સાંસદ શારદાબેન પટેલે ઋષિભાઈ પટેલને અભિનંદન આપવાનુ ટાળ્યુ
ઋષિભાઈ પટેલે આપણા લાડીલા સાંસદથી સંબોધન કર્યુ
વિસનગર જુથ પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર તમામ આગેવાનો તથા પ્રેક્ષકોએ જેમના પ્રયત્નોથી આ યોજના આકાર પામી તેવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ભારોભાર પ્રશંસા કરી હતી. ત્યારે સાંસદ શારદાબેન પટેલે તેમના વ્યક્તવ્યમાં ઋષિભાઈ પટેલને અભિનંદન આપવાનુ ટાળ્યુ હતુ. જ્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે આપણા લાડીલા બેન સાંસદ સભ્ય શારદાબેન પટેલના સંબોધનથી વ્યક્તવ્યની શરૂઆત કરી હતી.
વિસનગર જુથ પાણી પુરવઠા યોજના એ ભાજપ સરકારની મદદથી ફક્ત ને ફક્ત ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી આકાર પામી છે. પીવાના પાણીની કાયમી સમસ્યા દૂર કરતી રૂા.૧૫૧ કરોડની જુથ યોજના મંજુર થઈ એ ઋષિભાઈ પટેલની આવડત અને સરકારમાંથી કામ કઢાવવાની કુનેહનુ પરિણામ છે. ઋષિભાઈ પટેલના આ વિકાસ કામની સમગ્ર શહેર અને તાલુકામાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે ઘરમાંથી ઉઠાવી રાજકારણમાં ઉભા કરવામાં આવ્યા હોવાનુ જણાવી સરળ વ્યક્તિત્વ હોવાનો સાંસદ શારદાબેન પટેલ ભલે ડોળ કરતા હતા. પરંતુ જુથવાદ અને રાજકીય દ્વેષભાવથી ઘેરાયેલુ સાંસદ શારદાબેન પટેલનુ વ્યક્તિત્વ છે. જુથ પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલે તેમના ભાષણમાં સાડા છ મિનિટની લખેલી સ્ક્રીપ્ટ વાંચી સંભળાવી હતી. જેમા કરોડોના ખર્ચે જુથ યોજના મંજુર કરાવનાર કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને અભિનંદન આપતો કોઈ શબ્દ નહોતો. તટસ્થ અને નિષ્પક્ષ વ્યક્તિત્વ હોય તો સારૂ કામ કરનાર દુશ્મનને પણ બીરદાવતા ખચકાતા નથી. ત્યારે રાજકીય રંગે રંગાયેલા સાંસદ શારદાબેન પટેલ પાસે તટસ્થ અને નિષ્પક્ષની આશા રાખવી ખોટી છે. જ્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે લોકાર્પણ કાર્યક્રમમાં પોતાનુ વ્યક્તવ્ય શરૂ કર્યુ ત્યારે આપણા લાડીલા બેન સાંસદ સભ્ય શારદાબેન પટેલથી સંબોધન કર્યુ હતુ. અંદરખાને ભલે ગમે તેટલો જુથવાદ હોય પરંતુ જાહેરમાં ભાજપની છબી ન ખરડાય તેવી વર્તણુક કરવી એ કેબીનેટ મંત્રીની વિશેષતા છે.
લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલે તેમના ભાષણમાં મેદની જોઈ વિશેષ આનંદ થાય છે. પીયર વ્હાલુ લાગે તેવુ જણાવ્યુ હતુ. અત્યારે એ યાદ કરવુ એ માટે જરૂરી બને છેકે પીયર વિસનગર વ્હાલુ લાગતુ હોય તો, જ્યારે કોરોનાની બીજી લહેરમાં તબીબી સુવિધાઓ માટે સાંસદ સભ્યની ગ્રાન્ટ ફાળવવાની હતી તે વખતે બીજા તાલુકામાં ગ્રાન્ટ ફાળવી. ત્યારે ગ્રાન્ટની ફાળવણીમાં વિસનગર પીયર કેમ યાદ આવ્યુ નહોતુ. આ કટોકટીના સમયમાં કયા કારણે ગ્રાન્ટ ફાળવવામાં પીયર વ્હાલુ લાગ્યુ નહોતુ. ઋષિભાઈ પટેલ પ્રત્યે ભલે ગમે તેટલો રાજકીય વિરોધ હોય પરંતુ કોરોનામા વિસનગર સિવિલ હોસ્પિટલમાં ગ્રાન્ટ ફાળવી હોત તો ઓક્સીજન, સારવાર અને દવાઓ માટે રજળતા પિયરના લોકોનેજ કામમાં આવવાની હતી. સાંસદ શારદાબેન પટેલ સાદગીવાળા વ્યક્તિત્વનો જે આડંબર કરે છે તે બંધ કરવો જોઈએ.
કોરોના કાળ વખતે યાદ નહી આવેલુ પીયર હવે વ્હાલુ લાગ્યુ