Select Page

નૂતન હોસ્પિટલે ખોટી રીતે બિલ વસુલ્યાના આક્ષેપને વખોડ્યો

નૂતન હોસ્પિટલે ખોટી રીતે બિલ વસુલ્યાના આક્ષેપને વખોડ્યો

પંથક માટે આશિર્વાદરૂપ હોસ્પિટલ વિરુધ્ધની નાની સરખી અરજીનો કાગનો વાઘ કરવા પાછળનુ રહસ્ય શું?

  • પંથકના લોકોને નૂતન હોસ્પિટલમાં અદ્યતન તબીબી સારવાર મળી રહે તેવા પ્રકાશભાઈ પટેલના પ્રયત્નો બીરદાવવાની જગ્યાએ અંગત સ્વાર્થમાં ખોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે
  • હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ર્ડા.પંકજભાઈ નિંબાલકરે આધાર પુરાવાઓ રજુ કર્યા
હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ઓપરેશન નહી કરવા છતા માઁ અમૃતમ કાર્ડમાંથી એપ્રુવલ મેળવી દર્દિ પાસેથી પણ ગેરકાયદેસર બિલ વસુલ્યુ હોવાનો નૂતન હોસ્પિટલ વિરુધ્ધ આક્ષેપ કરાયો હતો. જેમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે પુરાવા રજુ કરી આક્ષેપને વખોડ્યો હતો. નૂતન હોસ્પિટલ પંથક માટે આશિર્વાદરૂપ છે ત્યારે નાની સરખી પાયા વગરની અરજીમાં કાગનો વાઘ કરી હોસ્પિટલને બદનામ કરવા પાછળનુ રહસ્ય શુ છે તે સમજાતુ નથી. ખરેખર તો આવા તત્વો હોસ્પિટલનુ નહી પરંતુ લોકોને જે સેવા મળી રહી છે તેનુ અહિત કરી રહ્યા છે.
વિસનગર પંથકના લોકોને નૂતન જનરલ હોસ્પિટલ થકી સારામાં સારી અદ્યતન તબીબી સેવાઓ મળી રહે તે માટે એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા સરાહનીય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નૂતન હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને અદ્યતન તબીબી સુવિધાઓના કારણે મોટા શહેરોમાં લાખ્ખો રૂપિયાના ખર્ચે થતા ઓપરેશનની સુવિધા ઘર આંગણે હોસ્પિટલમાં મળી રહી છે. તાત્કાલીક સારવારમાં જેમને નૂતન હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે તે સમજે છેકે આ હોસ્પિટલનુ કેટલુ મહત્વ છે. ત્યારે પ્રકાશભાઈ પટેલના પ્રયત્નો બીરદાવવાની જગ્યાએ નાની નાની બાબતોમાં જે હોબાળા અને વિરોધ કરવામાં આવી રહ્યો છે તે વખોડવા લાયક છે. તબીબી સુવિધાઓ અને સારવાર આપતી નૂતન હોસ્પિટલનો વિરોધ કરતા તત્વોને શહેરીજનોએ ઓળખવા જોઈએ અને જાકારો આપવો જોઈએ.
નૂતન હોસ્પિટલ વિરોધમાં એક એવી ફરિયાદ કરતી અરજી થઈ હતી કે, ભોળાભાઈ પટેલ નામના ૮૦ વર્ષના વૃધ્ધને પ્રોસ્ટેટના ઓપરેશન માટે દાખલ કરાયા હતા. જે ઓપરેશન માટે માઁ અમૃતમ કાર્ડમાંથી રૂા.૨૭,૫૦૦/- મંજુર થયા હતા. કોઈ કારણસર ર્ડાક્ટરે ઓપરેશન કર્યુ નહોતુ અને ડિસ્ચાર્જ કરાયા હતા. ત્યારે માઁ અમૃતમ કાર્ડનુ એપ્રુવલ મળેલ છતા રૂા.૨૦,૦૦૦/- ગેરકાયદેસર રીતે વસુલ કરવામાં આવ્યા છે. માઁ અમૃતમ કાર્ડ આધારે દર્દિ દાખલ થતુ હોય તો ઓપરેશન તથા દવાનો ખર્ચ સરકાર ચુકવતી હોય છે. ત્યારે હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર બિલ વસુલી સરકારી નાણાંનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે. આવી અરજી આધારે જાણ્યા વગર સોશિયલ મીડિયામાં હોસ્પિટલ દ્વારા ગેરરીતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ તથા નૂતન હોસ્પિટલની ઈમેજ ખરડાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ બાબતે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ર્ડા.પંકજભાઈ નિંબાલકરેે આધાર પુરાવાઓ સાથે જણાવ્યુ હતું કે, ભોળાભાઈ પટેલ નામના વૃધ્ધને તા.૧૮-૬ ના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ર્ડાક્ટરે નિદાન કરતા પ્રોસ્ટેટની તકલીફ હોવાનુ જણાયુ હતુ. દર્દિએ આયુષ્યમાન કાર્ડ રજુ કરતા ઓપરેશન ખર્ચ માટે સરકારમાં મંજુરી માગી હતી. ઓપરેશન માટે તમામ રીપોર્ટ કરવામાં આવતા દર્દિને ઈન્ફેક્શનનુ પ્રમાણ વધારે હતુ. ન્યુમોનિયાની અસર હતી અને બ્લડપ્રેશર પણ વધારે હતુ. આવી કંડીશનમાં દર્દિનું ઓપરેશન જોખમી હોવાથી ઓપરેશન પેન્ડીંગ રાખવામાં આવ્યુ હતુ. હોસ્પિટલમાં બી.પી., ન્યુમોનિયા અને ઈન્ફેક્શનની સારવાર આપવામાં આવી હતી. દર્દિની સુચનાથી તા.૨૭-૬ ના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારને ઓપરેશન કેન્સલ કર્યુ હોવાની ઓનલાઈન જાણ કરવામાં આવી હતી. પ્રોસ્ટેટ ગ્રંથીના ઓપરેશન માટે રૂા.૨૭,૫૦૦/- સરકારે પેકેજ નક્કી કર્યુ છે. ત્યારે ઓપરેશન પેકેજનો ચાર્જ રૂા.૨૭,૫૦૦/- નૂતન હોસ્પિટલને મળ્યા નથી. દર્દિના એકાઉન્ટમાંથી પણ કપાયા નથી. આ રકમ બ્લોક કરવામાં આવી છે. જે રૂા.૨૦,૦૦૦/- નુ બીલ વસુલવામાં આવ્યુ છે તેમાંથી રૂા.૧૭,૦૦૦/- તો ભારેમાના ઈન્જેક્શન અને દવાઓની સારવારનુ બિલ છે. મેડિકલ સ્ટોરનુ બીલ છે. સંસ્થા દ્વારા કોઈ ખોટો ચાર્જ લેવામાં આવ્યો નથી. સુપ્રિન્ટેન્ડેન્ટે સરકારમાં ઓનલાઈન જાણ કર્યાના રીપોર્ટ પણ રજુ કર્યા હતા. હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર રીતે પૈસા વસુલ્યાના આક્ષેપને વખોડ્યો હતો. નૂતન હોસ્પિટલને બદનામ કરવા જે વારંવાર પ્રયત્નો કરવામાં આવે છે તે બંધ કરવા જોઈએ. અંગત રાગદ્વેષમાં સંસ્થાને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us