
વિસનગર પાલિકા પ્લાસ્ટીક ફ્રી જુલાઈ અંતર્ગત નિષ્ક્રીય

મોબાઈલ શો રૂમ-દુકાનદારો દ્વારા પર્યાવરણ માટે ખતરારૂપ પ્લાસ્ટીક કચરો ઠલવાય છે
પર્યાવરણ જાળવણી તથા માનવજાતિ જોખમમાં ન મુકાય તે માટે સમગ્ર વિશ્વમાં જુલાઈ મહિનાને પ્લાસ્ટીક ફ્રી જુલાઈ તરીકે ઉજવાય છે. ત્યારે વિસનગર પાલિકા પ્લાસ્ટીક ફ્રી જુલાઈ અંતર્ગત નિષ્ક્રીય રહેતા શહેરમાં ખતરારૂપ પ્લાસ્ટીક પ્રદુષણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અત્યારે સફાઈ દરમ્યાન એકઠા કરવામાં આવતા ઘન કચરામાં અડધોઅડધ કચરો પ્લાસ્ટીકનો જોવા મળે છે. પર્યાવરણ જાળવણી માટે પ્લાસ્ટીક વપરાશમાં અંકુશ આવે તે માટે વિસનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે ખુબજ જરૂરી છે.
પ્લાસ્ટીક અમર છે, પ્લાસ્ટીકનુ ઉત્પાદન થાય ત્યારપછી હજ્જારો વર્ષ સુધી તેનો નિકાલ થતો નથી. પ્લાસ્ટીકનો નાશ કરવા તેને સળગાવવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતો ગેસ માનવ જાતી તથા પર્યાવરણ માટે નુકશાનકારક છે. લોકોમાં પ્લાસ્ટીકનો વપરાશ ઘટે, પ્લાસ્ટીક કેટલુ નુકશાનકારક છે તેની જાગૃતિ આવે તે માટે સમગ્ર વિશ્વમાં જુલાઈ મહિનાને પ્લાસ્ટીક ફ્રી જુલાઈ તરીકે ઉજવવામાં આવે છે.
વિસનગરમાં પ્લાસ્ટીક કચરાથી પ્લાસ્ટીક પ્રદુષણ વધ્યુ છે. પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. શાકભાજીના વેપારીઓ ગ્રાહકોને બીન ઉપયોગી પ્લાસ્ટીક થેલીમાં શાકભાજી આપી રહ્યા છે. અત્યારે સૌથી વધુ પ્લાસ્ટીક કચરો મોબાઈલ એસેસરીજની દુકાનો દ્વારા ઠલવાઈ રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો આખો દિવસ સાફ સુથરા હોય છે. જ્યારે દુકાન વધાવવાના સમયે મોબાઈલની દુકાનો આગળ પ્લાસ્ટીક કચરાના ઢગલા જોવા મળે છે. પાલિકાના સફાઈ કામદારો દ્વારા રાત્રી સફાઈ કરી કચરો એકઠો કરવામાં આવે છે. તેમાં અડધો અડધ પ્લાસ્ટીકનો કચરો જોવા મળે છે. પાલિકાના ડમ્પીંગ સાઈટમાં પણ પ્લાસ્ટીક કચરો વધારે જોવા મળે છે.
લગભગ ત્રણેક વર્ષ પહેલા વિસનગર પાલિકા દ્વારા પ્લાસ્ટીકનો સામાન વેચતા વેપારીઓ ઓછા માઈક્રોનની પ્લાસ્ટીક થેલીઓ ન વેચે તે માટે સુચના આપવામાં આવી હતી. શાકભાજીના વેપારીઓ પાસેથી પ્લાસ્ટીક થેલીઓ જપ્ત કરવામાં આવી હતી. લોકો પ્લાસ્ટીક થેલીનો વપરાશ કરવાનુ ટાળે તે માટે શહેરની સંસ્થાઓ દ્વારા કાપડની થેલીઓ આપવામાં આવી હતી. પ્લાસ્ટીકના વેચાણ અને વપરાશ ઉપર રોક લગાવતી કડક કાર્યવાહી અત્યારે પ્લાસ્ટીક ફ્રી જુલાઈમાં ભુલાઈ છે. પર્યાવરણ જાળવણી માટે જેટલુ વૃક્ષારોપણનુ મહત્વ છે તેટલીજ પ્લાસ્ટીક વપરાશ ઉપર રોક લગાવતી કાર્યવાહીની જરૂર છે. આવનારી પેઢી માટે વૃક્ષારોપણ કરીએ છીએ ત્યારે માનવજાત માટે નુકશાનકારક પ્લાસ્ટીકનો વપરાશ ઓછો કરી શકતા તો નથી કે અટકાવી શકાતો નથી. ખરાબ શાકભાજી કે વધેલો ખોરાક પ્લાસ્ટીકની થેલીમાં નાખવાના કારણે રખડતી ગાયોનુ આરોગ્ય પણ જોખમાઈ રહ્યુ છે. વિસનગર પાલિકા તંત્ર પ્લાસ્ટીક ફ્રી જુલાઈ અંતર્ગત પ્લાસ્ટીકનુ વેચાણ તથા વપરાશ ઉપર કડક કાર્યવાહી કરે તે ખુબજ જરૂરી છે.