ભાવેશભાઈ પટેલ શ્રીજી બુલીયન અને વિપુલભાઈ(લાલભાઈ) પટેલ જ્વેલર્સ પરિવાર દ્વારા
સ્વ.ભગવાનભાઈ અંબારામદાસ પટેલ અને શ્રી જશવંતભાઈ ઈશ્વરલાલ પટેલ પરિવારે વિસનગરમાં સૌપ્રથમવાર આટલી મોટી સંખ્યામાં દિકરીઓનુ સન્માન કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ
જે ઘરમાં અને પરિવારમાં મહેનત અને ઈમાનદારીથી કરેલ કમાણીની આવક હોય ત્યાંજ ધાર્મિક સામાજીક કાર્યો શક્ય બનતા હોય છે. પટેલ જ્વેલર્સવાળા વિપુલભાઈ (લાલભાઈ પટેલ) અને શ્રીજી બુલીયનવાળા ભાવેશભાઈ પટેલે નાની ઉંમરે ખુબજ પ્રગતિ કરી છે. એ માતા-પિતા પણ ધન્ય છે જેમણે તેમના પુત્રોને ઉમદા સંસ્કારોનુ સીંચન કર્યુ છે. જે આપેલા સંસ્કારો થકી આજ વિસનગરમાં સૌપ્રથમવાર મોટી સંખ્યામાં ગોવિંદચકલા સમાજની દિકરીઓને તેડાવી સન્માન કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ છે. સ્નેહમિલન સમારંભમાં કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઉપરાંત્ત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ભાવેશભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલના પરણીત દિકરીઓને સન્માનવાના અભિગમની સરાહના કરી અભિનંદન આપ્યા હતા.
વિસનગરમાં શ્રીજી બુલીયનવાળા ભાવેશભાઈ પટેલના પિતા સ્વ.ભગવાનભાઈ અંબારામદાસ પટેલ તથા માતા સ્વ.ક્રિષ્ણાબેન ભગવાનભાઈ પટેલ તેમજ પટેલ જ્વેલર્સવાળા વિપુલભાઈ(લાલભાઈ) પટેલના પિતા જશવંતભાઈ ઈશ્વરલાલ પટેલ તથા માતા અ.સૌ.ચંચીબેન જસવંતભાઈ પટેલે બે વર્ષ પહેલા વિસનગર ગોવિંદચકલા પાટીદાર સમાજની દિકરીઓને તેડાવી સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમ્યાન ભાવેશભાઈ પટેલના પિતા અને માતાનો સ્વર્ગવાસ થયો હતો. કોરોનાકાળ પૂર્ણ થતા તા.૨૯-૫ અને તા.૩૦-૫ એમ બે દિવસ બહેન-દિકરીઓનો સ્નેહમિલન સમારંભનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તા.૨૯-૫-૨૨ ને રવિવારના રોજ ધરોઈ કોલોની પાંચ આંબા આદિત્ય પાર્ક સોસાયટીમાં ભવ્ય રાસ ગરબા તથા સ્વરૂચી ભોજનનુ આયોજન કરાયુ હતુ. જ્યારે બીજા દિવસે તા.૩૦-૫-૨૨ ના રોજ ગોવિંદચકલા પટેલવાડીમાં બહેન દિકરીઓનો સ્નેહમિલન સમારંભ તથા ભોજન સમારંભનુ આયોજન કરાયુ હતુ.
ગોવિંદચકલા પટેલવાડીના એ.સી. હૉલ બહેન દિકરીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. સ્નેહમિલનના આ સમારંભમાં કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપભાઈ પટેલ નેતાજી, બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, ચંદુભાઈ પટેલ વકીલ, બાબુભાઈ પટેલ વાસણવાળા, નાથાભાઈ પટેલ ઉમિયા થ્રેશર, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, પટેલ જ્વેલર્સવાળા જસવંતભાઈ ઈશ્વરભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ ભગત, કરશનભાઈ પટેલ ઉમતા વિગેરે પાટીદાર સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. જે પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, વિપુલભાઈ (લાલભાઈ) પટેલ તથા ભાવેશભાઈ પટેલે ગોવિંદચકલા પાટીદારની દિકરીઓને બોલાવી વર્ષો જૂની યાદો તાજી કરી છે. ૬૧ વર્ષની ઉંમરમાં આટલી મોટી સંખ્યામાં દિકરીઓને બોલાવાનો કાર્યક્રમ પ્રથમ વખત જોયો. આ નવતર પ્રયોગ આગામી સમયમાં દરેક સમાજમાં ચીલો પાડશે. જે બદલ બન્ને મિત્રોને ખુબ ખુબ અભિનંદન આપુ છું. કાર્યક્રમમાં સાસુ વહુને સુચન કર્યુ હતું કે, મા-બાપ જેવી લાગણી સાસુ-સસરા પ્રત્યે રાખીએ અને બીજા ઘરમાંથી આવેલી વહુને પોતાની દિકરીની જેમ રાખીએ તો કોઈ કુટુંબમાં ઝઘડો રહેશે નહી. વહુ સાસુને મમ્મી કહીને બોલાવશે ત્યારે આ ભેદ ઓટોમેટીક દુર થશે. કેબિનેટ મંત્રીએ ગોવિંદચકલા ઉકરડાવાળી જગ્યા બાબતે જણાવ્યુ હતું કે, જગ્યા મેળવવા ઘણા સમયથી પ્રયત્ન કરતા હતા પરંતુ પાછા પડતા હતા. જગ્યાનો ઉકેલ આવે એ દિશામાં પ્રયત્ન ચાલુ છે અને વિશ્વાસ છેકે ઉકેલ આવશે. ભવિષ્યમાં ઉકરડાવાળી જગ્યામાં દિકરીઓનો સન્માનવાનો કાર્યક્રમ થાય તેવી શુભેચ્છા સાથે લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ૧૫૨૪ દિકરીઓને ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમ બાદ ૫૫૦૦ ઉપરાંત્ત આમંત્રીતોએ ભોજન લીધુ હતુ.