Select Page

ગુરૂકુળ રોડની ગંદકીનો નિકાલ કરવા ત્રણ સભ્યોનુ અલ્ટીમેટમ

છેલ્લા ૨૦ વર્ષથી નર્કાગાર સ્થિતિમાં સુધારો નહી થતા લોકોમાં રોષ

  • પોશ વિસ્તારની સોસાયટીઓના કોમન પ્લોટમાં બ્લોક માટે ગ્રાન્ટ ફળવાય છે, જ્યારે દલિત સમાજની સોસાયટીઓની ગટરલાઈન રીપેરીંગ માટે ખર્ચ કરવામાં આવતો નથી

કાંસા એન.એ.ગુરૂકુળ રોડ વિસ્તાર ગંદકીના શ્રાપમાંથી મુક્ત થતો નથી. આ વિસ્તારની દલિત સમાજની સોસાયટીઓમાં નર્કાગાર સ્થિતિ છે. પરંતુ એન.એ.ગ્રામ પંચાયત દ્વારા ગટર રીપેરીંગ કે ગંદા પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગટરના ભરાતા પાણીના નિકાલ માટે કે સ્વચ્છતા માટે કોઈ નક્કર પગલા ભરવામાં નહી આવતા આ વિસ્તારના એન.એ.પંચાયતના ત્રણ સભ્યોએ છ મુદ્દાની માગણી સાથે ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાનુ અલ્ટીમેટમ આપ્યુ છે. સ્વચ્છતા અને ગંદા પાણીના નિકાલની યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો વિધાનસભાની ચુંટણીમાં ભારે હોબાળો થાય તેવી વકી છે.
કાંસા એન.એ. ગ્રામ પંચાયતના ગુરૂકુળ રોડની દલિત સમાજની સોસાયટીઓના રહિશો તંત્રની ઉપેક્ષાના કારણે ગંદકીમાં રહેવા મજબુર બની ગયા છે. વખતો વખતની એન.એ.પંચાયતની બોડીએ આ વિસ્તાર પ્રત્યે ભેદભાવ રાખ્યો છે. એન.એ.પંચાયતની પોશ વિસ્તારની સોસાયટીમાં એક દિવસ ગટર ઉભરાય અને ગંદકી થાય તો તાત્કાલીક રીપેરીંગ કરી નિકાલ કરવામાં આવે છે. ત્યારે દલિત વિસ્તારની સોસાયટીના લોકો ગટરના ગંદા પાણીની ગંદકીમાં રહેવા ટેવાયેલા હોય તેમ પંચાયત દ્વારા વર્ષોથી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી નથી. એન.એ.પંચાયત સાથે વિસનગર પાલિકા તંત્ર પણ ગુરૂકુળ રોડ ઉપરની ગંદકી માટે એટલુજ જવાબદાર છે. આઈ.ટી.આઈ. ચાર રસ્તા પાસે સોના કોમ્પલેક્ષ આગળ ઘણા સમયથી ગટરલાઈન ઉભરાય છે. આ ગટરનું ગંદુ પાણી આખા રોડ ઉપર ફેલાય છે. આ ઉપરાંત્ત દલિત સમાજની મોટાભાગની સોસાયટીઓમાં ગટરો ઉભરાય છે. બારેમાસ ગંદુ પાણી ભરાયેલુ રહે છે. કેટલીક સોસાયટીમાંતો ગટરલાઈનની વ્યવસ્થા નથી. શ્રીનાથ સોસાયટી પાસે તો ગટરના ગંદા પાણીનુ આખુ તળાવ ભરાય છે. જેના કારણે બારેમાસ ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ રહે છે. ભેદભાવ તો એટલે હદે છેકે એન.એ.પંચાયત દ્વારા પોશ વિસ્તારની સોસાયટીના કોમન પ્લોટમાં બ્લોક લગાવવા ગ્રાન્ટ ફળવાય છે, જ્યારે દલિત સમાજની સોસાયટી વિસ્તારમાં ઉભરાતી ગટરનું રીપેરીંગ કરવા ખર્ચ કરવામાં આવતો નથી.
ચુંટણી આવે ત્યારે દલિત સમાજના વોટ લેવા વિવિધ પાર્ટીઓ દ્વારા કાલાવાલા કરવામાં આવે છે. પાર્ટીઓને સારા થવા નેતાઓ ફુટી નિકળે છે. પરંતુ આ વિસ્તારને ગંદકીમાંથી બહાર લાવવા કોઈ કાર્યવાહી થતી નથી. હવે દલિત સમાજના લોકો જાગૃત થયા છે. સ્વચ્છતા નહી તો વોટ નહીનુ મન બનાવી લીધુ છે. આ વિસ્તારના એન.એ.પંચાયતના ત્રણ સભ્ય કૃણાલ હિરાલાલ સુતરીયા, મંજુલાબેન મફતલાલ પરમાર તથા પ્રતિમાબેન યશવંતકુમાર જયસ્વાલ દ્વારા સોશિયલ મીડીયામાં આવેદન ફરતુ કરવામાં આવ્યુ છે. જેમાં સોના ટાઉનશીપ પાસે ઉભરાતુ ગટરનું પાણી બંધ કરવું, આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી રામદેવપીર મંદિર વચ્ચે આવતી તમામ સોસાયટીમાં ગટરલાઈન ફેલ થતા વરસાદી પાણીનો નિકાલ થતો નથી ત્યારે ગટરલાઈન રીપેરીંગ કરવી કે નવી ગટરલાઈન નાખવી, શ્રીનાથજી સોસાયટી પાસેનુ ગંદા પાણીનુ ભરાયેલુ તળાવ ખાલી કરી સફાઈ કરવામાં આવે, આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી રામાપીર મંદિર સુધીનો રોડને નિયમિત સફાઈ કરવામાં આવે, જે સોસાયટીમાં ગટરલાઈન નથી ત્યાં ગટરલાઈન નાખવામાં આવે તેમજ ચોમાસા પછી રસ્તા ઉપર પડેલા ખાડાનુ તાત્કાલીક સમારકામ કરવામાં આવે. આ માગણીઓનો તાત્કાલીક નિકાલ કરવામાં નહી આવે તો મોટી સંખ્યામાં રહિસો સાથે ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us