Select Page

આર્થિક સધ્ધર રેશનીંગ હક્ક જતો કરે-મામલતદાર મોદી

વિસનગરમાં તા.૧૫-૭-૨૨ થી રેશનીંગ લાભાર્થીઓમાં આર્થિક સુખાકારીનો સર્વે થશે

એવા ઘણા લોકો છેકે જે આર્થિક સધ્ધર હોવા છતા નેશનલ ફૂડ સીક્યુરીટી યોજનાનો લાભ લઈ રહ્યા છે. આવા સધ્ધર લોકોને રેશનીંગનો હક્ક જતો કરવા વિસનગર મામલતદાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. તા.૧૫-૭-૨૨ થી શરૂ થતા સર્વેમાં અનાજનો લાભ લેનાર કાર્ડધારક આર્થિક સુખાકારી હોવાનુ માલુમ પડશે તો ફોજદારી ગુનો દાખલ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
જે લોકો આર્થિક સધ્ધર છે. તેવા લોકો ખોટી રીતે એન.એસ.એફ.એ યોજના અંતર્ગત સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે. કેટલાક કાર્ડધારકો સસ્તાદરનુ સરકારી અનાજ મેળવી બજારમાં વેપારીઓને ઉંચા ભાવે વેચી રહ્યા છે. જેના કારણે જેમને ખરેખર જરૂરીયાત છે તેવા ગરીબ વર્ગના લોકો સસ્તા અનાજની યોજનાથી વંચીત રહે છે. ત્યારે સરકારની સુચનાથી સસ્તા અનાજનો લાભ લેતા કાર્ડધારકોનો ટુંક સમયમાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત વિસનગર મામલતદાર નીરીલભાઈ મોદીએ તા.૩૧-૫-૨૦૨૨ થી વિસનગર શહેર અને તાલુકાના સસ્તા અનાજનો લાભ લેતા કાર્ડધારકોને અપીલ કરી છેકે, સરકારના તા.૨૨-૭-૨૦૧૪ ની જોગવાઈ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતુ અનાજ એ ફક્ત ગરીબો માટેની યોજના છે. (૧) ચાર પૈંડાનુ વાહન ધરાવતા હોય (૨) જે કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી હોય (૩) જે કુટુંબનો સભ્ય માસિક રૂા.૧૦,૦૦૦/- થી વધુ આવક ધરાવતો હોય (૪) જે કુટુંબનો કોઈપણ સભ્ય આવકવેરો(ઈન્કમટેક્ષ) વ્યવસાય વેરો ચુકવતો હોય (૫) જે કુટુંબ નિયત ધારા / ધોરણ કરતા વધુ ખેતીની જમીન ધરાવતા હોય (૬) જે કુટુંબના સભ્ય પેન્શનર હોય (૭) કુટુંબ આર્થિક સુખાકારી / સધ્ધરતા ધરાવતા હોય (૮) શહેરી વિસ્તારમાં પાકુ મકાન ધરાવતા હોય (૯) કોઈપણ ખાનગી કંપનીમાં માસિક આવક રૂા.૧૦,૦૦૦ થી વધુ હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
આર્થિક સધ્ધરતા ધરાવતા કાર્ડધારકોના કારણે સરકારને વધારાનો બોજ પડે છે. આવા કાર્ડધારક ઈસમોએ તા.૩૦-૬-૨૦૨૨ સુધીમાં સ્વેચ્છાએ પોતાનો હક એન.એફ.એસ.એ યોજના અંતર્ગતનો હક જતો કરવા માટે પુરવઠા શાખા વિસનગર ખાતે રેશનકાર્ડની નકલ જોડી અરજી રૂબરૂ રજુ કરવા જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં ચુક થશે તો તા.૧૫-૭-૨૦૨૨ થી ઝુંબેશ રૂપી તપાસ હાથ ધરનાર છે. જેમાં તપાસ દરમ્યાન આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી તેમજ જરૂર જણાયે ફોજદારી ગુન્હો દાખલ કરવાની ફરજ પડશે. જે જાહેર જનતાએ નોધ લેવી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us