Select Page

દારૂના બુટલેગરોના ગળામાં ભાજપ સરકારના રાજમાં ક્યારે ગાળીયો નંખાશે?

દારૂના બુટલેગરોના ગળામાં ભાજપ સરકારના રાજમાં ક્યારે ગાળીયો નંખાશે?

તંત્રી સ્થાનેથી…

અમદાવાદ શહેરમાં ૨૦૦૯ ની સાલમાં ઝેરી લઠ્ઠો (દારૂ) પીવાથી અસંખ્ય લોકો મોતને ઘાટ ઉતરી ગયા હતા. જેનો સરકારી આંકડો ઓછો હતો પણ બિન સત્તાવાર આંકડો ઘણો મોટો હતો. અમદાવાદમાં બનેલ આ લઠ્ઠાકાંડની સૌ કોઈના ચહેરા ઉપર દુઃખ અને કરુણાની લાગણી છવાઈ ગઈ હતી. ચારેબાજુ અરેરાટી પ્રસરી ગઈ હતી. તે વખતે સિવિલ હોસ્પિટલ અને એલ.જી.હોસ્પિટલમાં લઠ્ઠો પીધેલા કેસો ઠલવાઈ રહ્યા હતા. નજરે જોનારના જણાવ્યા મુજબ તે સમયે લાશોના ઢગલા થયા હતા. કોઈએ પરિવારનો એકનો એક દિકરો ખોયો હતો તો કોઈએ ઘરના મોભી ગુમાવ્યા હતા. કોઈ સ્ત્રીએ પોતાનો પતિ ગુમાવ્યો હતો. આ બનાવ પછી પણ ઝેરી દારૂના છૂટક બનાવો બન્યા હતા. પરંતુ સૌથી પહેલો લઠ્ઠાકાંડ સર્જાયો તેની યાદ આવતા હૃદય કંપી જાય છે. આ પરિસ્થિતિજ એવી હતી કે ન્યુઝ પેપરના પહેલા પાને લાશોના ખડકલા દેખાતા હતા. સ્મશાનમાં લાકડા ખૂટ્યા હતા. દટાયેલી લાશો ઉપર એક ઉપર એક લાશ દાટવાની વાતોએ પણ ચકચાર જગાવી હતી. તે વખતે અમદાવાદીઓના હોઠ ઉપર કેવળ અરેરાટી હતી. દુઃખ પીડા અને કલ્પાંતની કથાજ ઘૂમરાતી હતી. તે વખતે જે લોકો દારૂના બંધાણી હતા તે મોતને ઘાટ ઉતર્યા હતા. અમદાવાદ જેવીજ કરુણાંતિકા હમણાં ધંધૂકા બરવાળા પંથકને ધમરોળી રહી છે. જેમાં મૃત્યુનો બીન સત્તાવાર આંકડો ૭૦ છે સત્તાવાર આંકડો ૪૨ છે. ક્યાં શું થયું, કેવી રીતે થયું, ઝેરી દારૂનુ કેમીકલ કઈ રીતે આવ્યું તેનીજ વાતો ચારેબાજુ ચર્ચાઈ રહી છે. આ ગોઝારી ઘટના અમદાવાદની ઘટનાને યાદ અપાવી રહી છે. ભાજપના રાજ્યમાં આ નવી ઘટનાથી આજે આખુ ગુજરાત ગંભીર દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી છે. પણ ગુજરાતનું એકપણ સ્થળ એવું નથી કે જ્યાં દારૂ ન મળતો હોય. ગુજરાતમાં શરાબના ખરીદ-વેચાણ ઉપર જોર છે. દારૂબંધી હોવા છતા ગેરકાનૂની લઠ્ઠાના શરાબના ઉપયોગથી મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. જે ચિંતાજનક છે. તમામ પ્રતિબંધો હોવા છતાં કયા માધ્યમથી લોકો સુધી દારૂ પહોચે છે આ ઘટના પોલીસ અને પ્રસાશનની નિષ્ફળતા સાથે મીલીભગત સામે ઈશારો કરે છે. લઠ્ઠો શું છે? તે એક પ્રશ્ન છે. મહુડાનો દેશી દારૂ માણસને મારી નાંખતો નથી, દેશી દારૂ પીનારની મગજ ઉપર અસર થાય છે. લાંબા ગાળા સુધી દારૂ પીવાથી મગજ તેનાથી ટેવાઈ જાય છે. મગજને વધુ બેભાન કરવા માટે વિદેશી દારૂ એક માધ્યમ છે. વિદેશી દારૂ મોંઘો હોવાથી મધ્યમ વર્ગ ગરીબોને પોષાતો નથી. તેથી તેનો પર્યાય શોધવામાં આવ્યો છે. મીથેનોલનો ઉપયોગ કરી લઠ્ઠો બનાવવામાં આવે છે. જેની અસર દેશી દારૂ કરતાં વધારે છે. વધાર પડતો મીથેનોલનો ઉપયોગ ઝેર બની જાય છે. પીનારનુ ંમૃત્યુ થાય છે. ગુજરાત રાજ્યને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરો અડે છે. આ ત્રણે રાજ્યોમાં દારૂબંધી નથી તેથી પોલીસ અને પ્રસાશનની મીઠી નજર નીચે આ રાજ્યોમાંથી દારૂ આવે છે. અમદાવાદ જેવા શહેરમાં તો માણેકચોકમાં નાસ્તાની લારીઓ ઉપર છુટથી દારૂ પીવાય છે. આ લોકો દારૂના બુટલેગરો એટલા વગદાર છેકે પોલીસ ત્યાં આગળ લાચાર છે. ગેરકાનૂની શરાબના નિર્માણ, વેચાણ એન તેની આયાત કેવીરીતે રોકી શકાય? તે એક પ્રશ્ન છે. સરકારે નક્કિ કરવાનું છેકે દારૂના બુટલેગરો ઉપર સકંજો કસવો જોઈએ. પાડોશી રાજ્યોમાં દારૂના માફીયા એવા છેકે જે ગુજરાતમાં ખુલ્લેઆમ કરોડોનો દારૂ ઘૂસાડી રહ્યા છે. ગુજરાતમાં દારૂ અંગે વેચનાર, ખરીદનાર સામે કડક કાયદા નથી. આખી દારૂની ટ્રક પકડાય તો આરોપીઓને કોર્ટ સુધી પણ લઈ જવા પડે પછી જામીન ઉપર છુટી જાય. પોલીસ ધારે તો તેને છોડી શકે છે. આવા નબળા કાયદા હોવાના કારણે ગુજરાતમાં લઠ્ઠા કાંડો બને છે લોકો મૃત્યુ પામે છે. થોડો સમય બુટલેગરો શાંત થયા પછી ફરીથી સક્રિય બની જાય છે. દારૂ પીવા, વેચવા, બનાવવા સામે કડક કાયદા બનશે તોજ દારૂ બંધી અંશતઃ સફળ થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us