Select Page

ખેરાલુના ૪૦ ગામના ખેડૂત આંદોલનમાં વેપારીઓ નિષ્ક્રિય

ખેરાલુના ૪૦ ગામના ખેડૂત આંદોલનમાં વેપારીઓ નિષ્ક્રિય

ખેરાલુ વિધાનસભાના ૪૦ ગામના ખેડુતો દ્વારા અઢી મહિના આંદોલન ચાલ્યુ હતુ. જેમાં ખેડુતોની પડખે તમામ અગ્રણીઓ આવી ગયા હતા. ખેરાલુ અને સતલાસણા તાલુકાના વેપારીઓએ ખેડુત આંદોલનને ટેકો આપી એક દિવસ બજાર બંધ રાખીને સમર્થન કરવાની જરૂરત હતી. પરંતુ વેપારી આગેવાનો મુક પ્રેક્ષક બની સરકાર અને ખેડુતોની લડાઈ જોઈ રહ્યા હતા. સહકારી આગેવાનો પણ પક્ષને વફાદાર રહ્યા પણ ખેડુતોને સાથ આપ્યો નહોતો. હવે ખેડુતો અને સરકાર વચ્ચે આંદોલનનું સુખદ સમાધાન થઈ ગયુ છે. પરંતુ જે ખેડુત વર્ગ ઉપર બજારો ચાલે છે વેપાર-ધંધા ચાલે છે. તેમની કોઈ ભૂમિકા ન રહેતા ખેડુત આગેવાનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ખેરાલુ વિધાનસભાના ૪૦ ગામોના ખેડુતો આંદોલન કરતા હતા. જે આંદોલન અઢી મહિના ઉપરાંત ચાલ્યુ હતુ. ત્યારે વેપારીઓ વિચારવું જોઈએ કે પશુપાલક અને ખેતી સમુધ્ધ હશે તો જ વેપાર ધંધાનો વિકાસ થશે. ખેડુતો સાચી વાત લઈને નીકળ્યા હતા કે ખેરાલુ વિધાન સભામાં કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી. ખેરાલુ- સતલાસણા તાલુકામાં પશુપાલન અને ખેતી જ મુખ્ય વ્યવસાય છે. ખેરાલુ – સતલાસણાના બજારોમાં દૂધનો પગાર થાય તે પછી બે દિવસ વેપાર ધંધા થાય છે. બાકીના દિવસોમાં જુજ ગ્રાહકો જ જોવા મળે છે. ખેડુત બજારમાં બિયારણ જંતુનાશક દવા કે ખાતર લેવા આવશે તો બજારમાં ચા-નાસ્તો કરશે અને જરૂરી સામાનની ખરીદી પણ કરશે તે વેપારીઓએ સમજવું જોઈએ. ૪૦ ગામોની હજારો એકર જમીનમાં ખેતી ન થાય તો બજારના ધંધા ઉપર વ્યાપક અસર ઉભી થાય તે સમજી બન્ને તાલુકાના વેપારીઓએ ખેડુતને ખુલ્લુ સમર્થન આપવું જોઈએ પણ હવે સુખદ સમાધાન થયુ છે. એક ખેડુત આગેવાને નામ ન આપવાની શર્તે જણાવ્યુ હતુ કે હવે પછી ખેડુતો આવો કોઈ જાહેર હિતનો પ્રશ્ન લઈને નીકળે તો વેપારીઓ ખુલ્લુ સમર્થન આપે તે જરૂરી છે. ખેડુતોએ આંદોલન શરૂ કર્યુ તેના પહેલા અઠવાડીયામાં જ વેપારીઓ સમર્થનમાં આવ્યા હોત તો આંદોલન વહેલુ સમેટાયુ હોત, જે હોય તે પણ ખેડુત અને વેપારી એક સિક્કાની બે બાજુ છે તે વેપારીઓએ સમજવું જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us