Select Page

આંબાનુ પડી ગયેલુ ઝાડ માત્ર ૧૫ હજારમાં વેચ્યુ

ખેરાલુ પાલિકાએ ૫૦ વર્ષ જુનુ ૪ ફુટના ઘેરાવાવાળુ ઈમારતી લાકડાના કામનુ

  • જે આંબાના ઝાડને કાપી લઈ જવામાં ચાર દિવસ થયા, છ ટ્રેક્ટર લાકડુ નીકળ્યુ તેની કિંમત ૧ લાખ ગણાય તેવી ચર્ચા

ખેરાલુના સવળેશ્વર તળાવની પાળ ઉપર ૫૦ વર્ષ જુનુ આંબાનુ ઝાડ હતુ. જે ચોમાસાના સતત વરસાદને કારણે નમી જતા ખેરાલુ પાલિકા દ્વારા ખરેખર ઝાડની યોગ્ય કિંમત કર્યા વગર બારોબાર માત્ર ૧૫ હજારમાં વેચી દેતા ભારે હોબાળો થયો હતો. પરંતુ હોબાળો માત્ર ચાર- પાંચ કલાક પુરતો સાબિત થયો છે. લોકોમા એવી ચર્ચા છે કે, આંબો ઈમારતી લાકડુ છે. ઘનફુટના ૧૦૦૦ થી ૧૨૦૦મા વેચાય છે. ત્યારે હજારો મણ લાકડાનો આંબો માત્ર ૧૫ હજારમા કેવી રીતે વેચાયો?
ખેરાલુ પાલિકા તંત્ર દ્વારા આંબાની કિંમત ૧૫ હજાર ગણીને લોકફાળા પેટે જમા કર્યો છે. જેમાં પાવતીમા પણ ચેક- ચાક છે. પાવતીમા ઠાકોર કરણાજી શંકરજી લખ્યુ છે. જેમાં કરણાજી શંકરજી નામને ચેકીને હોબાળો થતા ગોવિંદજી સુરાજી કરી દેવામાં આવ્યુ છે. ઝાડનુ જે પંચનામુ સોશિયલ મિડીયામાં ફરતુ થયુ છે. તેમાં પંચનામાની ઉપર કે નીચે સાક્ષીમાં કોઈનુ નામ લખવામાં આવ્યુ નથી. પંચનામામાં આંબાની થડની લંબાઈ ૮ ફુટ લખી છે. તેનો ઘેરાવો ૩ થી ૪ ફુટ લખ્યો છે. ઝાડનુ વજન માત્ર ૪૦૦ થી ૫૦૦ મણ લખ્યુ છે. ત્યારે નજરે જોનારા જણાવે છે કે, આંબાના ઝાડને કાપીને લઈ જવામાં ચાર દિવસ કામ ચાલ્યુ છે. છ ટ્રેક્ટર થી વધુ લાકડુ નીકળ્યુ છે. એક ટ્રેક્ટર ભરીને લાકડુ નીકળે ત્યારે ૫૦૦ થી ૭૦૦ મણ લાકડુ હોય છે. છે ટ્રેક્ટર લાકડામાં એક ટ્રેક્ટરનુ ૫૦૦ મણ લાકડુ ગણો તો પણ ૩૦૦૦ કીલો લાકડુ થયુ કહેવાય. હાલ જલાઉ લાકડુ ૭૦ થી ૮૦ રૂપિયે મણ વેચાય છે. પરંતુ કાપવાની મજુરી અને વેપારીનો નફો ૨૦ થી ૩૦ રૂપિયા બાદ કરી ગણીએ તો ૩૦૦૦ કિલોના ૫૦ રૂપિયે મણ પ્રમાણે દોઢ લાખનુ લાકડુ થાય. જેને પાલિકાતંત્રએ માત્ર ૧૫૦૦૦/-રૂપિયામાં વેચી દીધુ છે. જેનાથી વેપારી અને ક્યા સભ્યોને કેટલો ફાયદો થયો તે બાબતે આખા ગામમાં ચર્ચા ચાલી રહી છે.
ખેરાલુ પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, હું ઉતરાખંડ ગયો હતો જ્યાંથી તા.૬-૮-૨૨ ના રોજ પરત આવ્યો ત્યા સુધીમાં પડી ગયેલા આંબાનુ કટીંગ પણ શરૂ થઈ ગયુ હતુ. પાલિકામાં ૧૫ હજારની પાવતી ફાટી છે. બાકી હું કાંઈ જાણતો નથી. તા.૪-૮-૨૨ના રોજ આંબો નીચે નમી ગયો તા.૫-૮-૨૨ના રોજ સવારે પડી ગયેલા આંબાનુ પંચનામુ થયુ. પાલિકા પ્રમુખ તા.૬-૮-૨૨ના દિવસે આવ્યા ત્યારે ઝાડ કાપીને ભરવાનુ ચાલુ હતુ. આ બાબતે ખરેખર ચિફ ઓફિસરે ધ્યાન રાખી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. હજુપણ ઝાડના મોટા થડીયા ત્રણ ટ્રેક્ટર ભરીને લાટીમા પડ્યા છે. ફોરેસ્ટ વિભાગ પાસે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી થવી જોઈએ પણ તપાસ થવાની નથી. કસુરવારોને છુટોદોર મળ્યો હોય તેમ પાલિકાનો એકપણ સભ્ય આ બાબતે કાંઈ કહેવા તૈયાર નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us