વિસનગર પાલિકા સભ્યોની મીટીંગ હોબાળાના ડરથી મુલત્વી
કામ નહી થતા કેટલાક ચેરમેન રાજીનામુ આપવાની ચર્ચાથી સંગઠન ભડક્યુ
વિકાસ કામ થતા નહી હોવાથી ભાજપ શાસીત વિસનગર પાલિકામાં અત્યારે ભૂગર્ભ દાવાનળ ખદબદી રહ્યો છે. શહેર ભાજપ સંગઠન દ્વારા પાલિકા પ્રમુખની ઓફીસમાં સભ્યોની મીટીંગનુ આયોજન કરાયુ હતુ. પરંતુ તાત્કાલીક મીટીંગ કેન્સલ કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે. મીટીંગમાં કેટલાક ચેરમેન રાજીનામુ આપવાના હોવાથી મીટીંગ રદ કરાઈ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી વિવાદ વકર્યો છે. પરંતુ મંત્રી ઋષિભાઈ પટેલ સ્પષ્ટ વલણ નહી અપનાવતા અંદરોઅંદર રોષ અનુભવતા સભ્યો શીવસેનાવાળી કરવાના મુડમાં હોવાનુ પણ જાણવા મળ્યુ છે.
ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલી ભાજપ શાસીત વિસનગર પાલિકામાં વિવાદો સમતા નથી. પાલિકા સભ્યોના ગૃપમાં પ્રમુખની ચેમ્બરમાં મીટીંગ કરવાનો મેસેજ મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજાજ દિવસે તા.૨૪-૬ ના રોજ મીટીંગ કેન્સલ કરવામાં આવી હોવાનો દંડક દ્વારા મેસેજ કરવામાં આવ્યો હતો. વિસનગર પાલિકામાં તમાચા વિવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપોનો જીલ્લા અને પ્રદેશ ભાજપ સુધી પડઘો પડ્યો હતો. ત્યારબાદ પાલિકા સભ્યોની મીટીંગ કેન્સલ કરવા પાછળનુ રહસ્ય શુ તે બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, ભાજપ શાસીત પાલિકાને સવા વર્ષ થયા છતા વોર્ડમાં સભ્યોના કામ થયા નથી. વિવિધ કમિટીઓના ચેરમેનનુ પણ કંઈ ઉપજતુ નથી. ખાલી નામના ચેરમેન બની રહ્યા છે. મીટીંગમાં કેટલાક ચેરમેન રાજીનામુ ધરવાના મુડમાં હોવાની ચર્ચાથી મીટીંગ કેન્સલ રાખવાની ફરજ પડી હતી. આ સીવાય મીટીંગમાં કેટલાક સભ્યોનો પણ ભારે રોષ જોવા મળે તેમ હતો.
• અગાઉ મંત્રી કિર્તિસિંહ વાઘેલા આગળ થયેલી રજુઆતનુ પરિણામ નહી આવતા સભ્યોમાં રોષ
• ભાજપ શાસીત વિસનગર પાલિકામાં શીવસેનાવાળી થશે કે શું તેવી ચર્ચા
એતો ચોક્કસ વાત છેકે પાલિકામાં કોઈ કામ થતા નથી. વોર્ડના મતદારોએ સુચવેલ કામની સભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી છે. કામ મંજુર થયા છે પરંતુ ટેન્ડરજ ભરાતા નહી હોવાથી વિકાસ કામ થતા નથી. વિધાનસભાની ચુંટણી આવી રહી છે. ભાજપના સભ્યો પાછા વોર્ડમાં મત માગવા જવુ પડશે. પણ કામ થયા નહી હોવાથી લોકોને શું જવાબ આપવો તેની પણ સભ્યો અમુજણ અનુભવી રહ્યા છે. આવા અસંતોષના કારણેજ સભ્યો ભાજપના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નથી. થોડા સમય અગાઉ વિસ્તારક તરીકે મુકાયેલા મંત્રી કિર્તિસિંહ વાઘેલાએ પાલિકાની મુલાકાત લીધી તે વખતે મોટાભાગના સભ્યોની હૈયાવરાળ હતી કે કામ થતા નથી. ઉંચા કમિશન માગવાના કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી. મંત્રી સમક્ષ રજુઆત બાદ કંઈક પરિણામ આવશે તેવી સભ્યોને આશા હતી. પરંતુ વિસનગર પાલિકાની પરિસ્થિતિ જૈસે થે છે. આવો વિવિધ રોષ સભ્યોની મીટીંગમાં વર્તાય તેવુ વાતાવરણ જોવા મળતાજ મીટીંગ કેન્સલ કરવામાં આવી હોવાનુ ચર્ચાય છે.
આ બાબતે પાલિકા સભ્યોના ગૃપમાં મીટીંગનો મેસેજ સેન્ડ કરનાર દંડક મેહુલભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે બાબતે ચર્ચા કરવા શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલની સુચનાથી મીટીંગનુ આયોજન કરાયુ હતુ. જેમાં ફક્ત સંગઠનની ચર્ચા હતી બીજો કોઈ એજન્ડા નહોતો. ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખની સુચનાથી મીટીંગ કેન્સલ કરવામાં આવી હતી.