ધરોઈ ડેમ છલકાતા તક મળતાજ સિંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી દેળીયુ છલોછલ ભરાશે
નર્મદા આધારીત વિસનગર જુથ પાણી પુરવઠા યોજનાના લોકાર્પણમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સારો વરસાદ પડશે અને નર્મદા તથા ધરોઈ ડેમ ભરાશે તો પોબારાજ પોબારા થશે. ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમ છલકાતા સિંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી શહેરના ઐતિહાસિક દેળીયા તળાવમાં પોબારાજ પોબારા થશે.
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તાલુકાના સીંચાઈથી વંચીત વિસ્તારમાં ખેડૂતોના હિતમાં રૂા.૨૪૭ કરોડના ખર્ચે ધાધુસણ રેડ લક્ષ્મીપુરા તથા રૂા.૧૦૯ કરોડના ખર્ચે ખેરવા વિસનગર નર્મદાની પાઈપલાઈન મંજુર કરાવી હતી. જેમાં વિસનગર તાલુકા સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરીનુ મહત્વનુ યોગદાન રહ્યુ હતુ. નર્મદાની પાઈપલાઈન નાખવામાં આવી તેજ વખતે દેળીયા તળાવ સુધી પાઈપલાઈન નાખવાની રજુઆત હતી. પરંતુ ઢાળ મળતો ન હોઈ દેળીયુ તળાવ નર્મદા લાઈનથી વંચીત રહ્યુ હતુ. ઋષિભાઈ પટેલ સીંચાઈ મંત્રી બનતાજ તેમની સુચનાથી આ નર્મદા પાઈપલાઈનમાં આવતા તળાવો ભરવામાં આવ્યા હતા. જ્યારે દેળીયુ તળાવ ભરવા માટે વડનગર રોડ ધરોઈની મેઈન કેનાલથી તળાવ સુધી પાઈપલાઈન માટે ઋષિભાઈ પટેલની સુચનાથી પાલિકા દ્વારા રૂા.૧૨૭ લાખનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. જેનુ ખાતમૂર્હુત પણ થોડા સમય પહેલા ઋષિભાઈ પટેલનાજ હસ્તે થયુ હતુ.
ધરોઈ કેનાલથી તળાવ સુધી પાઈપલાઈન નંખાશે ત્યારે તેનો લાભ આવતા વર્ષે મળશે. પરંતુ આ વર્ષે ધરોઈ ડેમ ભરાતા દેળીયુ તળાવ ભરવાની તક ઋષિભાઈ પટેલ જતી કરવા માગતા નહોતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ ભરાયો છે. ડેમનુ ઓવરફ્લો પાણી સાબરમતી નદીમાં અને કેનાલોમાં છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે ધરોઈ ડેમના વધારાના પાણીનો દેળીયા તળાવને લાભ મળે તે માટે ઋષિભાઈ પટેલે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલને તેમજ સીંચાઈ વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. સિંચાઈ મંત્રીની સુચના મળતાજ દેળીયુ તળાવ ભરવા ત્વરીત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલડી રોડ ધરોઈ કેનાલનુ પાણી તળાવ તરફ વાળવામાં આવે છે. જે માટે કેનાલમાં પાણી આગળ જતુ રોકવા માટી ભરેલી ગુણીઓથી હેડીગ કરાવુ જરૂરી હોઈ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના પ્રયત્નોથી ત્વરીત કામગીરી કરવામાં આવી હતી. તા.૧૯-૮-૨૦૨૨ ના રોજ કેનાલમાં પાણી રોકવા હેડીગ કરવામાં આવ્યુ હતુ. ધરોઈ કેનાલનુ પાણી દેળીયા તળાવમાં શરૂ થઈ ગયુ છે ત્યારે ઘણા વર્ષ બાદ દેળીયુ તળાવ છલોછલ ભરાવાની આશા બંધાઈ છે.
નોધપાત્ર બાબત છેકે ગત વર્ષે જુલાઈ ૨૦૨૧ મા ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ધરોઈ કેનાલનુ પાણી દેળીયા તળાવમાં વાળવામાં આવ્યુ હતુ. દેળીયુ તળાવ છલોછલ ભરાય તેવાજ પ્રયત્નો હતા. પરંતુ પુરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યુ નહોતુ અને તળાવ અડધુ ભરાયા બાદ કેનાલમાં પાણી બંધ કરાયુ હતુ. તળાવ ભરવાના પ્રયત્નો નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. જોકે આ વખતે સંજોગો બદલાયા છે. ઋષિભાઈ પટેલ સિંચાઈ મંત્રી છે અને ધરોઈ ડેમ પણ છલકાયો છે. ત્યારે દેળીયુ તળાવ છલોછલ ભરવા વચ્ચે કોઈ રૂકાવટ આવશે નહી તે ચોક્કસ વાત છે. તળાવમાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે ત્યારે તળાવ છલોછલ ભરાશે તો ગંદકી પણ દૂર થશે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ઘણા વર્ષ બાદ અઠવાડીયા દસ દિવસમાં છલોછલ ભરાયેલા દેળીયા તળાવના મનોરમ્ય દ્રશ્યો જોવા મળશે.