Select Page

માથાદીઠ શહેરમાં ૧૪૦-ગામડામાં ૧૦૦ લીટર પાણી અપાશે

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે વિસનગરને પાણીની કટોકટીમાંથી મુક્ત કર્યુ

સ્વાગત પ્રવચન કરતા પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઈજનેર પ્રકાશભાઈ શાહે જણાવ્યુ હતું કે, એ કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે તત્કાલીન પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયાએ વર્ષ ૨૦૨૦ માં પાણીની સમસ્યા અને પ્રોજેક્ટ માટે મીટીંગ બોલાવી હતી. જેમાં આખા ગુજરાતમાં ૮૦૦૦ કરોડના પાણીને લગતા કામોની ચર્ચા હતી. બધાજ ધારાસભ્યોને બોલાવ્યા હતા. જેમાં એક્ટીવ ૭ થી ૮ ધારાસભ્યો આવ્યા હતા. ત્યારે લોકલાડીલા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે મીટીંગમાં હાજરી આપી વિસનગરની પાણીની સમસ્યા અને પ્રજાના હિત માટે અસરકારક રજુઆત કરી હતી. જેના કારણે આખા ગુજરાતમાં પ્રથમ પ્રોજેક્ટ ફ્લોર ઉપર આવ્યો હોત તો તે છે વિસનગર જુથ પાણી પુરવઠા યોજના.
દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ આવનાર ૩૦ થી ૪૦ વર્ષનુ આયોજન કરી વિસનગર શહેર અને તાલુકાને નર્મદા આધારીત જુથ યોજનાની ભેટ આપવા બદલ વિસનગર લોકપ્રીય ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને લાખ લાખ અભિનંદન આપ્યા હતા. વધુમાં જણાવ્યુ હતું કે, ૨૦ વર્ષ પહેલા વરસાદ ખેચાય ત્યારે ટેન્કરથી પાણી આપવુ પડતુ હતુ. પાણીની કાયમ સમસ્યા રહેતી હતી. ત્યારે મુખ્યમંત્રી પદે રહી ચુકેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટીથી તળાવોમાં, ખેતરોમાં અને ઘેર ઘેર પાણી પહોચે છે. નર્મદા ડેમની ઉંચાઈ વધારવા નરેન્દ્રભાઈ મોદીને ૧૨ વર્ષ પહેલા ઉપવાસ ઉપર બેસવુ પડ્યુ હતુ. દેશમાં પાણી માટે મુખ્યમંત્રીને ઉપવાસ ઉપર બેસવુ પડે તે પ્રથમ બનાવ હતો.
જેમના થકી વિસનગર માટે જુથ યોજના બની તેવા લોકપ્રીય અને લોકલાડીલા વિસનગર ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે કોરોના કાળની તકલીફ તેમજ લોખંડનો સતત ભાવ વધારો હોવા છતાં ફક્ત ૨૧ માસમાં યોજના પુર્ણ કરવા બદલ પાણી પુરવઠા વિભાગના તમામ અધિકારીઓને અભિનંદન આપ્યા હતા. ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ભૂતકાળમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ ૪૦, ૫૫, ૭૦ લીટર પાણી આપવામાં આવતુ હતુ. હવે વ્યક્તિ દીઠ શહેરમાં ૧૪૦ લીટર તથા ગામડામાં ૧૦૦ લીટર પૂરતુ પાણી મળી રહે તેવા આયોજન સાથે ૫ કરોડ ૪૦ લાખ લીટરની યોજના ભાજપ સરકારની યોજના છે. વર્ષ ૨૦૦૧ માં જ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચેતી ગયા હતા. તેમના પ્રયત્નોથી નર્મદા આધારીત કેનાલો બની જેના કારણે આખા ગુજરાતમાં બધી જગ્યાએ તળાવો, ડેમ, ચેકડેમ અને ઘેર ઘેર પીવાનુ પાણી પહોચતુ થયુ છે. વર્ષો સુધી નર્મદાના નામે રાજનીતિ થતી હતી. પરંતુ નર્મદાનુ કામ પૂરુ કરવાનુ અને નર્મદાના નામે રાજનીતિ બંધ કરવાનુ શ્રેય જતુ હોય તો નરેન્દ્રભાઈને જાય છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીથી નર્મદા આધારીત કેનાલ, પાઈપલાઈનની યોજના પુરી થઈ અને વિસનગર સુધી પાણી આવે તેવી પરિસ્થિતિ પેદા થઈ -કેબીનેટ મંત્રી

કોંગ્રેસની ગંદી રાજનીતિ આડે હાથે લેતા કેબીનેટ મંત્રીએ જણાવ્યુ હતું કે, નર્મદા ડેમમાં રૂકાવટ કરવાનુ કામ કોંગ્રેસે કર્યુ છે. ટ્રીબ્યુનલમાં તત્કાલીન પ્રધાનમંત્રી, કેન્દ્રીય સીંચાઈ મંત્રીને રજુઆતો કરી વારંવાર પત્રો લખી ડેલીગેશન મોકલી નર્મદા વિકાસમાં રોડા નાખ્યા હતા. કોંગ્રેસને ભય હતો કે નરેન્દ્રભાઈ યોજના પુરી કરશે તો લોકો કદી કોંગ્રેસને યાદ કરશે નહી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનતાની સાથે નર્મદા યોજના પુરી થઈ અને વિસનગર સુધી પાણી આવે તેવી પરિસ્થિતિ પેદા થઈ. ખેરાલુ અને સતલાસણા તાલુકાના તમામ તળાવો ભરવા રૂા.૧૩૧ કરોડની યોજના મંજુર કરી હોવાનુ પણ જણાવ્યુ હતુ.
છેલ્લા પાંચ વર્ષમાં વિસનગર મોટી યોજના પાછળ સરકારે કરેલ ખર્ચનો હિસાબ આપતા જણાવ્યુ હતું કે, રૂા.૧૪૦૦ કરોડ વિસનગર માટે વાપર્યા છે. વિસનગર શહેરને લગતા મહત્વના વિકાસ કામ અને વિસનગર સિવિલ હોસ્પિટલ માટે કરેલ વિકાસની વિગતો આપી હતી. વિસનગરના વોર્ડ નં.૩, ૭, ૮ અને ૯ માં પાણી વિતરણની કાયમી વ્યવસ્થા જળવાય તે માટે દરબાર કમ્પાઉન્ડમાં સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાનુ જણાવી, એન.એ. વિસ્તાર માટે ખાત્રી આપી હતી કે ચોમાસુ પાણી ભરાઈ રહેવાની સમસ્યાનુ આ છેલ્લુ વર્ષ હશે. વરસાદી પાણીના નિકાલ માટે રૂા.૭ કરોડનુ ટેન્ડર પડી ગયુ છે. ગુરૂકુળ પાછળની દલિત સમાજના વિસ્તારની સોસાયટીઓમાં જે નર્કાગાર પરિસ્થિતિ સર્જાય છે તેના માટે વ્યવસ્થા કરી હોવાનુ પણ જણાવ્યુ હતુ.

• કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગરના ઈતિહાસમાં પ્રથમ વખત રૂા.૧૫૧ કરોડની જુથ પાણી પુરવઠા યોજના બની
• તત્કાલીન પાણી પુરવઠા મંત્રીએ રૂા.૮૦૦૦ કરોડની યોજના માટે બોલાવેલી મીટીંગમાં ઋષિભાઈ પટેલે અસરકારક રજુઆત કરતા ગુજરાતમાં વિસનગર જુથ પાણી પુરવઠા યોજનાનો પ્રથમ પ્રોજેક્ટ ફ્લોર ઉપર આવ્યો-મુખ્ય ઈજનેર પ્રકાશભાઈ શાહ
• ૩૦ થી ૪૦ વર્ષનુ આયોજન કરી વિસનગરને નર્મદા આધારીત યોજના ભેટ આપવા બદલ ઋષિભાઈ પટેલને લાખ લાખ અભિનંદન-અશોકભાઈ ચૌધરી

વિસનગરના છેવાડાના ઉંચાઈવાળા વિભાગના ગામડામાં જ્યા પાણી પહોચતુ નહોતુ તેવા રાજગઢ, ઈયાસરા, છોગાળા, થલોટા જેવા ૧૧ ગામોમાં કમાન્ડ વિસ્તાર સુધી ઈરીગેશન માટે પાણી પહોચતુ કરવાનુ, આ વર્ષમાંજ કામ પૂર્ણ થશે તેમ જણાવી ઠાકોર સમાજના જે ૧૧ પરા વિસ્તાર છે અને જ્યા પીવાના પાણીની વ્યવસ્થા નથી તે પરા વિસ્તારમાં પણ પાણી પહોચતુ કરવાનુ કામ શરૂ થઈ જશે તેવુ કેબીનેટ મંત્રીએ જણાવ્યુ હતુ.
વિસનગર વિધાનસભા વિસ્તારમાં સતત પ્રગતિ, વિકાસ થાય તેમજ અમન, ચેન અને શાન્તી જળવાય તે બાબતે કેબીનેટ મંત્રીએ જણાવ્યુ હતું કે, કોઈપણ જગ્યાએ સુખ હોય પરંતુ શાંતી ન હોય તો સુખ કોઈ કામનુ નથી. મારા ૧૫ વર્ષના સમયગાળામાં નાત, જાત, જ્ઞાતિ, જાતિ વચ્ચે ઝઘડો થયો હોય, કદાચ નાનુ મોટુ છમકલુ થયુ હોય તો ઝઘડો આગળ ન વધે તેની કાળજી લીધી છે. ખુબજ મહત્વની વાત કરી હતી કે, ક્યારેય ઝઘડો જાતિવાદનો અને સમુહોનો હોતો નથી. ઝઘડો વ્યક્તિગત હોય છે. ઝઘડાને નાત જાતનુ સ્વરૂપ ન અપાય તો વ્યક્તિગત ઝઘડો વ્યક્તિગત સુધી સિમિત રહે છે.
આમ આદમી પાર્ટીને આડે હાથે લેતા કેબીનેટ મંત્રીએ જણાવ્યુ હતું કે, દિલ્હીમાં મફત પાણી આપવાની વાતો કરે છે. પરંતુ પહેલા પાણી આપો પછી મફત આપવાની વાત કરો. ગુજરાતમાં જનરેટર ખરીદવુ હોય તો ગુગલ ઉપર સર્ચ કરવુ પડે કે દુકાન શોધવી પડે. જ્યારે દિલ્હીમાં વિજ સંકટના કારણે આજે પણ એટલીજ જનરેટરની દુકાનો છે. દિલ્હી એક સરખુ પથરાયેલુ બે કરોડની વસ્તીવાળુ શહેર છે. જેની તુલના સાંસ્કૃતિક, વિરાસત, જુદી જુદી ભાષાઓ, ડુંગરો, જંગલો, સાગર કિનારો, રણ કિનારો, ફળદ્રુપ જમીનો જેવી વિવિધતા ભરેલા ગુજરાત સાથે કરી રહ્યા છે. છેલ્લે ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિકાસને વરેલી સરકાર ચુંટવા કટીબંધ રહેવા ખાત્રી માગી હતી.

વિસનગરના વિકાસ માટે સતત પ્રયત્નો અને શહેર તથા તાલુકાની પ્રજાના હિતની સતત ચીંત્તા રાખતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રૂા.૧૫૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિસનગર જુથ પાણી પુરવઠા યોજનાનુ લોકાર્પણ કર્યુ હતુ. વિસનગરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કરોડો રૂપિયા ફાળવી તૈયાર થયેલ પાણી પુરવઠામાં યોજનામાં માથાદિઠ શહેરમાં ૧૪૦ લીટર અને ગામડામાં ૧૦૦ લીટર પાણી આપવાનુ જણાવી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે આ યોજનાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારને આપ્યો હતો.
ફક્તને ફક્ત વિસનગર શહેર અને તાલુકા માટે રૂા.૧૫૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિસનગર જુથ પાણી પુરવઠા યોજના તથા ૨૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ બે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે તા.૬-૬-૨૦૨૨ ના રોજ લોકાર્પણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ, કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, જીલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ જીલ્લા વિકાસ અધિકારી ર્ડા.ઓમપ્રકાશ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, વિસનગર પ્રાન્ત ઓફીસર રામનિવાસ બુગલીયા, જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેષભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા હોદ્દેદારો, માર્કેટયાર્ડના ડીરેક્ટરો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us