મેન્ડેટ કાપી પ્રદેશ ભાજપે વિસનગરની નેતાગીરીનુ ચિરહરણ કર્યુ
ગુજકોમાસોલની ચુંટણીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને શિકસ્ત આપી
મેન્ડેટ કાપી પ્રદેશ ભાજપે વિસનગરની નેતાગીરીનુ ચિરહરણ કર્યુ
ગુજકોમાસોલના ડીરેક્ટરોની ચુંટણીમાં ફરી પાછી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાની રાજકીય તાકાત બતાવી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને શિકસ્ત આપી છે. પ્રથમ ઋષિભાઈ પટેલના ટેકેદારને મેન્ડેટ ફાળવ્યા બાદ બીજા દિવસે નીતિનભાઈ પટેલના ટેકેદારને મેન્ડેટ આપી વિસનગરની નેતાગીરી અને આબરૂનુ ચિરહરણ કરનાર પ્રદેશ ભાજપની નેતાગીરી સામે અત્યારે વિસનગર ભાજપમાં ભારે રોષ ફેલાયો છે. ઋષિભાઈ પટેલના પીછેહઠ કરવાના સ્વભાવના કારણે કાયમ તેમના ટેકેદારોની આબરૂ દાવ ઉપર મુકાય છે. જો આવુજ થતુ રહેશે તો કાલ કોણ વિશ્વાસ મુકશે.
પ્રદેશ ભાજપ નીતિનભાઈ પટેલ આગળ નતમસ્તક થઈ ગયુ છે તો દરેક ચુંટણીઓમાં નીતિનભાઈ પટેલનેજ પુછવુ જોઈએ.
મેન્ડેટ આપી પછી રદ કરી આ રીતે કાર્યકરની આબરૂ ન લેવી જોઈએ-કાર્યકરોનો ગણગણાટ
વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વચ્ચે ઘણા સમયથી રાજકીય તાકાત બતાવવાની સ્પર્ધા ચાલી રહી છે. જેમાં નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હતા તે સમયે વિસનગરને લાગતા ઘણા નિર્ણયોમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલને નમતો જોખવુ પડ્યુ છે. નીતિનભાઈ પટેલ ભલે અત્યારે ધારાસભ્ય હોય તેમ છતા પ્રદેશ ભાજપ ઉપર પોતાનો કેટલો અંકુશ છે અને રાજકીય તાકાત કેટલી છે તે ગુજકોમાસોલના ડીરેક્ટરોની ચુંટણીમાં બતાવી દીધુ છે. ગુજકોમાસોલના ડીરેક્ટરોની ચુંટણી જાહેર થતા મહેસાણા જીલ્લામાંથી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના ટેકેદાર તથા વિસનગર તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકીતભાઈ પટેલે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ટેકેદાર તથા મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ અને સોમાભાઈ પટેલ એમ ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં એક તરફ વિસનગરના અંકીતભાઈ પટેલ તથા બીજી તરફ વિનોદભાઈ પટેલે ફોર્મ ભર્યા હોવાથી સરકાર બદલાયા પછી ઋષિભાઈ પટેલ કે નીતિનભાઈ પટેલ કોની રાજકીય વગ વધારે છે તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી.
ઋષિભાઈ પટેલ અત્યારે કેબીનેટ મંત્રી હોવાથી સરકારમાં અને પ્રદેશ ભાજપમાં તેમનો દબદબો હોવાથી વિસનગરના અંકીતભાઈ પટેલનુ મેન્ડેટ આવશે તેવુ જીલ્લા તથા વિસનગર ભાજપમાં ચર્ચાતુ હતુ. તા.૬-૬-૨૦૨૨ ને સોમવારે પ્રદેશ ભાજપ દ્વારા ગુજકોમાસોલના સત્તાવાર ઉમેદવારોની યાદીમાં અંકિતભાઈ પટેલનુ નામ જાહેર થતા વિસનગરના સોશિયલ મીડિયામાં અંકિતભાઈ પટેલને અભિનંદન આપવામાં આવ્યા હતા. ઋષિભાઈ પટેલ જુથમાં વિજયોત્સવ હતો ત્યારે નીતિનભાઈ પટેલ જુથમાં સોપો પડી ગયો હતો. ત્યારે નીતિનભાઈ પટેલે પોતાની રાજકીય તાકાત વાપરી મંગળવારના દિવસે વિનોદભાઈ પટેલના નામનુ વ્યક્તિગત મેન્ડેટ લાવતા ઋષિભાઈ પટેલના તમામ દાવપેચ ઉંધા પડી ગયા હતા. મોંમા આવેલો કોળીયો છીનવાતા વિસનગર ભાજપના ગૃપમાં સોપો પડી ગયો હતો. બુધવારના દિવસે ફોર્મ ખેચવાની છેલ્લી તારીખ હતી. વિસનગરના ભાજપના આગેવાનોએ ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એકના બે થયા નહોતા.
આ વિવાદમાં અંકિતભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સોમવારના રોજ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે ફોન કરી પાર્ટીએ નામ સુચવ્યુ હોવાનુ જણાવી અભિનંદન આપ્યા હતા. બીજા દિવસે મેન્ડેટ બદલાતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને મળવા ગયો હતો. પરંતુ કામગીરીની વ્યસ્તતાના કારણે મળી નહી શકતા પાર્ટીની શિસ્તમાં રહીને ફોર્મ પાછુ ખેચ્યુ હતુ. જ્યારે વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતિષકુમાર પટેલે રોષ ઠાલવ્યો હતો કે, વિસનગરને મેન્ડેટ ન આપ્યો હોત તો કોઈ વાંધો નહોતો. પરંતુ મેન્ડેટ આપ્યા બાદ મેન્ડેટ બદલી વિસનગરનુ નાક કાપ્યુ છે, વિસનગરની આબરૂ લીધી છે.
જ્યારે વિસનગર અને જીલ્લા ભાજપના કાર્યકરોમાં પ્રદેશ ભાજપની નેતાગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યકરોએ લાગણી વ્યક્ત કરી હતી કે, આવી ચુંટણીમાં નેતા પોતે ઉમેદવારી કરતા નથી. પરંતુ પોતાનુ પ્રભુત્વ જાળવવા ટેકેદારો પાસે ઉમેદવારી કરાવે છે. ત્યારે પ્રદેશ ભાજપ નીતિનભાઈ પટેલ જેવા અદના આગેવાનના દબાણમાં આવી મેન્ડેટ બદલે તેમાં કાર્યકરોનુ મોરલ ડાઉન થાય છે. કાલે કોઈ પણ ભાજપના નેતા તેમના કાર્યકરને લઈને નિકળે તો પ્રદેશ ભાજપ ઉપર કેટલો વિશ્વાસ રાખવો. નીતિનભાઈ પટેલ દરેક બાબતે કાયમ ખોટો હઠાગ્રહ રાખી પોતાનો દબદબો સાબીત કરી જીલ્લાના અદના આગેવાનોનુ મોરલ ડાઉન કરી રહ્યા છે. ભાજપના એક વ્યક્તિ અને એક હોદ્દાના અભિગમની સામે કાર્યકરોનો ગણગણાટ હતો કે વિનોદભાઈ પટેલ પાસે ઘણા હોદ્દા છે. પછી ફરીથી ગુજકોમાસોલના ડીરેક્ટર પદે બીનહરિફ કરવાની ક્યા જરૂર હતી. શું જીલ્લામાં ભાજપના બીજા આગેવાનો નથી. બીજા અદના આગેવાનોને તક આપવાની પ્રદેશ ભાજપની જવાબદારી નથી? પ્રદેશ ભાજપ નીતિનભાઈ પટેલ આગળ નત મસ્તક થઈ ગયુ હોય તો નીતિનભાઈ પટેલના ટેકેદારનાજ ફોર્મ ભરાવા જોઈએ. ભાજપ કાર્યકરોથી ઉજળુ છે અને કાર્યકરોની આજ રીતે આબરૂ લેવામાં આવશે તો ચુંટણીઓમાં ઉત્સાહથી કામ કોણ કરશે?
• વિસનગર ભાજપના આગેવાનોની જો આ રીતે આબરૂ લેવાય તો કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની નેતાગીરી ઉપર વિશ્વાસ કોણ રાખશે
• પહેલા અંકિતભાઈ પટેલને મેન્ડેટ આપ્યો, બીજા દિવસે વિનોદભાઈ પટેલને મેન્ડેટ આપી વિસનગરનુ નાક કાપ્યુ છે-તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ