Select Page

વિસનગર પાલિકાના નઠોર તંત્રના વાંકે કિશોરી જીયાએ જીવ ગુમાવ્યો

લડાઈ ઝઘડાના વિવાદમાંથી ઉંચા આવતા નથી તો પ્રજાલક્ષી વિચાર ક્યાથી આવવાના છે

વિસનગર પાલિકાના કહેવાતા આગેવાનો પ્રજાલક્ષી કામગીરીમાં સદ્દંતર નિષ્ફળ નિવડતા આજ એક કિશોરીનો ભોગ લેવાયો છે. બે થી અઢી ઈંચના ભારે વરસાદથી થલોટા રોડ ઉપર અઢી ફૂટ ભરાયેલા પાણીના પ્રવાહમાં શાળામાં અભ્યાસ કરતી એક કિશોરી તણાઈ હતી. જે વરસાદી પાણીની કેનાલમાં ગરકાવ થઈ જતા જીવ ગુમાવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ બીજી તરફ કેનાલમાં ફસાયેલી કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવના પગલે પાલિકા તંત્ર ઉપર લોકોએ ફીટકાર વરસાવી રોષ વ્યક્ત કર્યો હતો કે, ભાજપના સભ્યો લડવા અને ઝઘડવામાંથી ઉંચા આવતા નથી પછી પ્રજાલક્ષી વિચાર ક્યાથી આવવાનો છે.
વિસનગરમાં શુક્રવારની સાંજે પડેલો અઢી ઈંચ જેટલો વરસાદ ગોઝારો સાબીત થયો હતો. ધોધમાર વરસાદના કારણે થલોટા ચાર રસ્તા પાસેના થલોટા રોડ ઉપર અઢી ફૂટ જેટલુ પાણી ભરાયુ હતુ. આ રોડના વરસાદી પાણીનો નિકાલ પેટ્રોલપંપના વરંડા પાસેની કેનાલમાં થાય છે અને રોડ ક્રોસ કરી અભય શોપીંગ સેન્ટર તરફ કેનાલ જાય છે. શાળા છુટવાના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ સમયે ઉમતા ગામની અને સરદાર સ્કુલમાં ધો.૮ માં અભ્યાસ કરતી કિશોરી જીયા વિજયકુમાર દશરથલાલ નાયી શાળામાંથી છુટીને સાયકલ ઉપર સંકલ્પ મૉલમાં થલોટા રોડ ઉપર આવેલ પિતાની વિરકૃપા હેર આર્ટની દુકાન તરફ જતી હતી. ત્યારે મેઈન રોડથી થલોટા રોડ ઉપર આવી ત્યારે સામેથી આવતા વાહનના કારણે સાયકલ સાઈડમાં લેતા પાણીના પ્રવાહના કારણે સંતુલન ગુમાવ્યુ હતુ અને પડી ગઈ હતી. કેનાલમાં પાણીનો ધસમસતો પ્રવાહ હોવાથી કિશોરી તણાઈ હતી. જેને પકડવા કેટલાક લોકો પહોચ્યા તે પહેલા તો કિશોરી કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી.
કેનાલમાં કિશોરી તણાઈ ગઈ હોવાનુ જાણી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને મેઈન રોડ નીચે પસાર થતી કેનાલમાં જવા પ્રયત્નો કર્યા હતા. બનાવની જાણ થતાજ મામલતદાર પ્રતિક કુંભાણી, ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી, પી.આઈ.એસ.એસ.નિનામા, પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અંકિતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ડીરેક્ટર એલ.કે.પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, પાલિકા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન આશાબેન પટેલ, સભ્ય ઉત્તમભાઈ પટેલ વિગેરે સ્થળ ઉપર દોડી આવી કેનાલમાં તણાઈ ગયેલી કિશોરીની શોધખોળ કરી હતી. કેનાલ તોડવા જે.સી.બી. અને હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાંસા એન.એ.સરપંચ નિમિષાબેન પટેલના પતિ પ્રશાંતભાઈ પટેલ, કૌશીકભાઈ પટેલ, ચેતનભાઈ બેટરી, અક્ષયભાઈ પટેલ, હિમાંશુ પટેલ, કોંગ્રેસના હેમુભાઈ રબારી તથા આ વિસ્તારના તમામ વેપારીઓ કિશોરીની શોધખોળ માટે કામે લાગ્યા હતા. મેઈન રોડ હોવાથી ટ્રાફીક રોકવામાં આવતા ચક્કાજામ થઈ ગયુ હતુ. પ્રથમ રોડ નીચે પસાર થતી કેનાલમાં શોધખોળ કરાયા બાદ અભય શોપીંગ સેન્ટર તરફની કેનાલનો સ્લેબ તોડી કિશોરી ક્યા ફસાઈ છે તેની તપાસ કરવામાં આવી હતી. છેવટે અભય શોપીંગ સેન્ટર તરફની કેનાલમાં તપાસ કરવામાં આવતા કિશોરી ફસાયેલી હાલતમાં મળી આવી હતી. બે કલાકની ભારે જહેમત બાદ કિશોરી મળતા વિસનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યા ર્ડાક્ટરો દ્વારા જીવ બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ નિષ્ઠુર પાલિકા તંત્રની બેદરકારીના કારણે જીયાએ જીવ ગુમાવ્યો હતો.

ખુલ્લી ગટરો અને કેનાલોનો શ્રાપ શહેરની જનતા માટે ભયજનક
બે કલાકની ભારે જહેમત બાદ બીજી તરફ કેનાલમાં ફસાયેલો મૃતદેહ મળ્યો

બનાવની જાણ થતાજ આરોગ્ય મંત્રી સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ કિશોરી તણાઈ તેની પાંચ મિનિટ પહેલાજ સરદાર સ્કુલની વિદ્યાર્થીની અને થલોટા ગામની ભાટા ચેતનાબેન રમેશભાઈ ગોવિંદભાઈ પણ પાણીના પ્રવાહમાં તણાઈ હતી. પરંતુ તેને ખેચી લેવામાં આવતા બચી ગઈ હતી. વિસનગર પાલિકા દ્વારા પ્રિમોન્સુનના દર વર્ષે નાટક કરવામાં આવે છે. અનુભવી અને જાણકાર પાલિકા સભ્યો છે. પરંતુ ઝઘડવામાં અને વિવાદોમાંથી ઉંચા આવતા નથી. જેથી પ્રજાલક્ષી કોઈ કામગીરી થતી નથી. શહેરમાં આવી તો અનેક કેનાલો છે. જ્યાં ભારે વરસાદમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે. રોડ સાઈડની આવી ભયજનક જગ્યામાં લોખંડની જાળીઓ મારવાની જરૂર છે. પરંતુ વિવાદોમાંથી નવરા પડે તો ભાજપના સભ્યોને લોકહિતના વિચાર આવે ને. ફક્ત ને ફક્ત પાલિકાની નિષ્કાળજીના કારણે વોર્ડ નં.૧ ના વિસ્તારમાં કિશોરી જીયાએ જીવ ગુમાવ્યો છે. ફરીથી કોઈનો ભોગ ન લેવાય તે માટે પાલિકાના જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવો કાયદો બનાવવામાં આવે તેમજ ફરીથી આવા બનાવો ન બને તે માટે પાલિકા અગમચેતીરૂપ પગલા ભરે તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us