ગટરના ખાડામાંથી નર્મદાની લાઈન નીકળતા કોલેરા ફાટી નિકળશે
વિસનગર પાલિકા તંત્ર એટલુ રેઢીયાળ અને નિંદ્રાધીન બની ગયુ છેકે શહેરીજનોના આરોગ્યને લગતી રજુઆત હોય છતા જાગતુ નથી. નર્મદાની લાઈન ગટરના ગંદા પાણી ભરેલા ખાડામાંથી પસાર થાય છે. જે બાબતે પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ દ્વારા રજુઆત કરવામાં આવી છે. પરંતુ છેલ્લા દોઢ માસથી ખાડો પુરવાની કામગીરી કરવામાં આવતી નથી. બીજા ખાડામાં વાટામાંથી પાણી પાઈપમાં ઉતરે છે. પીવાના શુધ્ધ પાણીની રૂા.૧૫૦ કરોડની જુથ યોજના ઉપર પાલિકાની નિષ્ક્રીયતાથી પાણી ફરી વળ્યુ છે.
વિસનગર શહેરને શુધ્ધ પીવાનુ પાણી પુરૂ પાડતી રૂા.૧૫૦ કરોડની જુથ યોજનાની લાઈન ખેરાલુ રોડ ઉપર હિરો હોન્ડા શો-રૂમની બાજુના રસ્તામાંથી પસાર થાય છે. આ પાઈપલાઈન સર્વે નં.૩૦૫ માં આવે છે. પાઈપલાઈનના જોઈન્ટ મારવા માટે દોઢ માસ પહેલા ખાડા કરવામાં આવ્યા હતા. વિસનગરમાં નર્મદાનુ પાણી શરૂ થઈ ગયુ છે પરંતુ ખાડા પુરવામાં નહી આવતા અંદર ગંદુ પાણી ભરાઈ રહ્યુ છે. હોન્ડા શો-રૂમની બાજુમાં આવેલ ખાડામાં ગટરનુ પાણી ભરાય છે. જ્યારે આ રસ્તાના બીજા છેડે પાઈપલાઈનના જોઈન્ટ માટે કરવામાં આવેલ ખાડામાં પણ ગંદુ પાણી ભરાયેલુ રહે છે. જોઈન્ટ ઉપર વાટો કરવામાં આવ્યો છે પરંતુ લીકેજ હોવાથી ખાડો ભરાય છે અને પાણી બંધ થાય ત્યારે ખાડામાં ભરાયેલ ગંદુ પાણી લીકેજમાંથી પાઈપલાઈનમાં ઉતરે છે.
નર્મદાની લાઈન ચાલુ કરી ત્યારથી આવી પરિસ્થિતિ છે. પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈ આ વિસ્તારમાં રહેતા હોવાથી ગટરનુ પાણી પાઈપમાં ઉતરતુ હોવા બાબતે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને લાગતા વળગતા સભ્યોને ત્રણથી ચાર વખત ધ્યાન દોર્યુ છે. પરંતુ શહેરના લોકોના આરોગ્યની સત્તાધિશોને કોઈ ચીંતા નથી.
શામળભાઈ દેસાઈએ જણાવ્યુ છેકે, પાઈપલાઈનમાં ફોર્સથી પાણી છોડવામાં આવે ત્યારે લીકેજમાંથી પાણી ફૂટે છે. આ ગંદુ પાણી ફરી પાઈપમાં ઉતરે છે. હોન્ડા શો-રૂમની બાજુમાંતો ખાડામાં દુર્ગંધ મારતુ પાણી ભરાયેલુ રહે છે. જેમાંથી પીવાના પાણીની લાઈન પસાર થાય છે. પાલિકા સત્તાધિશોની નિષ્કાળજીના કારણે રૂા.૧૫૦ કરોડની યોજના ઉપર પાણી ફરી વળ્યુ છે. ત્રણ થી ચાર વખત રજુઆત કરવા છતાં ખાડા પુરવામાં આવતા નથી. પાલિકા તંત્ર તાત્કાલીક કામગીરી નહી કરે તો આખા શહેરમાં કોલેરા ફાટી નિકળશે. શામળભાઈ દેસાઈએ એ પણ જણાવ્યુ છેકે, ખાડા પુરવામાં નહી આવતા હોન્ડા શો-રૂમની બાજુથી પટણી દરવાજા ફાટક તરફના આ રોડ ઉપર અવરજવર બંધ થઈ ગઈ છે. લોકોને માટેલ હોટલ બાજુથી અવરજવર કરવી પડે છે.
જુથ યોજના ઉપર પાણી ફેરવી નાખ્યુ-શામળભાઈ દેસાઈ