આરોગ્ય મંત્રીના હસ્તે વિસનગર સિવિલમાં સ્વયં હેલ્થ ATMની શરૂઆત
આરોગ્ય એ.ટી.એમ ગણતરીની મિનિટોમાં ૭૫ થી વધુ ટેસ્ટ કરી તેનું પરીણામ આપશે
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે વિસનગર જનરલ હોસ્પિટલ ખાતે સ્વયં હેલ્થ એ.ટી.એમની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે માન પ્રધાનમંત્રીશ્રીએ આપેલ “ સૌના માટે આરોગ્ય” ના મંત્ર થકી સૌ નાગરિકોના આરોગ્યની દરકાર લઇ આરોગ્યની વિવિધ સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર કટિબધ્ધ બની છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉમેર્યું હતું કે ટેકનોલોજીના માઘ્યમથી દર્દીને ત્વરીત સારવાર મળે દિશામાં સરકારનો સરહાનીય પ્રયાસ રહ્યો છે. છેવાડાના તાલુકાઓમાં આરોગ્યની તમામ સેવાઓ ઘર આંગણે મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે.તેમણે ઉમેર્યું હતું કે સિનિયર સીટીઝનને ઘર બેઠા ટેલીમેડીસીનના માધ્યમથી સારવાર મળે અને તેઓને દવાખાના સુધી આવવું ન પડે તેની ચિંતા સરકારે કરી છે.
સ્વયં હેલ્થ એ.ટી.એમ દર્દીઓની સારવાર માટે આશિર્વાદ રૂપ બનશે.આ મશીન થકી દર્દીની પ્રોફાઇલ જાણી શકાય છે. આ ઉપરાંત વિવિધ ટેસ્ટ દ્વારા તેને સારવાર સમયસર મળી શકશે. વધુમાં આ મશીન દ્વારા ૭૫ થી વધુ ટેસ્ટ ગણતરીની મિનિટોમાં મળતા હોવાથી દર્દીને ટેસ્ટ માટે વધુ સમય રાહ જોવું પડશે નહિ.રાજ્યમાં વિવિધ ચાર સ્થળોએ સ્વયં હેલ્થ એ.ટી.એમ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.
વિસનગર ખાતે શરૂ થયેલ સ્વયં એ.ટી.એમ મશીનથી મુળભુત પરીક્ષણો,યુરીન અને લોહીના પરીક્ષણો,રેપીડ ટેસ્ટ સહિત અન્ય ટેસ્ટો પણ આ મશીન દ્વારા ગણતરીની મિનિટોમાં થવાના છે.સ્વયં એ.ટી.એમ દ્વારા ઝડપથી આરોગ્ય રીપોર્ટ આપવાની સાથે સાથે વિડીયો કન્સલ્ટન્ટ ડોક્ટર,ડીજીટલ રેકોર્ડ સહિતની આગામી સમયમાં સુવિધા પુરી પાડનાર છે.
સ્વયં હેલ્થ એ.ટી.એમ મશીનની શરૂઆતના પ્રસંગે પૂર્વગૃહમંત્રી રજનીભાઈ પટેલ, પ્રાન્ત અધિકારી વિસનગર, આરોગ્ય અધિકારી ડો ટી.કે.સોની, જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણુભાઈ પટેલ,વિસનગરના સિવિલ સર્જન ડો પારૂલબેન પટેલ, ઇન્ટરનેશનલ રીલશન નેશનલ હર્ટ ઇન્સ્ટીટ્યુટ નવી દિલ્હીના ડાયરેકટર ડો આનંદકુમાર ત્રિપાઠી,માય લેબ એકમના એક્ઝીક્યુટીવ રાજેશ પટેલ,સંસ્ક્રીટેક સ્માર્ટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ, માય લેબના અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.