લાયન્સ ઓક્સિજન બાયપેપ સેવા સેન્ટરનો શુભારંભ કરાયો
લાયન્સ ક્લબ વિસનગર અને કોપર સીટી ગ્રુપના સંયુક્ત પણે
વિસનગર શહેરમાં કોપર સીટી ગ્રુપ દ્વારા સતત અને સતત એક પછી એક સેવાના નવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હમણાં એક નવું પીછું ઉમેરાયું છે જેનું નામ છે લાયન્સ ઓક્સિજન બાયપેપ સેવા સેન્ટર. કોપર સીટી ગ્રુપ દ્વારા અન્ય સેવાકીય સંસ્થાઓ સાથે જોડાણ કરીને નવી નવી સેવા ઉભી કરવાનું મહાઅભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં રોટરી ક્લબ ઓફ વિસનગર સાથે નિદાન કેમ્પ દ્વારા ડાયાબિટીસ અને બીપીના ચેકઅપ કરવાનું અભિયાન હાથ ધરેલ છે. જેના ઘણા બધા કેમ્પ કરી સારી સફળતા મળી છે. આ સફળતા બાદ ફરી એક વાર લાયન્સ ક્લબ ઓફ વિસનગર સાથે સેવાકીય જોડાણ કરી લાયન્સ ક્લબ ઓફ વિસનગર અને કોપર સીટી ગ્રુપના સહયોગથી સંયુક્ત રીતે લાયન્સ ઓક્સિજન બાયપેપ સેવા સેન્ટર શુભારંભ કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ બાયપેપ મશીન એટલે શું ? એ સમજી લઈએ. કોઈપણ દર્દીને ઓક્સિજનની જરૂર છે અને તેના માટે ઓક્સિજન મશીન ઉપલબ્ધ છે, છતાં ઓક્સિજન મશીન કામ આપતું નથી. તેવા સંજોગોમાં ઓક્સિજન મશીન અને દર્દી વચ્ચે બાયપેપ મશીનનો જોડાણ કરી બાયપેપ મશીન દ્વારા દર્દીને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. આ સારવારમાં દર્દીને દવાખાનામાં રહેવાની જરૂર નથી પોતાના ઘરે જ ટ્રીટમેન્ટ લઈ શકશે. જેથી દવાખાનામાં રહેવાના મોટા ખર્ચમાંથી બચી જશે. બાયપેપ મશીન આમ તો રૂા.૬ લાખ જેટલી કિંમતમાં ખૂબજ મોંઘા આવે છે.પરંતુ ઘરે વપરાશ કરી શકાય તેવા બાયપેપ મશીનની કિંમત રૂા.એક લાખ આસપાસના હોય છે. આ મશીનો લાયન્સ ઓક્સિજન બાયપેપ સેન્ટરમાં વસાવવામાં આવશે. અને જે જરૂરિયાતમંદ દર્દીઓના ઘરે સેવા સ્વરૂપે આપવામાં આવશે.
કોપર સીટી ગ્રુપના દરેક કાર્યક્રમમાં મુખ્ય એવા રાજુભાઈ કે.પટેલ કે જેઓ વિસનગરના ભામાશા તરીકે ઓળખાય છે. તેમને આ સેવા સેન્ટરમાં પણ પોતાનો કોપર સીટી ક્રેડિટ સોસાયટીના બાજુનો હોલ હાલ પૂરતો વિનામૂલ્યે ભાડાથી આપવામાં આવવાની જાહેરાત કરી છે. હાલમાં કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન દ્વારા એક બાયપેપ મશીન ભેટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ આખા પ્રોજેક્ટના ચેરમેન તરીકે પટેલ ભરતભાઈ ભોળાભાઈ જવાબદારી સંભારી છે. લાયન્સ ક્લબના સર્વે હોદ્દેદારો અને કોપર સીટી ગ્રુપના સર્વે હોદ્દેદારોએ આ ઉદઘાટન સમારંભમાં હાજરી આપીને આ સેવા સેન્ટરને સફળ બનાવવા માટે મહેનત કરવા તૈયારી બતાવી હતી. તેમજ કોપર સીટી ક્રેડિટ સોસાયટીના ચેરમેન રાજુભાઈ કે.પટેલ, કોપર સીટી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પટેલ, લાયન્સ તથા કોપર સીટીના અગ્રણી કિર્તીભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમની અને સેવા સેન્ટર ની ભવિષ્યની રૂપરેખાઓ આપી હતી. આ સેવા સેન્ટરમાં બાયપેપ મશીનની સાથે ઓક્સિજન મશીનો, મેડિકલ કોર્ટ, મેડિકલ બેડ, મેડિકલ ચેર અને તેના જેવા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વિસનગરની આમ જનતા માટે વિનામૂલ્ય સેવા અર્થે આપવામાં આવશે. જે માટે કિર્તીભાઈ જે. પટેલે જણાવ્યું કે જરૂરિયાત મંદો એ આવા સાધનો મેળવવા માટે કોપર સીટી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં સવારે ૮ઃ૦૦ થી બપોરના ૨.૦૦ કલાક સુધી સંપર્ક કરવાનો રહેશે. તે માટે ડિપોઝિટ લેવામાં આવશે. પરંતુ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પરત કરવાથી ડિપોઝિટ પરત આપવા પાત્ર રહેશે.
લાયન્સ ઓક્સિજન બાયપેપ સેવા સેન્ટર ના શુભારંભ પ્રસંગે જ દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. જેમાં કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન દ્વારા એક બાયપેપ મશીન ભેટ અને ચાર ઓક્સિજન મશીન લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ તરફથી અને એક મશીન પટેલ રમેશભાઈ પટેલ અંબર તરફથી સપ્રેમ ભેટ આપવાનું જાહેર કરેલ હતું. ઉપરાંત એક મેડિકલ કોર્ટ અને બેડ પટેલ ભરતભાઈ ભોળાભાઈ તરફથી અને બીજો એક મેડિકલ કોર્ટ અને બેડ સાકાર ડાયમંડ જેઠાભાઈ પ્રજાપતિ તરફથી આપવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત બે મેડિકલ ચેર કિર્તીભાઈ જે.પટેલ તરફથી, ચાર વોકર શૈલેષભાઈ પટેલ નવરંગ જ્વેલર્સ તરફથી, રૂા.૧૧,૦૦૦/- રાવલ રાજેશભાઈ ભગવાનભાઈ, રૂા.૫૦૦૦/- સ્વર્ગસ્થ મોદી રજનીકાંત હસ્તે મોદી કપિલભાઈ રજનીકાંત, રૂા.૫૦૦૦/- રાજા સ્ટીલ હસ્તે જયંતીભાઈ પટેલ, રૂા.૫૦૦૦/-ધર્મેન્દ્રભાઈ પટેલ સરદાર મંડપ વાળા અને રૂા.૫૦૦૧ સ્વ.સુથાર સમુબેન રેવાભાઈના સ્મરણાર્થે હાજીપુર હસ્તે સુથાર જશવંતભાઈ રેવાભાઈ તરફથી જાહેર કરવામાં આવ્યા હતા. કિર્તીભાઈ પટેલે જણાવેલ કે જેમને ઈશ્વરે અને માં લક્ષ્મીએ ધનવાન બનાવેલ છે, તેવા ધનવાનો એ દાન કરવાની ઉત્તમ તક અને ઉત્તમ સ્થાન મળી રહ્યું છે. જેનો લાભ લેવા જણાવેલ છે. જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા લાયન્સ ઓક્સિજન બાયપેપ સેવા સેન્ટરને મદદરૂપ બનવા હાકલ કરી છે. તેમને જણાવ્યું કે અત્યારે કોરોના સિવાય ઘણા બધા એવા દર્દો છે કે જેમાં દર્દીઓને બાયપેપ મશીન ની જરૂર પડે છે અને જે માટે આ સેવા સેન્ટર ચાલુ કરવામાં આવી છે.કોપર સીટી ગ્રુપમાં સર્વે અને બધા જ જેમનો આદર કરે છે એવા સફળ સંચાલક કિર્તીભાઈ પટેલે જેમને કોપર સીટી ગ્રુપને ખૂબજ ઊંચા સ્થાને મૂકી દીધું છે અને હવે લાયન્સ ક્લબ ઓફ વિસનગરનું નેતૃત્વ સંભાળતાની સાથેજ ભવ્ય શપથવિધિ કાર્યક્રમ કર્યા બાદ પ્રથમ જ મહિનામાં ત્રણ જેટલા રક્તદાન કેમ્પનું આયોજન, રથયાત્રામાં જલ સેવા કેમ્પ, વાલમ આશ્રમ ખાતે વૃદ્ધાશ્રમમાં એક વોશિંગ મશીન ભેટ અને ફ્રૂટ વિતરણ, સ્કૂલોમાં બાળકોને ભોજન, બાળકોને રાષ્ટ્ર પ્રેમ વિશે સંસ્કારી જ્ઞાન અભિયાન, નેત્ર નિદાન કાર્યક્રમ, મોતીયા ઓપરેશન, વૃક્ષારોપણ, ગુરુપૂર્ણિમાએ ગુરુ વંદના, વિસનગર સર્વે રોડ ઉપર લાયન્સ ક્લબ વેલકમ બોર્ડ, ગરીબ પરિવારોને ફૂટ વિતરણ જેવા અનેક કાર્યક્રમો પ્રથમ મહિનામાં જ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યક્રમથી લાયન્સ ક્લબનું પણ કોપર સીટી ગ્રુપની જેમ જ નામ રોશન થઈ રહ્યું છે. આ સતત કાર્ય કરવાની એક પોઝિટિવ ઉર્જા કુદરત તરફથી કિર્તીભાઈ પટેલને મળેલી કુદરતની અનમોલ ભેટ છે. જે બધાને મળતી નથી. આમ છતાં પણ તેઓ પોતાના શિરે બધી જ સફળતાનો યસ અને જશ લેતા નથી. પરંતુ સર્વ સફળતા પોતાના સાથી મિત્રોને અને આશીર્વાદ આપતા વડીલોને જ આપી રહ્યા છે, કે જેમના આશીર્વાદથી જ આ બધું થઈ રહ્યું છે. અને જેના કારણે તેમને માન સન્માન વધુ મળી રહ્યું છે.