નૂતન હોસ્પિટલમાં જટીલ ઓક્સિપીટો સર્વાઇકલ ફ્યુઝન સર્જરી કરાઈ
ગરદનના મણકામાં ટી.બી.થી પીડાતા રાજેન્દ્રસિંહ ચાવડા પર
ઉત્તર ગુજરાતમાં સંભવત પ્રથમ વખત ઓક્સિપીટો સર્વાઇકલ ફ્યુઝન સર્જરી નૂતન મેડિકલ કૉલેજમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવીને ૩ થી ૪ મહિનાથી ગરદનની તકલીફથી પીડાતા રાજેન્દ્રસિંહને પીડામુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જે.વી. મોદીની સ્પાઇન ક્ષેત્રેની નિપૂણતાના પરિણામે આ શક્ય બન્યું છે.
મહેસાણાના રાજેન્દ્રસિંહ ચાવડાને ૩ થી ૪ મહિનાથી ગરદનના મણકાના ભાગમાં અસ્થિરતા હોવાથી અસહ્ય દુખાવો રહેતો હતો. જેના પરિણામે હલન-ચલનમાં તકલીફ, ચક્કર આવવા, ભૂખ ઓછી લાગવાની સમસ્યાથી અત્યંત પીડામય સમયમાંથી તેઓ પસાર થઇ રહ્યા હતા. પીડાની વેદના અસહ્ય બનતા તેઓએ મહેસાણાની ૨ થી ત્રણ ખાનગી હોસ્પિટલમાં નિદાન અર્થે ગયા . પરંતુ સંતોષકારક પરિણામ ન મળતા અને દુખાવામાં સતત વધારો થતા વિસનગરની નૂતન હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા.
ગરીબ પરિવાર માટે ખર્ચ કરીને પીડામુક્ત થવું સ્વપ્ન સમાન થઇ રહ્યું હતુ. પરંતુ નૂતન મેડિકલ કૉલેજમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સેવા ઉપલબ્ધ હોવાથી રાજેન્દ્રસિંહને આશાનું કિરણ જાગ્યું. નૂતન મેડિકલ કૉલેજમાં સ્પાઇન સર્જરી તરીકે ફરજરત અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જે.વી.મોદીની સ્પાઇન સર્જરીની નિપૂણતાના પરિણામે દર્દીને પીડામુક્ત થવાનો વિશ્વાસ ઉભો થયો.
• ઉત્તર ગુજરાતમાં સંભવત પ્રથમ વખત રેરેસ્ટ ઓફ ધી રેર ઓક્સિપીટો સર્વાઇકલ ફ્યુઝન સર્જરી સફળતાપૂર્ણ પાર પાડવામાં આવી
• ૩ થી ૪ લાખના ખર્ચની સર્જરી નૂતન મેડિકલ કૉલેજમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કરાઈ
રાજેન્દ્રસિંહ ચાવડાને જ્યારે નૂતન મેડિકલ કૉલેજમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના એક્સ-રે અને એમ.આર. આઇ. કરાવવામાં આવ્યા. જેમાં C1 અને C2 મણકામાં ટી.બી. હોવાનું નિદાન થયું હતુ. જેથી ડૉ. જે.વી.મોદી અને તેમની ટીમ દ્વારા સર્જરી કરીને આ તકલીફ દૂર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. શરીરના C1 અને C2 મણકામાં અસ્થિરતા હોય ત્યાં ઓક્સિપીટો સર્વાઇકલ ફ્યુઝન સર્જરી કરવામાં આવે છે. C1 અને C2 માં ટી.બી. એ અત્યંત રેર છે. ૧ થી ૩ લાખ દર્દીએ એક દર્દીમાં આ પ્રકારની જટીલ સમસ્યા જોવા મળે છે. આ પ્રકારની સર્જરીમાં થોડીક પણ બેદરકારી દર્દીને મોતના મુખમાં ધકેલી શકે છે. વળી રાજેન્દ્રસિંહના કિસ્સામાં તેમનો C1 મણકો સંપૂર્ણપણે ટી.બી. થી ખવાઇ ગયો હતો. જેને એક બાજુએ સ્ક્રુ નાંખીને ફીક્સ કરવામાં આવ્યું. નૂતન હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. ઉષા તેમજ આસિસટન્ટ પ્રોફેસર ડૉ. વિજય , ડૉ. એન્જલ પટેલ અને તબીબી ટીમના સહયોગથી ન્યુરોમોનીટરીંગ સાથે ડૉ. જે.વી.મોદીએ સમગ્ર સર્જરી હાથ ધરી હતી. અંદાજીત ૨ થી ૩ કલાક ચાલેલી ઓક્સિપીટો સર્વાઇકલ સર્જરી સંપૂર્ણપણે સફળ રહી. આજે રાજેન્દ્રસિંહ સંપૂર્ણપણે પીડામુક્ત બન્યા છે. પૂર્વવત હલન-ચલન કરી રહ્યા છે. દર્દી રાજેન્દ્રસિંહ નૂતન મેડિકલ કૉલેજના પલ્મેનોલોજીસ્ટ વિભાગના વડા ડૉ. રાજેશ સોલંકી અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ટી.બી.ની સંપૂર્ણ સારવાર મેળવી હતી.
ડૉ.જે.વી.મોદી વિગતો આપતા જણાવે છે કે, C1 અને C2 ના મણકામાં ટી.બી. હોવાની કિસ્સા અત્યંત રેર છે. જેમાં ઓક્સિપ્યુટો સર્વાઇકલ ફ્યુઝન સર્જરી કરવી તે ઘટના રેરેસ્ટ ઓફ ધી રેર કહી શકાય . એક રીસર્ચ પ્રમાણે અત્યાર સુધીમાં ૦.૩ થી ૧ ટકા કિસ્સામાં જ આ પ્રકારની સર્જરી હાથ ધરાઇ છે.અત્યંત જટીલ પ્રકારની આવી સર્જરીમાં થોડીક પણ બેદરકારી દર્દીના જીવને જોખમે મૂકી શકે છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી અંદાજીત ૩ થી ૪ લાખના ખર્ચે થતી હોય છે. રાજેન્દ્રસિંહ જોડે આયુષ્યમાન કાર્ડ હોવાથી નૂતન મેડિકલ કૉલેજમાં સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે થઇ છે. જે બદલ દર્દીએ હોસ્પિટલના તબીબો અને રાજ્ય સરકારનો આભાર પણ માન્યો છે.