Select Page

પાલડી-કિયાદર-ગુંજાની ૧૫૦ વિઘા જમીન ડૂબમાં જવાની ભીતિ

પાલડી-કિયાદર-ગુંજાની ૧૫૦ વિઘા જમીન ડૂબમાં જવાની ભીતિ

સીંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલને દેળીયા તળાવના આવરા સાફ કરવા રજુઆત

સીંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તારમાં સીંચાઈ વિભાગની નિષ્ક્રીયતા છતી કરતી રજુઆત પાલડી પીયત મંડળી દ્વારા કરવામાં આવી છે. વિસનગરના દેળીયા તળાવમાં પાણીની આવક કરતા આવરા સાફ કરવામાં સીંચાઈ વિભાગ નિષ્ક્રીયતા દાખવશે તો ત્રણ ગામની ૧૫૦ વિઘા જમીન ડૂબમાં જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ત્રણે ગામ ચૌધરી સમાજની બહુમતી ધરાવતા ગામ છે. ત્યારે ચોમાસુ પાણી ભરાવાથી ખેતીને નુકશાન ન થાય તે માટે સીંચાઈ મંત્રી ત્વરીત કાર્યવાહી કરે તેવી ખેડૂતોની લાગણી છે.
વિસનગરનુ ઐતિહાસિક દેળીયુ તળાવ નધણીયાતી હાલતમાં છે. પાલિકા તંત્ર દ્વારા તળાવના વિકાસ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવતુ નથી. ચોમાસા પહેલા અગાઉ દર વર્ષે પાલિકા દ્વારા તળાવમાં ચોમાસુ પાણીની આવક કરતા આવરાની સફાઈ કરવામાં આવતી હતી. પાલડી રોડ ધરોઈ કેનાલથી તળાવ સુધીના કાંસની સફાઈ કરવામાં આવતી હતી. પરંતુ તળાવ ભરાય તેવી પાલિકા તંત્રની કોઈ કામગીરી દેખાતી નથી. પાલિકા વિસ્તારની બહાર દેળીયા તળાવના આવરા – કાંસની સફાઈ કરવાની બીજી જવાબદારી સીંચાઈ વિભાગની છે. વિસનગરમાં સીંચાઈ વિભાગની ઓફીસ પણ છે. ત્યારે દેળીયા તળાવના કાંસની ચોમાસા પહેલા સફાઈ કરવાની જગ્યાએ સીંચાઈ વિભાગ હાથ ધરીને બેસી રહ્યો છે. વિસનગરના ધારાસભ્ય સીંચાઈ અને પાણી પુરવઠા મંત્રી હોવા છતા સીંચાઈ વિભાગ નિષ્ક્રીય રહે તે ચર્ચાનો વિષય બન્યો છે. દેળીયા તળાવના આવરા – કાંસમાં ફેક્ટરી માલિકો તથા બીલ્ડરો દ્વારા દબાણો કરવામાં આવ્યા છે. આ માલેતુજારો દ્વારા ચમકાવવામાં આવેલી લક્ષ્મીથી સીંચાઈ વિભાગના અધિકારીઓની આંખો અંજાઈ ગઈ છે. જેના કારણે સીંચાઈ વિભાગના અધિકારીઓને દેળીયા તળાવમાં પાણીની આવક કરતા કાંસના ભાગમાં થયેલા દબાણો દેખાતા નથી. વરસાદી પાણીનો માર્ગ રોકતા દબાણો દુર કરવા સીંચાઈ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ જે વિભાગના મંત્રી છે તે સીંચાઈ વિભાગની નિષ્ક્રીયતાના કારણે પાલડી, કીયાદર તથા ગુંજા ગામના ખેડૂતોને શોષવા વારો આવ્યો છે. આ ત્રણ ગામના ખેતરો તથા નેળીયાના ચોમાસુ પાણીનો નિકાલ દેળીયામાં તળાવમાં થાય છે. ત્યારે સીંચાઈ વિભાગ દ્વારા આવરા તથા કાંસના ભાગમાં થયેલા દબાણો દુર કરવાની તેમજ ઉગેલી ઝાડી ઝાંખરા સાફ કરવામાં નહી આવતા આગામી ચોમાસામાં શુ હાલત થશે તે વિચારથી ત્રણ ગામના ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે. આ બાબતે પાલડી ગામની પીયત વિસ્તારમાં પાણીની વહેચણી માટેની સહકારી મંડળી લી. દ્વારા ચીંતા વ્યક્ત કરતી સીંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરવામાં આવી છેકે, મંડળી દ્વારા ચોમાસુ પાણીનો નિકાલ થતા કાંસના ભાગમાં તપાસ કરવામાં આવતા અંદર ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે. કાંસના કેટલાક ભાગમાં માટી પુરાણ કરી દબાણ કરવામાં આવ્યુ છે. દેળીયા તળાવમાં ચોમાસુ પાણીનો નિકાલ કરતા કાંસના ભાગની સફાઈ કરવામાં નહી આવે તો ખેતરો તથા નેળીયામાં ચોમાસુ પાણી ભરાઈ રહેશે. અને પાલડી, કીયાદર તથા ગુંજા ગામની ૧૫૦ વિઘા ઉપરાંત્તની જમીન ડૂબમાં જશે. ચોમાસુ પાણી ભરાવાથી ખેડૂતોને મોટુ આર્થિક નુકશાન થાય તેમ હોવાથી સત્વરે કાંસ સાફ કરાવવા વિનંતી કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us