ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરની ઉગ્ર રજૂઆત
મુક્તેશ્વર ડેમની ચિમનાબાઈમાં પાણી લાવતી કેનાલ સાફ કરાવવા
આજથી બે-ત્રણ મહિના પહેલા ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરે પાલનપુર સિપુ સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી જાણ કરી હતી કે મુક્તેશ્વર ડેમની ડાબા કાંઠાની ચિમનાબાઈ લિંક કેનાલને ચોમાસા પહેલા રીપેરીંગ તેમજ જંગલ કટીંગ અને ડીસિલ્ટીંગ કરવા ખાસ ભલામણ કરી હતી. ચોમાસુ આવી પહોચ્યુ છે છતા કેનાલ સફાઈ ન થતા કાર્યપાલક ઈજનેર જોડે ધારાસભ્ય અજમલજી ઠાકોરે ઉગ્ર ચર્ચા કરી હતી.
ધારાસભ્ય અજમલજી ઠાકોર પોતે સોમ્ય સ્વભાવના તેમજ મિતભાષી છે. લગભગ ધારાસભ્ય કોઈને પણ ખોટુ લાગે તેવું વર્તન પણ કરતા નથી પરંતુ મુક્તેશ્વર ડેમમાંથી ચિમનાબાઈ સરોવરમાં પાણી લાવતી કેનાલની સાફ સફાઈ ન થતા ધારાસભ્ય અકળાયા હતા. આ બાબતે કાર્ય પાલક ઈજનેરે ધારાસભ્ય અજમલજીને જણાવ્યુ હતુ કે મુક્તેશ્વર ડેમથી ખેરાલુના ચિમનાબાઈ સરોવરમાં પાણી લવાતી કેનાલ રપ થી ૩૦ ફુટ ઉંડી છે. જો હાલ સાફ સફાઈ કરવામા આવે તો વરસાદનું પાણી કેનાલમા સીધું જતુ હોવાથી સાથે રેત પણ કેનાલમાં ભેગી થાય છે. જેથી ચોમાસા પહેલા કરેલો ખર્ચ માથે પડે છે. વરસાદ ચાલુ થાય અને ડેમ ભરાય અને કેનાલમાં પાણી છોડવાની જરૂરીયાત ઉભી થાય તો યુધ્ધના ધોરણે જંગલ કટીંગ અને ડીસિલ્ટીંગ કરી દેવામા આવશે. આ કેનાલમાં રીપેરીંગ નહીવત હોય છે. ચોમાસામાં ડેમ ભરાશે અને કેનાલમાં પાણી છોડવાનું થશે તો કેનાલ બે-ચાર દિવસમાં સાફ કરવાની ખાત્રી આપી હતી.
ચિમનાબાઈ સરોવરમાં પાણી લાવવા અગાઉ મુક્તેશ્વર ડેમ ભરાયો ત્યારે પાણી છોડાયું હતુ. પરંતુ કેનાલોમાં ઉંદરો દ્વારા દર કરી દેવાતા કેનાલ ઠેર ઠેર તુટી જતી હતી જેથી ચિમનાબાઈ સરોવરમાં પાણી આપવાનું બંધ કરાયુ હતુ. જેથી ધારાસભ્યએ ઈજનેરોને કેનાલ રીપેરીંગ માટે પત્ર લખ્યો હતો. ઈજનેરોએ ધારાસભ્યને ખાત્રી આપી છે કે ડેમ ઓવરફલો થશે ત્યારે પાણી ચિમનાબાઈ સરોવર સુધી લાવવામાં તકલીફ નહી પડે આપણે આશા રાખીએ કે હાલની કેનાલમાં ઉદરોએ દર ન બનાવ્યા હોય અને કયાંય કેનાલ તુટશે નહી તેવી ભવિષ્યવાણી સિપુ સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેર કરી છે તે સાચી પડે.
ચિમનાબાઈ સરોવરમાં પાણી લાવતી કુડા ફિડર, રૂપેણ ફિડર, ડભોડા ફિડર અને ડભાડ ફિડરમાં અગાઉ પાણી ચિમનાબાઈ સરોવર સુધી પહોચી ગયુ હોવાથી સફાઈ થઈ ગઈ છે, તેવું ધારાસભ્ય અજમલજી ઠાકોર જણાવે છે. આપણે હવે માત્ર ભગવાનને પ્રાર્થના કરવાની છે કે વધુ વરસાદ આવે અને વરસંગ તળાવ ઓવરફલો થાય અને તમામ ફિડરોમાંથી પાણી વહેતું થાય તો ચિમનાબાઈ સરોવર પણ ઓવરફલો થાય.