Select Page

રાજકોટનુ સદ્‌ભાવના ટ્રસ્ટ વિસનગરને હરિયાળુ બનાવી શકે

રાજકોટનુ સદ્‌ભાવના ટ્રસ્ટ વિસનગરને હરિયાળુ બનાવી શકે

રોટરી ક્લબના કાર્યક્રમમાં પી.ડી.જી.જગદીશભાઈ પટેલની સૂચક રજુઆત સાથે અપીલ

  • જન્મદિન, લગ્નતિથિ, પુણ્યતિથિ, સ્થાપના દિન નિમિત્તે રૂા.૧૨૫૦/- આપવામાં આવે તો ૧૬૦૦ વૃક્ષનું ફંડ જોત જોતામાં એકઠુ થઈ જાય
  • રાજકોટનુ સદ્‌ભાવના ટ્રસ્ટ એગ્રીમેન્ટ કરીને ત્રણ વર્ષ સુધી વૃક્ષ ઉછેરવાની ખાત્રી આપે છે. વૃક્ષ મોટુ ન થાય તો પૈસા પરત આપવાની બાહેધરી આપે છે

પાલિકાનો ૭૦૦ નંગ ઝાડ ઉછેરવાનો રૂા.૫૩ લાખ એસ્ટીમેટ
વિસનગરને હરિયાળુ બનાવવા ગત વર્ષથીજ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં ડીવાઈડર તોડી, ખાડો ખોદી આર.સી.સી. બોક્ષ, માટી પુરાણ, ખાતર, સાત ફૂટ ઉંચો છોડ, ટ્રી ગાર્ડ અને ત્રણ વર્ષ મેઈન્ટેનન્સની જવાબદારી સાથે એક પ્લાન્ટેશનનો એસ્ટીમેટ રૂા.૭૦૦૦ થી ૭૫૦૦ નો આપવામાં આવ્યો છે. આ મુખ્ય માર્ગો ઉપર પ્લાન્ટેશન કરવાનુ હતુ. ૭૦૦ પ્લાન્ટેશન માટે રૂા.૫૩ લાખ મંજુર કરવામાં આવ્યા છે.

પર્યાવરણ જાળવણી તથા નિયમિત વરસાદ માટે વૃક્ષ ઉછેર સીવાય છુટકો નથી. રોટરી ક્લબ ઓફ વિસનગરના કાર્યક્રમમાં પી.ડી.જી. જગદીશભાઈ પટેલે રાજકોટના સદ્‌ભાવના ટ્રસ્ટની વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર કાર્યની વિસનગરને હરિયાળુ બનાવવા સૂચક રજુઆત કરી હતી. પર્યાવરણ પ્રેમીઓ તથા સંસ્થાઓ સંકલ્પ લે તો વિસનગરને હરિયાળુ બનાવી શકાય.
વૃક્ષોથી ઘટાટોપ શહેર હોય ત્યા સામાન્ય કરતા ત્રણ થી ચાર ડીગ્રી ઓછી ગરમીનો અનુભવ થાય છે. નિયમિત વરસાદનો લાભ મળે છે. વિસનગર વૃક્ષો વિહિન બની ગયુ છે. ત્યારે શહેરમાં વધુમાં વધુ વૃક્ષ વવાય તે આપણા સૌની ફરજ થઈ પડે છે. વૃક્ષારોપણ કરી તેને બે-ત્રણ વર્ષ સુધી ઉછેર કરવો કઠીન કામ છે. લોકો પાસે પૈસા છે પણ વૃક્ષ ઉછેરનો સમય નથી. ત્યારે રાજકોટનુ સદ્‌ભાવના ટ્રસ્ટ વૃક્ષ દીઠ પૈસા લઈ ત્રણ વર્ષ સુધી ઉછેરી આપવાની જવાબદારીભર્યુ કામ કરે છે.
રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા રીડીંગ લાયબ્રેરી તથા ડાયાબીટીસ ક્લબનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર જગદીશભાઈ બાબુલાલ પટેલે સદ્‌ભાવના ટ્રસ્ટની પર્યાવરણ જાગૃતિની કરવામાં આવતી કામગીરીની વિશેષ માહિતી આપી હતી કે, રાજકોટનુ સદ્‌ભાવના ટ્રસ્ટ ફક્ત વૃક્ષ ઉછેર અને જાગૃતિનુ કાર્ય કરે છે. જે સંસ્થા એક વૃક્ષ દિઠ રૂા.૧૨૫૦/- ચાર્જ લઈને એક સેશનમાં ૧૬૦૦ વૃક્ષ વાવી આપે છે. જેમાં બતાવેલી જગ્યામાં ખાડો ખોદી, ખાતર નાખી, ટ્રી ગાર્ડ લગાવી ત્રણ વર્ષ સુધી વૃક્ષ ઉછેરીને આપે છે. વડલો, પીપળો, લીમડો જેવા ૧૦૦ વર્ષ ઉપરાંત્તનુ આયુષ્ય ધરાવતા તેમજ ઓક્સીજન આપતા એક થી બે વર્ષના ૬ થી ૭ ફૂટ ઉંચાઈના વૃક્ષો વાવવામાં આવે છે. વૃક્ષના ત્રણ વર્ષ સુધી જતન માટે સંસ્થા દ્વારા ડ્રાઈવર સાથે એક ટેન્કર તથા બે માણસોનો સ્ટાફ મુકવામાં આવે છે. ચોમાસાના ત્રણ ચાર માસમાં વૃક્ષ ઉછેર માટે પાણીની જરૂરીયાત પડતી નથી. જ્યારે બાકીના ૮ થી ૯ માસ રોજ ૬ થી ૭ ટેન્કર પાણી આપવાની જરૂરીયાત પડે છે. જે માટે પાલિકા, ટ્યુબવેલ ધરાવતા ખેડૂત કે સ્વતંત્ર ટ્યુબવેલ ધરાવતી સંસ્થાની મદદ જરૂરી પડે છે. એસ.કે.યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલે પાણી આપવા તૈયારી દર્શાવી છે. આ પ્રોજેક્ટનુ સંસ્થા જોડે એમ.ઓ.યુ. કરવામાં આવે તો સ્ટાફ લઈને આવે છે અને બે થી ત્રણ અઠવાડીયામાં ૧૬૦૦ વૃક્ષ વાવે છે. જ્યા વરસાદજ નહોતો પડતો તેવા રાજકોટ, જામનગર જેવા સૌરાષ્ટ્રના શહેરોમાં દાતાઓના સહકારથી તેમજ લોકફાળાથી આ સંસ્થા દ્વારા મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. અત્યારે વૃક્ષારોપણ માટે સૌરાષ્ટ્રમાં એટલી જાગૃતિ આવી છેકે સદ્‌ભાવના ટ્રસ્ટે વેઈટીંગમાં નામ નોધ્યા છે. આ સંસ્થામાં ૨૦ થી ૨૫ ગૃપ કામ કરે છે. નામ નોધાવ્યા બાદ પ્રથમ આવીને સર્વે કરે છે. ત્યારબાદ વૃક્ષારોપણનુ કામ કરે છે. વૃક્ષ દિઠ રૂા.૧૨૫૦/- ચાર્જ આપવાનો થતો હોઈ તેમજ સૌરાષ્ટ્રની સંસ્થા હોઈ પૈસાના વ્યવહારમાં કોઈપણને અવિશ્વાસ ઉભો થાય, ત્યારે સદ્‌ભાવના ટ્રસ્ટ એગ્રીમેન્ટ કરી આપે છે અને વૃક્ષો મોટા ન થાય તો પૈસા પરત આપવાની એગ્રીમેન્ટમાં ખાત્રી આપે છે.
અત્યારે લોકો પર્યાવરણ જાગૃતિના નામે વૃક્ષારોપણ કરે છે. પરંતુ વૃક્ષ ઉછેરે છેકે નહી તેની કોઈ દેખરેખ રાખતા નથી. વિસનગરમાં આ સંસ્થાને વૃક્ષારોપણની જવાબદારી સોપાય તે સમય પાકી ગયો છે. જન્મદિન, લગ્નતિથિ, સ્નેહીજનની પુણ્યતિથિ કે સંસ્થા કે વ્યવસાયના સ્થાપના દિન નિમિત્તે વિસનગરના પર્યાવરણ પ્રેમી રૂા.૧૨૫૦/- આપે તો ૧૬૦૦ વૃક્ષનુ ફંડ એક્ઠુ થતા વાર લાગે નહી. ૨૫, ૫૦, ૭૫, ૧૦૦ કે તેથી વધુ વૃક્ષ દિઠ ચાર્જ આપનારનુ ટ્રી ગાર્ડ ઉપર દાતાના નામની પ્લેટ લગાવવામાં આવે છે. પીંડારીયા તળાવ પરિસર, નૂતન કેળવણી મંડળના પાંચ કેમ્પસ, ગુરૂકુળ સ્કુલ, સહજાનંદ સ્કુલ, નાવી કન્યા વિદ્યાલય, જી.ડી.હાઈસ્કુલ, માર્કેટયાર્ડ, જલારામ મંદિર, સત્યનારાયણ મંદિર, શહેરની મોટી ટાઉનશીપ કે જ્યા કમ્પાઉન્ડ છે તેવા વિસ્તારમાં વૃક્ષો કોઈ તકલીફ વગર ઉછેરી શકાય છે. આ સીવાય સોસાયટીઓના કોમન પ્લોટમાં જગ્યા હોય તો પણ વૃક્ષ ઉછેરી શકાય છે.
રોટરી ક્લબ ઓફ વિસનગર હરિયાળા શહેર માટેના પ્રોજેક્ટ ઉપર વિચારી રહ્યુ છે. ત્યારે શહેરની અન્ય સંસ્થાઓ પણ જોડાઈ શકે છે. આ પ્રોજેક્ટ કોઈ એક સંસ્થાના નામ માટે નથી પરંતુ સમગ્ર શહેરના લોકોના હિત માટેનો પ્રોજેક્ટ છે. ત્રણ વર્ષ સુધી આ પ્રોજેક્ટ કરવામાં આવે અને શહેરમાં ૪૮૦૦ જેટલા વૃક્ષો મોટા થાય તો વિસનગર ગ્રીન બેલ્ટ ઉભો થાય. એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, સમર્થ ડાયમંડમાં કામીનીબેન પટેલ, રોટરી મિત્રો વિગેરે આ પ્રોજેક્ટ માટે ઉત્સાહી છે. પરંતુ દરેક પર્યાવરણ પ્રેમી ઉત્સાહ દાખવે અને જન્મદિન, લગ્નદિન, પુણ્યતિથિ, સ્થાપના દિન નિમિત્તે એક વૃક્ષના રૂા.૧૨૫૦/- આપે તો વિસનગર શહેર હરિયાળુ બની જાય. આ પ્રોજેક્ટમાં રસ ધરાવતા લોકો જગદીશભાઈ પટેલનો મો.નં. ૯૮૨૫૦૬૧૩૨૧, રોટરી પ્રમુખ ગજેન્દ્રભાઈ દોશીનો મો.નં.૯૩૨૮૨ ૯૧૩૨૧ તથા ઈનકમિંગ રોટરી પ્રેસીડન્ટ હિતેશભાઈ રાવલનો મો.નં.૯૮૯૮૯ ૮૦૯૭૮ ઉપર સંપર્ક કરી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us