
એમ.એન.કોલેજનો અધિકારીઓની અડોડાઈથી વિકાસ ખોરંભે
ઋષિભાઈ પટેલની કેબીનેટ મંત્રીની વગની કોઈ અસર નહી ?
વિસનગરની ઐતિહાસિક હેરીટેઝ એમ.એન.કોલેજના નવા સાયન્સ બીલ્ડીંગની કાર્યવાહી ગાંધીનગર શિક્ષણ અને નાણા વિભાગના અધિકારીઓની અડોડાઈના કારણે આગળ વધતી નથી. આવીજ પરિસ્થિતિ સિવિલ હોસ્પિટલની છે. ટેન્ડરીંગ થઈ ગયુ પણ કામ શરૂ થતુ નથી. ત્યારે પાલિકા ભવનની ફાઈલ પણ અટકીને પડી છે. મંત્રી બન્યા બાદ નવ માસ થવા છતા મહત્વના વિકાસ કામ આગળ વધતા નથી તેની પાછળ ઋષિભાઈ પટેલ નિષ્ક્રીય છેકે પછી સરકારના વિભાગોમાં વગ ચાલતી નથી તેવી ચર્ચાઓ થઈ રહી છે.
• ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી નહોતા ત્યારે ગ્રાન્ટની મંજુરી મળી અને જમા થઈ, પણ હોસ્ટેલ ડિમોલેશનની મંજુરી મળી નથી
• સિવિલ હોસ્પિટલનુ કામ શરૂ થયુ નથી અને પાલિકા ભવનની ફાઈલ આગળ વધતી નથી
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાજ શહેરના મહત્વના વિકાસ કામ રોકેટ ગતિએ થશે તેવી આશા હતી. પાણી પુરવઠા મંત્રી હોવાથી તેમના વિભાગ દ્વારા વિસનગર જુથ પાણી પુરવઠા યોજનાનુ લોકાર્પણ થયુ, શહેરમાં નર્મદાનુ પાણી મળતુ થઈ ગયુ. પરંતુ આરોગ્ય મંત્રી હોવા છતા વિસનગર સિવિલ હોસ્પિટલનુ ટેન્ડરીંગ થવા છતા કામ શરૂ થતુ નથી. આવીજ પરિસ્થિતિ ઐતિહાસિક તેમજ હેરીટેઝ એમ.એન.કોલેજમાં જોવા મળી રહી છે. ઋષિભાઈ પટેલ મંત્રી પદે નહોતા ત્યારે વર્ષ ૨૦૨૦-૨૧ માં સાયન્સ બીલ્ડીંગ માટે રૂા.૩૧.૨૫ કરોડ, સેમિનાર હૉલ માટે રૂા.૨.૮૭ કરોડ તથા કોલેજના હેરીટેઝ બીલ્ડીંગ માટે રૂા.૨.૩૮ કરોડની મંજુરી મળી હતી. જેની ગ્રાન્ટ માર્ગ મકાન વિભાગના ખાતામાં જમા થઈ ગઈ છે. પરંતુ કામ આગળ વધતુ નથી.
હોસ્ટેલનુ બીલ્ડીંગ છે ત્યા સાયન્સ બીલ્ડીંગ બનાવવાનુ છે. ત્યારે હોસ્ટેલ ડિમોલેશનની ફાઈલ આગળ વધતી નથી. વિસનગર પંથકના સાયન્સના વિદ્યાર્થીઓને એડમીશન માટે બહાર જવુ ન પડે તે માટે ૨૫૦૦ સીટની વ્યવસ્થા ધરાવતી બીલ્ડીંગની મંજુરી માગી છે. રૂા.૩૧.૨૫ કરોડની ગ્રાન્ટ પણ તે પ્રમાણે મંજુર થઈ છે. પરંતુ શિક્ષણ વિભાગ પાસે ૪૦૦, ૮૦૦ અને ૧૨૦૦ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ધરાવતી બીલ્ડીંગની ડિઝાઈન હોવાથી કોલેજમાં ૨૫૦૦ સીટની વ્યવસ્થાની ડિઝાઈન કરેલ ચાર માળની બીલ્ડીંગની મંજુરી મળતી નથી. હોસ્ટેલનુ જૂનુ બીલ્ડીંગ તુટશે તો નવુ બીલ્ડીંગ બનશે. પરંતુ બીલ્ડીંગ ડિમોલેશનની ફાઈલજ આગળ વધતી નથી તો નવુ બીલ્ડીંગ ક્યારે બનશે? તે પ્રશ્ન છે. ગાંધીનગરમાં નાણા વિભાગ અને શિક્ષણ વિભાગમાં એમ.એન.કોલેજની ફાઈલો અટવાઈ પડી છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ બન્ને વિભાગોમાં રૂબરૂ જઈને ભલામણ કરે છે પરંતુ અધિકારીઓ ગાઠતા નથી. જાણવા મળ્યા પ્રમાણે લગભગ પાંચ થી છ વખત ક્વેરી કાઢી ફાઈલ પરત કરવામાં આવી છે. ક્વેરી સોલ્વ કરીને ફરીથી ફાઈલ મુકવામાં આવે છે પણ મંજુરીની મહોર વાગતી નથી.
એમ.એન.કોલેજના ૭૫ મા અમૃત મહોત્સવ પ્રસંગે આગામી સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપવામાં આવ્યુ છે. વડાપ્રધાન હાજરી આપે તેવી પણ શક્યતા છે. પરંતુ હોસ્ટેલ બીલ્ડીંગનુ ક્યારે ડિમોલેશન થશે. સાયન્સ કોલેજ માટે ક્યારે ટેન્ડર પડશે. ક્યારે વર્ક ઓર્ડર અપાશે અને ક્યારે ખાતમુર્હુત થશે તેનુ કોઈ નિશ્ચીત નથી.