સુદાસણાથી ખેરાલુ સિંચાઈના પાણી માટે વિશાળ બાઈક રેલી
સિંચાઈના પાણી ખેરાલુ-સતલાસણા તાલુકાના ૪૪ ઉપરાંત ગામોમાં સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામા ન આવતા ૩૦ ગામના ખેડુતો દ્વારા ભવ્ય બાઈક રેલી કાઢવામા આવી હતી. જે બાઈક રેલીમાં ન ભુતો ન ભવિષ્યતિ જેટલા યુવાનો બાઈકો સાથે જોડાયા હતા. ખેડુતોની સહન શક્તિ સરકારની સતત ઉપેક્ષાથી ખુટી ગઈ છે, જેથી લોકો સ્વયંભૂ જોડાયા હતા. સતલાસણા તાલુકાના સુદાસણાથી ખેરાલુ તાલુકાના લુણવા થઈ ખેરાલુ મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.
ખેરાલુ વિધાનસભાના સિંચાઈના પાણીની તકલીફ સહન કરતા ગામો દ્વારા સરકાર સામે બાયો ચડાવી છે. સરકાર સમક્ષ છેલ્લા ર૦ વર્ષમાં પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, પુર્વ ધારાસભ્ય અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, અને હાલના ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા રજુઆતો કરાઈ છે. કોણ જાણે કેમ પણ ધારાસભ્યોનું પણ ગુજરાત સરકાર સાંભળતી નથી છેવટે હારી થાકી કંટાળીને ખેડુતો દ્વારા મહા બાઈક રેલીનું આયોજન કર્યુ હતુ. રેલી પહેલા ખેડુત અગ્રણીઓ દ્વારા ગામેગામ ખાટલા બેઠકો કરી હતી. જેમાં ખેડૂતોને સમજાવ્યુ કે યુવાનો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી કામ કરો, હવે ઘરે બેસી રહેવાથી સરકાર જાગવાની નથી. સરકાર સામે શક્તિ પ્રદર્શન કરવું પડશે. જેથી મોટી સંખ્યામાં બાઈકો, વાહનો સાથે યુવકો મહારેલીમાં ઉમટી પડયા હતા. રેલીમાં રપ૦૦ બાઈકો, ૧૦૦ ઉપરાંત વાહનો અને પાંચ હજાર લોકો જોડાયા હતા તેવું પાણી પુરવઠાના નિવૃત એન્જીનીયર વિષ્ણુભાઈ મેવાડા જણાવે છે
સતલાસણા તાલુકાના સુદાસણા ખાતેથી રેલીનુ પ્રસ્થાન થયુ. ત્યારબાદ નવા સુદાસણા, ઓરડા, ઉંમરી, તાલેગઢ, મહંમદપુરા, તખતપુરા, રાણપુર, જસપુરીયા, દુલાણા, સરદારપુર (ચીકણા), કેશરપુરા, ડાવોલ, ડભાડ, ચાણસોલ, વાલાપુરા, મંદ્રોપુર, બળાદ, માધુપુર, ફતેપુરા, સંતોકપુરા, વિઠોડા, પાન્છા, વાવડી, વિરપુરા, કુવેલા, મંડાલી, લુણવા, મલેકપુર થઈ ખેરાલુ મામલતદાર કચેરીએ રેલી પહોંચી હતી. નવા સુદાસણા ખાતે દાતાઓ દ્વારા બાઈકોમાં પેટ્રોલ પુરાવ્યુ હતુ. ઓરડા- તાલેગઢમાં સ્વાગત કરાયુ હતુ. ડાવોલમાં શરબતથી સ્વાગત, ડભાડમાં ચા-પાણીથી સ્વાગત, ચાણસોલમાં સ્વાગત, મંદ્રોપુરમાં લીબું શરબત, ફતેપુરામાં મહીલાઓ અને વૃધ્ધો લાઈનસર ઉભા રહી રેલીનુ સ્વાગત કર્યુ, વિઠોડામાં હળવા નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. મંડાલી સહીત મોટાભાગના ગામોમાં પાણીના ગ્લાસ -જગની વ્યવસ્થા કરાઈ હતી. ખેરાલુમાં હાઈવે ઉપર રેલીનું છાશ પીવડાવી સ્વાગત કરાયુ હતુ.
ખેરાલુ મામલતદાર કચેરીએ પહોંચી રેલીમાં આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ. જેમા જણાવ્યુ હતુ કે અમારા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી નથી જેના કારણે ખેડુતોમાં ખુબ જ આક્રોશ છે. જયાં સુધી સરકાર દ્વારા સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામા નહી આવે ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો કરશે. જો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી નહી થાય તો ખેડુતો દ્વારા ગાંધીનગર ટ્રેક્ટરો લઈ કુચ કરશે જેની તમામ જવાબદારી સરકારની રહેશે અને છેલ્લે પ૦૦ ઉપરાંત બાઈકો રેલીમાં જોડાયા હતા તેવો દાવો ભાજપના અગ્રણીઓ કરતા હતા.
રપ૦૦ બાઈકો, ૧૦૦ વાહનો અને પાંચ હજાર લોકો સાથે રેલી નીકળી- વિષ્ણુભાઈ મેવાડાનો દાવો