Select Page

વિસનગર પોલીસ દ્વારા e-Fir સેવાનુ માર્ગદર્શન અપાયુ

  • ફ્રોડના બનાવોમાં પ્રજાએ જાગૃતતા કેળવવી જરૂરી છે. પોલીસ પ્રજાની સેવા માટે છે-ડી.એસ.પી.અચલ ત્યાગી
  • ગુજરાત પોલીસની રાત- દિવસની મહેનતથી ગુજરાત સમગ્ર દેશમાં શાંત અને સુરક્ષીત રાજ્ય બન્યુ છે-મંત્રી ઋષિભાઈ પટેલ

નાગરિકોને આંગળીના ટેરવે પોલીસ વિભાગની વિવિધ સેવાઓ મળી રહે અને નાગરિકોની પોલીસ સ્ટેશન આવવુ ન પડે તેવા હેતુથી ગુજરાત પોલીસ દ્વારા નવિન e-Fir સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાનો આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતીમાં જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગીના હસ્તે ગત રવિવારના રોજ વિસનગરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, વિસનગર એ.પી.એમ.સી.ચેરમને પ્રિતેશભાઈ પટેલ, ઉંઝા એ.પી.એમ.સી. ચેરમેન દિનેશભાઈ પટેલ, સમર્થ ડાયમંડ હાઉસના માલિક ગોવિંદભાઈ પટેલ સહિત જીલ્લાના પોલીસ અધિકારીઓ, શહેર- તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોલીસ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ બને તેમજ નાગરિકોની શાંતિ અને સુરક્ષામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા નવિન પ્રોજેક્ટ e-Fir સેવા શરૂ કરવામા આવી છે. આ સેવાની જાણકારી માટે તા.૭-૮-૨૦૨૨ના રોજ સમર્થ ડાયમંડ હાઉસના હોલમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, આજે ટેકનોલોજીના માધ્યમથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને પોલીસની કામગીરી ઝડપી બને તેમજ નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે આજે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શાંતી અને સુરક્ષિત રાજ્ય બન્યુ છે. ગુજરાત સરકાર રાજ્યમાં ગુનાખોરી અટકાવવાનું કામ કરી રહી છે. કોરોના મહામારીના સમયમાં ગુજરાત પોલીસે જીવના જોખમે રાત- દિવસ ખડેપગે હાજર રહી પ્રજાને બચાવવાનુ કામ કર્યુ હતુ. ગુજરાત પોલીસ પ્રજાની સેવા માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી રહી છે. રાજ્યના નાગરિકો આંગળીના ટેરવે પોલીસ વિભાગની વિવિધ સેવાનો લાભ લઈ શકે અને નાગરિકોને પોલીસ સ્ટેશન આવવુ ન પડે તે માટે ગુજરાત પોલીસ દ્વારા નવિન પ્રોજેક્ટ e-Fir સેવા શરૂ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે ટેકનોલોજીના માધ્યમથી પ્રજાની મુશ્કેલી દુર કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે સમાજમાં કેટલાક લોકો પોતાની દુશ્મનાવટમાં ખોટી ફરિયાદો કરતા હોઈ પોલીસની શક્તિઓનો વ્યય થાય છે. જેથી નાગરિકોએ સાચી ફરિયાદ કરવી જોઈએ તેમ જણાવી પોલીસને પોતાની ફિટનેસ અને તંદુરસ્તીની કાળજી રાખવાની સલાહ આપી હતી. જ્યારે જીલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જણાવ્યુ હતુ કે, આજના મોબાઈલ યુગમાં ટેકનોલોજી સાથે ગુનાના પ્રકાર પણ બદલાયા છે. જેમાં લોટરી માટે ફોન કે એસ.એમ.એસ. આવવા, ઓ.ટી.પી. માગવા, ઓનલાઈન ટ્રાન્જેક્શન કે બેંકમાથી ફોન જેવી મિસલીડીંગ ફોન કે મેસેજ આવવા જેવા અનેક ફ્રોડના ગુનાઓ બને છે. ત્યારે આ બાબતે નાગરિકોએ જાગૃતતા કેળવવી ખુબજ જરૂરી છે. પોલીસ પ્રજાની સેવા માટે છે તેમ જણાવી ગુજરાત પોલીસની e-Fir સેવાનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. વધુમા તેમને લેતી- દેતીના અને છેડતી જેવા કિસ્સામા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. જ્યારે નિલમબેન સોલંકીએ ‘સિટીઝન ફર્સ્ટ’ ગુજરાત પોલીસ મોબાઈલ સેવામાં e-Fir ના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, પહેલા ઓનલાઈન માધ્યમથી ૧૪- સેવાઓ ઉપલબ્ધ હતી. હવે ૧૫મી સેવામાં વાહન ચોરી અને મોબાઈલ ચોરીનો સમાવેશ કરાયો છે. જેમાં ફરિયાદીએ પોતાની વિગત પ્રોફાઈલ બનાવી તમામ વિગત ભરવાની રહેશે. e-Fir નોંધણીના ૪૮ કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરશે અને વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના બનાવની તપાસ કરી ઝડપી કાર્યવાહી કરશે. e-Fir માં ચોર અજ્ઞાત હોવો જોઈએ અને ઘટના દરમિયાન ઈજા કે ફોર્સ ના હોવો જોઈએ. તેનુ ધ્યાન રાખવા તેમજ સાયબર સુરક્ષા અને ટ્રાફીક અવેરનેશ માટે સૌને જાગૃત બની તેમા નિયમોનુ પાલન કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ તથા જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગી સહિત મહાનુભાવોના હસ્તે ફરજ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોનુ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનુ સુંદર એન્કરીંગ વિજાપુરના હાસ્ય કલાકાર અજયભાઈ બારોટે કર્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts