Select Page

જેતલવાસણા શાળાના બાળકો હવે હોસ્પિટલમાં અભ્યાસ કરવા મજબુર

વાલીઓએ બાળકોને શાળામાં નહી મોકલવાના નિર્ણયથી શિક્ષણતંત્ર દોડતુ થયુ

વિસનગર તાલુકાના જેતલવાસણા ગામમાં જર્જરીત પ્રાથમિક શાળાનું નવિન મકાન બનાવવાનું કાર્ય છેલ્લા બે વર્ષથી ખોરંભે પડતા શાળાના ધો.૧ થી ૮ના ૨૦૮ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યુ છે. જ્યારે ભાજપના નેતાઓ ગુજરાતમાં આધુનિક સુવિધા સાથે બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાના જાહેરમા બણગા ફુંકી રહ્યા છે. ભાજપના નેતાઓ કુંભકર્ણની નિદ્રામાથી ઉઠી પહેલા આ જર્જરીત પ્રાથમિક શાળાનું નવિન મકાન બનાવવાની યુધ્ધના ધોરણે કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માગણી છે.
ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપનુ એક હથ્થુ શાસન ચાલી રહ્યુ છે. ભાજપના નેતાઓ રાજ્યમાં દરેક ક્ષેત્રે હરણફાળ વિકાસ થયો હોવાના જાહેરમાં ભણગા ફુંકતા હતા. પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ પેસારો કરતા ભાજપના ટોચના નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતના વિકાસ મોડેલને લઈને ભાજપ સરકારને ઘેરી રહ્યા છે. જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત સરકાર અને દિલ્હી સરકારની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે એકબીજા ઉપર દોષારોપણ કરી રાજનિતિ શરૂ કરી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓની મુલાકાતો લઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાની પોલ ખોલી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં ભાજપના ૨૭ વર્ષના એક હથ્થુ શાસનનો અંત લાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે પોતાના ૨૭ વર્ષના એક હથ્થુ શાસનને ટકાવી રાખવા માટે ભાજપના નેતાઓ તમામ પ્રકારના રાજકીય કાવાદાવા કરી રહ્યા છે. જેમાં અત્યારે ભાજપ સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાઓમાં સુધારો લાવવા માટે શિક્ષણ વિભાગને દોડતુ કર્યુ છે. પરંતુ શિક્ષણ ખાતાના અધિકારીઓની નિષ્ક્રીયતાના લીધે આજે રાજ્યમાં કેટલીય સરકારી પ્રાથમિક શાળાઓ જર્જરીત હાલતમાં પડી છે. જેમાં વિસનગર તાલુકાની જેતલવાસણા ગામની પ્રાથમિક આદર્શ શાળા જર્જરીત થતા શાળાના ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે શાળાથી ૧ કી.મી.દુર આવેલ શ્રી માધાભાઈ રામજીદાસ સર્વ વિદ્યાલયમાં વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ હાઈસ્કુલમાં જવાના રસ્તે ગામના વરસાદી પાણીના નિકાલનો વહેળો છે. શાળામાં આવતા જતા નાના વિદ્યાર્થીઓ ચોમાસાના વરસાદમાં પાણી ભરાવાથી વહેળામાં ડુબી જાય તેવો ગ્રામજનોને ભય સતાવતો હતો. ત્યારે ગ્રામ પંચાયતે તા.૧૬-૬-૨૦૨૨ના રોજ ગ્રામસભામાં ધો.૧ થી ૫ ના નાના બાળકો માટે શાળાની નજીક આવેલ સાર્વજનિક હોસ્પિટલના મકાનમાં વૈકલ્પીક વ્યવસ્થા કરવાનો ઠરાવ કર્યો હતો. અને આ ઠરાવના બીજા દિસવે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિસનગરને મોકલી આપ્યો હતો. પરંતુ ગમે તે કારણોસર ટી.પી.ઓ. સંગીતાબેન પટેલે આ બાબતે કોઈ નિર્ણય નહી લેતા વાલીઓએ ગત સોમવારથી પોતાના બાળકોને શાળામાં નહી મોકલવાનો અડગ નિર્ણય લીધો હતો. જોકે ટી.પી.ઓ સંગીતાબેન પટેલે સોમવારના દિવસે સવારે ૧૦-૨૦ કલાકે શાળાના આચાર્યને મૌખીક સુચના આપી ધો.૧ થી ૫ના બાળકોને ગામની સાર્વજનિક હોસ્પિટલના મકાનમાં તાત્કાલિક શિક્ષણની વ્યવસ્થા કરવાનો આદેશ કરતા મામલો થાળે પડ્યો હતો. અત્યારે ભાજપના નેતાઓ અને શિક્ષણ ખાતાના અધિકારીઓની નિષ્ક્રીયતાના લીધે જેતલવાસણા ગામની સરકારી પ્રાથમિક શાળાના ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે છેલ્લા સવા વર્ષથી રઝળપાટ કરી રહ્યા છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરતી ભાજપ સરકાર આ સરકારી પ્રાથમિક શાળા બનાવવાનુ કાર્ય યુધ્ધના ધોરણે શરૂ નહી કરાવે તો આગામી વિધાનસભાની ચુંટણીમાં તેનુ ભારે નુકશાન થઈ શકે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us