અનેક સંસ્થાઓનુ સુચારૂ સંચાલન કરનાર પટેલ કિર્તિભાઈ કલાનિકેતને લાયન્સ પ્રમુખના શપથ લીધા
શપથ લીધા બાદ લાયન્સ ક્લબ ઓફ વિસનગર ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ રજીસ્ટર કરવાની જાહેરાત કરતાજ રૂા.૨૫૦૦૦/- આપી ૨૪ સભ્યોએ નામ નોધાવ્યા હતા. આજ ખાસીયત છે. કલાનિકેતનવાળા કિર્તિભાઈ પટેલની જે સંસ્થાનુ સંચાલન કરે છે તે સંસ્થા ધમધમતી થઈ જાય છે. કિર્તિભાઈ પટેલે લાયન્સ ક્લબ ઓફ વિસનગરના પ્રમુખ પદે શપથ લીધા બાદ ક્લબના સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આખુ વર્ષ લોક ઉપયોગી પ્રોજેક્ટ કરવા ક્લબના સભ્યોમાં થનગનાટ જોવા મળ્યો હતો.
લાયન્સ ક્લબ ઓફ વિસનગર કોપરસીટીનો વર્ષ ૨૦૨૨-૨૩ ની ટીમનો શપથ ગ્રહણ સમારોહ તા.૨૬-૬-૨૦૨૨ ને રવિવારના રોજ આર.કે.પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર ભરતભાઈ મોદી, ચીફ ગેસ્ટ તરીકે શહેરના ભામાશા રાજુભાઈ પટેલ આર.કે.જ્વેલર્સ, અતિથી વિશેષમાં શ્યામભાઈ બ્રહ્મભટ્ટ, ડીસ્ટ્રીક્ટ ગવર્નર કમલેશભાઈ શાહ, નીખીલભાઈ ભોજક, રમેશભાઈ પટેલ અંબર, ર્ડા.નટુભાઈ પટેલ, બેચરભાઈ પટેલ, કેશવલાલ શેઠ સ્વાગત, રાજુભાઈ રાવલ એકતા, ઈશ્વરભાઈ પટેલ બીરલા શેઠ, ભાવેશભાઈ પટેલ શ્રીજી બુલીયન, ક્લબના સ્થાપક પ્રમુખ નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, વિસનગર કોપરસીટી એસો.ના પ્રમુખ પરેશભાઈ પટેલ, શાહીબાગ ક્રેડીટના પ્રમુખ નટુભાઈ પટેલ, લાયન્સ ક્લબના સભ્યો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ક્લબના સેક્રેટરી તથા માર્કેટયાર્ડના સેક્રેટરી કમલેશભાઈ પટેલે વર્ષ દરમ્યાન ૧૮૦ ઉપરાંત્ત કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટનો ચીતાર આપ્યો હતો. જ્યારે ક્લબના પ્રમુખ રમેશભાઈ પટેલ સાયકલવાળાએ વર્ષ દરમ્યાન કરવામાં આવેલ પ્રોજેક્ટના ચેરમેન તથા સહયોગી સભ્યોને એવોર્ડ વિતરણથી સન્માન્યા હતા. શપથ વિધિ અધિકારી ભરતભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨-૨૩ વર્ષના ક્લબના પ્રમુખ તરીકે પટેલ કિર્તિભાઈ કલાનિકેતન તથા તેમની ટીમને આગવી શૈલીમાં શપથગ્રહણ કરાવ્યા હતા.
લાયન્સ ક્લબના પ્રમુખ પદે શપથ લેનાર કલાનિકેતનવાળા કિર્તિભાઈ પટેલ શહેરની એક એવી શખ્સીયત છેકે જેમણે ઘણી સંસ્થાઓના વિકાસ માટે લોહી પાણી એક કર્યુ છે. લક્ષ્મીપુરા(ભાલક) ના વતનીએ વિસનગર માયા બજારમાં કલાનિકેતન સાડી સેન્ટરનો વ્યવસાય શરૂ કરી ધંધાના વિકાસની સાથે શહેરમાં રાજકીય, સામાજીક, ધાર્મિક, વ્યાપારીક, નાણાંકીય, આરોગ્યલક્ષી સંસ્થાઓના વિકાસ માટે પણ સમયનુ બલીદાન આપ્યુ છે. જેમણે વીસ ઈન્ડીયા ક્રેડીટ સોસાયટી સાથે શહેરના ભામાશા રાજુભાઈ પટેલના સહકારથી સાર્વજનિક સ્મશાનગૃહ, વિસનગર વોલન્ટરી બ્લડ બેંક, મર્ચન્ટ ક્રેડીટ સોસાયટી, મર્ચન્ટ એસોસીએશન જેવી માતબર સંસ્થાઓનો વિકાસ કર્યો. સમાજલક્ષી કાર્યો સાથે શહેરના વેપારીઓના હિતને લગતા પણ કાર્યો કરવામાં કચાસ રાખી નથી. પોતાનો મોટાભાગનો સમય વિવિધ સંસ્થાઓના વિકાસ માટે ખર્ચનાર કિર્તિભાઈ પટેલે લાયન્સ ક્લબના પ્રમુખ પદે શપથ લીધા બાદ લાયન્સ ક્લબ ઓફ વિસનગર ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ રજીસ્ટ્રર કરવાની જાહેરાત કરતાજ રૂા.૨૫૦૦૦/- આપી કાર્યક્રમમાં હાજર ૨૪ સભ્યોએ નામ જાહેર કર્યા હતા. કામ એવુ કરો કે લોકોમાં વિશ્વાસ ઉભો થાય. વિશ્વાસ કેળવી દાન મેળવી સંસ્થાના વિકાસ સાથે લોકોની સેવા કરવાની કિર્તિભાઈ પટેલની આગવી શૈલી અને આવડત છે. કાર્યક્રમમાં વ્યક્તવ્ય દરમ્યાન આર.કે. જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલે કિર્તિભાઈ પટેલના કાર્યોની ભારોભાર પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં હાજર ઈશ્વરભાઈ પટેલ બીરલા શેઠે લાયન્સ ક્લબમાં રૂા.૨૫,૦૦૦/- નુ દાન આપ્યુ હતુ. ગાંધીનગરના જાણીતા બીલ્ડર અંબરવાળા રમેશભાઈ પટેલે વાલમ વૃધ્ધાશ્રમ માટે વોશીંગ મશીન તથા લાયન્સ ક્લબ માટે ઓક્સીજન મશીન ભેટ આપ્યુ હતુ. નવા વર્ષના વરાયેલા લાયન્સ ક્લબના પ્રમુખ કિર્તિભાઈ પટેલે ભોજન સમારંભનુ સૌજન્ય આપ્યુ હતુ. કાર્યક્રમ બાદ સેક્રેટરી તરીકે શપથ લેનાર કાન્તેશ્વર ફાયનાન્સવાળા અજયભાઈ આઈ.પટેલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનુ સંચાલન વિમલભાઈ જાની તથા આશિષભાઈ કંસારાએ કર્યુ હતુ.