વિસનગરમાં BLOની કામગીરીમાં વગદારો છટકતા હોવાની ચર્ચા
વિસનગર મામલતદાર કચેરી દ્વારા વગદાર શિક્ષકો તથા અન્ય કર્મચારીઓના બી.એલ.ઓના ઓર્ડર રદ કરી તેમની જગ્યાએ અન્ય શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી સોપતા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યુ છે. ત્યારે પ્રાન્ત અધિકારીશ્રી અને જીલ્લા કલેક્ટરશ્રીએ આ બાબતે તટસ્થ તપાસ કરી બી.એલ.ઓની કામગીરીમાંથી છટકવા માટે ખોટા બહાના બતાવી વહીવટી તંત્રની આંખમા ધુળ નાખતા કર્મચારીઓ સામે કડક પગલા ભરવા જોઈએ.
અગાઉ વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની રજુઆતથી તત્કાલિન મામલતદારે
૧૮૫ જેટલા શિક્ષકો તથા અન્ય કર્મચારીઓના બી.એલ.ઓ.ના ઓર્ડર ઈસ્યુ કર્યા હતા
ચુંટણી પંચના આદેશથી વિસનગર મામલતદાર કચેરી દ્વારા શહેર- તાલુકાના પ્રાથમિક શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, મધ્યાહન ભોજન સંચાલકો સહિતને બી.એલ.ઓની કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાંં અગાઉ કેટલાક વગ ધરાવતા આળસુ શિક્ષકો યેનકેન પ્રકારે પોતાનો ઓર્ડર રદ કરાવી તંત્રની આંખમા ધુળ નાખી બી.એલ.ઓની કામગીરીમાંથી છટકી જતા હતા. જેના કારણે અન્ય શિક્ષકોના માથે કામનુ ભારણ વધતા તેઓ માનસિક તણાવ અનુભવતા હતા. પરંતુ નોકરીમા હેરાનગતી થવાના ડરથી તેઓ કોઈપણ અધિકારી સમક્ષ પોતાની વેદના રજુ કરી શકતા ન હતા. આ બાબત અગાઉ વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોને ધ્યાને આવતા તેમને તત્કાલિન મામલતદાર બી.જી.પરમાર અને તત્કાલિન પ્રાન્ત અધિકારી સી.સી.પટેલની મુલાકાત લઈ ત્રણ વર્ષથી વધુ સમય બી.એલ.ઓની કામગીરી કરનાર પ્રાથમિક શિક્ષકોના ઓર્ડર રદ કરી તેમની જગ્યાએ નવા શિક્ષકો તથા અન્ય કેડરના કર્મચારીઓ તેમજ વારંવાર છટકબારી શોધતા શિક્ષકોને બી.એલ.ઓની કામગીરી સોંપવા રજુઆત કરી હતી. શિક્ષક સંઘની અસરકારક રજુઆતને ધ્યાને રાખી તત્કાલિન મામલતદાર અને પ્રાન્ત અધિકારીએ શિક્ષકોના ઓર્ડરની ચકાસણી કરીને નવા ૧૮૫ જેટલા શિક્ષકો, આંગણવાડી કાર્યકરો તથા મધ્યાહન ભોજન સંચાલકોના બી.એલ.ઓની કામગીરીના ઓર્ડર ઈશ્યુ કર્યા હતા. છતાં ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાના કેટલાક વગદાર આળસુ શિક્ષકો તથા અન્ય કર્મચારીઓએ ખોટા બહાના બતાવી બી.એલ.ઓ.ની કામગીરીના પોતાના ઓર્ડર રદ કરાવ્યા હોવાનુ ચર્ચાય છે. આ બાબતે નાયબ મામલતદાર મુકેશભાઈ પરમારનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે, અત્યારે વિસનગર તાલુકાના શિક્ષકોમાં પુરૂષો કરતા બહેનોની સંખ્યા વધુ છે. જેમાં શિક્ષિકા બહેનો યુવાન છે. તેઓ પોતાનુ બાળક નાનુ હોવાનુ તથા અન્ય સામાજીક કારણ દર્શાવી બી.એલ.ઓની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગણી કરી રહ્યા છે. જ્યારે નિવૃતિના બે વર્ષ બાકી હોય તેવા શિક્ષકોની નિયમોનુસાર બી.એલ.ઓની કામગીરી સોંપી શકાતી નથી. મોટી વયના શિક્ષકોને મોબાઈલમાં ઓનલાઈન કામગીરી ફાવતી નથી. અને મધ્યાહન ભોજન સંચાલકો પાસે સાદો ફોન છે. એન્ડ્રોઈડ ફોન રાખતા નથી. જેથી તેમને કામગીરીનો ઓર્ડર આપતા નથી. જોકે આજના આધુનિક જમાનામાં દરેક ભાઈ-બહેન પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન હોય છે. આતો બી.એલ.ઓની કામગીરીમાંથી છટકવા માટે ખોટા બહાના બતાવી તંત્રની આંખમાં ધુળ નાખી રહ્યા છે. ત્યારે વિસનગર પ્રાન્ત અધિકારી રામનિવાસ બુગાલીયા તથા જીલ્લા કલેક્ટર ડા.ઉદીત અગ્રવાલ બી.એલ.ઓ.ના ઓર્ડરની તપાસ કરી તંત્રની આંખમા ધુળ નાખી છટકબારી શોધતા શિક્ષકો તથા અન્ય કર્મચારીઓને ફરજનુ ભાન કરાવે તે જરૂરી છે.