચનાથી જીલ્લા ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરવા સભ્યોના અભિપ્રાય માટેની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તા.૨૨-૫-૨૦૨૨ ને રવિવારના રોજ મહેસાણા કમલમ ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ અને જીલ્લા પ્રભારી કનુભાઈ પટેલની હાજરીમાં તમાચા વિવાદમાં વિસનગર પાલિકાના સભ્યોને સાંભળવામાં આવ્યા હતા. સભ્યો શેહ શરમ રાખ્યા વગર ખુલ્લા મને ચર્ચા કરી શકે તે માટે દરેકને અલગથી બોલાવવામાં આવ્યા હતા.
જીલ્લા ભાજપ પ્રમુખ તથા જીલ્લા પ્રભારી સમક્ષ સભ્યો દ્વારા શુ રજુઆત કરવામાં આવી તે બાબતે જાણવા મળ્યા મુજબ મોટાભાગના સભ્યોનો રોષ હતો કે, પ્રમુખ વર્ષાબેન પટેલના પતિ હર્ષદભાઈ પટેલ પાલિકા વહિવટમાં ખોટી દખલગીરી કરી ડીસ્ટર્બ કરી રહ્યા છે. ચુંટણી આવી રહી છે ત્યારે વિકાસ કામ શરૂ થયા નથી તો વોર્ડમાં કયા મોઢે મત માગવા જવુ તેની પણ ચીંતા વ્યક્ત કરી હતી. શહેરના વિવિધ પ્રશ્નો અને પ્રજાની મુશ્કેલીઓ નિવારવા ચેરમેનો અને સભ્યો પ્રમુખ પતિની આડખીલીથી પ્રમુખ પાસે જઈ શકતા નથી. પ્રમુખ પતિના હસ્તક્ષેપથી કામ થતા નથી તેવી પણ રજુઆત થઈ હતી. જીલ્લા ભાજપના મોવડી મંડળ સમક્ષના અભિપ્રાયમાં કેટલાક સભ્યોએ સખી મંડળની ઓફીસમાં કોન્ટ્રાક્ટરોની અવર જવરના પુરાવા રજુ કર્યા હોવાનુ પણ ચર્ચાય છે. જીલ્લા ભાજપ સમક્ષના અભિપ્રાયમાં મોટાભાગના સભ્યોએ પ્રમુખ પતિ વિરુધ્ધ ભડાશ કાઢી હતી.
કેટલાક સભ્યોએ સખી મંડળની ઓફીસમાં કોન્ટ્રાક્ટરોની અવરજવરના પુરાવા આપ્યા હોવાની ચર્ચા