Select Page

રામપુરા(કાંસા) શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર

છેલ્લા ત્રણ વર્ષથી મંજુરી મળી છતાં ઓરડા બનાવવામાં આવતા નથી

શાળાના બાળકો ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. ગામના વાલીઓ બાળકોને શાળામાં ભણવા મોકલે છે. પરંતુ તેઓને શાળામાં જાનહાની થવાનો સતત ભય સતાવી રહ્યો છે

વિસનગર તાલુકાના રામપુરા (કાંસા) ગામમાં આઝાદી પહેલા નિર્માણ પામેલી સરકારી પ્રાથમિક શાળાના જર્જરીત ઓરડાઓથી ધો.૧ થી ૮ના ૭૨ બાળકોના માથે સંકટ ઉભુ થયુ છે. આ શાળાના છતના સિમેન્ટના પતરા તુટી જતા નાના વિદ્યાર્થીઓ જીવના જોખમે વર્ગખંડોમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની અદ્યતન સુવિધા સાથે બાળકોને શિક્ષણ આપવાની વાતો પોકળ સાબિત થઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતા જ તમામ પક્ષના રાજકીય નેતાઓએ શિક્ષણ ઉપર રાજનિતી શરૂ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત સરકારની શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાઓને ટાર્ગેટ કરી શિક્ષણ બાબતે રાજ્યભરમાં વિરોધ કરી ભાજપના ૨૭ વર્ષના શાસનની પોલ ખોલી રહ્યા છે. સરકારના આમ આદમી પાર્ટીના નેતાઓના ભારે વિરોધ બાદ ભાજપ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક જીલ્લાની જર્જરીત પ્રાથમિક શાળાઓની સ્થિતિ જાણવા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વિસનગર તાલુકાના રામપુરા (કાંસા) ગામની જર્જરીત સરકારી પ્રાથમિક શાળાનુ છેલ્લા ત્રણ વર્ષથી નિર્માણ કાર્ય અટક્યુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ શાળાની સ્થાપના દેશની આઝાદી પહેલા તા.૧-૧-૧૯૪૬ના રોજ થઈ હતી. એટલે કે, આ સરકારી શાળાનું બાંધકામ ૭૬ વર્ષ જુનુ હોવાથી શાળાના ઓરડાઓની દિવાલોમા તિરાડો પડી છે. શાળાની છતના સિમેન્ટના પતરા તુટી ગયા છે. આ શાળામાં એક શિક્ષકની ઘટ હોવા છતાં ધો.૧ થી ૮મા રાબેતા મુજબ શિક્ષણકાર્ય ચાલે છે. શાળાના શિક્ષકો ભણતરની સાથે બાળકોનુ ઘડતર કરી રહ્યા છે. પરંતુ શાળાના ઓરડાઓ જર્જરીત હાલતમાં હોવાથી તેમજ છતના સિમેન્ટના પતરા તુટી ગયા હોવાથી ગામના વાલીઓ પોતાના ઘડપણની લાકડી કહેવાતા બાળકોને શિક્ષણ અપાવવા માટે બીજી શાળાઓમાં મોકલી રહ્યા છે. અત્યારે આ જર્જરીત શાળામાં ગામના ધો.૧ થી ૮ના ૭૨ જેટલા બાળકો ભયના ઓથાર નીચે એકડો ઘુટી શિક્ષણ મેળવી રહ્યા છે. શાળાના ઓરડાઓ અને છત જર્જરીત હાલતમાં હોવાથી ભવિષ્યમાં જાનહાની સર્જાવાની ભીતી સેવાઈ રહી છે. જોકે ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં પરિસ્થિતી કંઈક જુદી જ જોવા મળે છે. આ અંગે શાળાના આચાર્ય લલીતભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, અમારી શાળાના પાંચ ઓરડાઓ સરકારે મંજુર કર્યા છે. અને નવિન ઓરડાઓ બનાવવા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા પ્રોસેસમા છે તેમ જણાવી તેમને આ જર્જરીત શાળા મર્જ ન થઈ જાય તેવા હેતુથી શાળાના મુદ્દા ઉપર પડદો પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ગામના જાગૃત સરપંચ સુમિત્રાબેન ભરતભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, આ શાળાના ઓરડા છેલ્લા બે-ત્રણ વર્ષથી મંજુર થયા છે છતાં સરકારે આજદીન સુધી શાળામાં નવિન ઓરડાઓ બનાવવા કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. જેથી અમારા ગામના બાળકો બહાર ભણવા જાય છે. ગામના વાલીઓ બાળકોને શાળામાં ભણવા મોકલે છે. પરંતુ તેઓને શાળામાં જાનહાનિ થવાનો સતત ભય સતાવી રહ્યો છે. વાલીઓને પોતાનુ બાળક શાળામાં અભ્યાસ કરીને હેમખેમ ઘરે પરત આવશે કે કેમ તેની સતત ચિંતા સતાવે છે. જો ચોમાસાની ઋતુમા આ જર્જરીત શાળામાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા શાળામાં નવિન ઓરડાઓ બનાવવામા આવે તેવી અમારી માગણી છે. સરપંચ સાથેની મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના ઉપસરપંચ ડાહીબેન કાશીરામભાઈ પટેલ સહિત આગેવાનોએ પણ આ શાળામાં નવિન ઓરડાઓ બનાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનુ જણાવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us