વિપુલભાઈ ચૌધરી વિસનગરમાં કોંગ્રેસમાંથી ચુંટણી લડવાની ચર્ચા
આદર્શ વિદ્યાલયમાં યોજાયેલ અર્બુદાસેનાની કારોબારીમા થયેલા ઠરાવ બાદ
વિસનગર આદર્શ વિદ્યાલયમા અર્બુદા સેનાની મળેલી કારોબારીમાં વિપુલભાઈ ચૌધરી વિસનગરથી ચુંટણી લડે તેવી વિનંતી કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિપુલભાઈ ચૌધરી વિસનગર વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસમાથી ચુંટણી લડે તેવી ચર્ચાથી વિસનગરના રાજકારણમા ભારે ચર્ચા જાગી છે. જોકે આ ચર્ચાથી વિસનગર શહેર અને તાલુકાના ટિકીટ વાચ્છુક કોંગ્રેસના આગેવાનોમાં પણ ફાળ પડી છે.
વિધાનસભાની ચુંટણી વિસનગર સીટ ઉપરથી કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ભાજપમાથી રીપીટ થશે તો તેમનો કોઈ કટ્ટર હરીફ હશે તો તે છે વિપુલભાઈ ચૌધરી. દૂધ સાગર ડેરીની ચુંટણીમા મળેલી હાર બાદ વિપુલભાઈ ચૌધરી તેની દાઝ વિધાનસભાની ચુંટણી ટાણે કાઢી રહ્યા છે. વિસનગર તાલુકામા અર્બુદા સેનાની સભાઓ ધમધમાવી વિપુલભાઈ ચૌધરીએ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સામે ક્યારનુય રણશીંગુ ફુંકી દીધુ છે. વિસનગર શહેર અને તાલુકામાથી કોંગ્રેસમાથી કોઈ મજબુત નેતા વિધાનસભાની ચુંટણી લડવા તૈયાર ન હોય કે ભાજપના ઉમેદવાર સામે ચુંટણી માટે કોંગ્રેસમાથી કોઈ લાયક ઉમેદવાર ન હોય તેમ છેલ્લે ખંડોસણમા મળેલી અર્બુદા સેનાની સભામાં વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, કોઈ ઉમેદવારી માટે તૈયાર ન હોય તો હું ઉમેદવારી માટે તૈયાર છું. જોકે વિપુલભાઈ ચૌધરીએ કોઈ પક્ષનો ઉલ્લેખ કર્યો નહોતો. ખંડોસણની સભામાજ વિપુલભાઈ ચૌધરીએ વિધાનસભાની ચુંટણીમા વિસનગરમાથી ઉમેદવારી કરવાનો ઈશારો કરી દીધો હતો. ત્યારબાદ વિસનગર આદર્શ હાઈસ્કુલમા અર્બુદા સેનાની વિસનગર અને વિજાપુર તાલુકાની કારોબારીની મિટીંગ મળી હતી. આ કારોબારી મિટીંગમા અનામત બળાપો, અમુલની પેટર્ન મુજબ સંઘોને મત્તાધિકાર આપવો. મલ્ટી સ્ટેટ કો.ઓપ્ટ અંગેનો, અર્બુદા સેનાનુ બંધારણ તથા ઉદ્દેશો અંગે ૧૬ જૂન ૨૦૨૨ના રોજ દુધ સાગર ડેરી આગળ ઘટેલી ઘટના અંગેના ૧૧ ઠરાવો સાથે વિપુલભાઈ ચૌધરી વિસનગર વિધાનસભાની સીટ ઉપર ચુંટણી લડવા માટે વિનંતી કરતો ઠરાવ કરવામા આવ્યો હતો. કારોબારી મિટીંગમા અર્બુદા સેનાના પ્રમુખ મોંઘજીભાઈ ચૌધરી, મહામંત્રી રાજુભાઈ ચૌધરી, વિસનગર તાલુકા પ્રમુખ નરેશભાઈ ચૌધરી, વિજાપુર તાલુકા પ્રમુખ લવજીભાઈ ચૌધરી વિગેરેએ હાજરી આપી હતી. આ મિટીંગમા અર્બુદા સેના માત્ર એકજ સમાજ પુરતી ન રહે અને રાષ્ટ્ર વિકાસમા આગેકુચ કરે તેમજ રાષ્ટ્રસેવા એજ પ્રાથમિક્તા રહે તે માટે ૧૫મી ઓગષ્ટના રોજ મહારક્તદાન કેમ્પ કરવા તથા વૃક્ષારોપણના કાર્યક્રમો કરવા નિર્ણય કરવામા આવ્યો હતો.
વિસનગરમા મળેલી બે તાલુકાની કારોબારી માં અર્બુદા સેનાએ વિપુલભાઈ ચૌધરી વિસનગર સીટ ઉપરથી ચુંટણી લડવાની વિનંતી કરતા ઠરાવ બાદ વિપુલભાઈ ચૌધરી ટુંક સમયમાં કોંગ્રેસનો હાથ પકડશે અને કોંગ્રેસની ટિકીટ ઉપર વિસનગર સીટ ઉપરથી ચુંટણી લડશે તેવા ઈલેક્ટ્રોનિક તથા સોશિયલ મિડીયામા સમાચાર વહેતા થતા ટિકીટ વાચ્છુક વિસનગર શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનોમા ફાળ પડી છે.