તંત્ર માલધારીઓ સામે ઝુક્યુ એનું પરિણામ નીતિનભાઈને ગાય, સી.એમ.ને આખલો નડ્યો
તંત્રી સ્થાનેથી…
ગુજરાત રાજ્યમાં એકપણ શહેર એવું નથી જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય. અત્યાર સુધી ગાય માતા તરીકે પૂજાતી હતી અને હજુ પણ પૂજાય છે. પણ આ ગાયમાતા હવે લોકોને નુકશાન કરતા થઈ ગઈ છે. ગાયોની સાથે શહેરોમાં આખલા પણ ફરતા થઈ ગયા છે. આ આખલાઓ એકબીજા જોડે રોડ વચ્ચોવચ દ્વન્દ યુદ્ધ કરી નાસભાગ કરી લોકોને ઈજાગ્રસ્ત કરે છે. રૂપાણી સરકાર વખતે પણ આ બુમ હતી. પણ સરકારે આંખ આડા કાન કર્યા કે “ભેંસના શિંગડા ભેંસને ભારે” એમ વિચારી પ્રશ્નને નજરંદાજ કર્યો. લોકો તો રખડતા ઢોરથી હેરાન છે જ પણ કાયમ ગાડીમાંજ ફરનાર આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ કડીની રેલીમાં નીકળ્યા હતા ત્યારે તેમને ગાયે અડફેટમાં લીધા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદરમાં રેલી કાઢી હતી. ત્યારે આખલો રેલી વચ્ચે દોડ્યો હતો. પણ મુખ્યમંત્રીને કોઈ નુકશાન થયુ નહતું. લોકોમાં ભાગદોડ થઈ ગઈ હતી. પોરબંદર જેવા શહેરમાં રેલી નીકળવાની હોય જે રેલીમાં મુખ્યમંત્રી હાજર રહેવાના હોય તે રેલી સુધી આખલો આવી જાય તો ત્યાંની પોલીસનો બંદોબસ્ત કેવો? ગાડીમાં ફરનાર બે મહાનુભાવો થોડા સમય માટે ગાડીમાંથી ઉતરી રોડ ઉપર ચાલ્યા અને ઢોરનો અનુભવ થયો તો કાયમ માટે ચાલતી પ્રજાને કેટલી હેરાનગતિ હશે તે એક પ્રશ્ન છે. છેલ્લા એક મહિનામાં ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય મહાનગરોના થઈ ૧૯ વ્યક્તિઓના પ્રાણ આ રખડતા ઢોરને હિસાબે ગયા છે. છતાં સરકાર આંખ આડા કાન કરે તે દુઃખની વાત છે. ભૂપેન્દ્રભાઈની સરકારે તેમના સી.એમ. પદ સંભાળ્યુ તેના થોડા સમય બાદ ઢોર નિયંત્રણ ધારો ૨૦૨૨ લાંબી ચર્ચાઓ બાદ લાવ્યા હતા. આ કાયદો બનાવી ગુજરાતની પ્રજાનું અભિવાદન લીધુ હતું. પણ થોડાજ સમયમાં માલધારીઓનું દબાણ આવતા આ કાયદો અભરાઈએ ચડાવી દીધો હતો. ભૂપેન્દ્રભાઈએ માલધારીઓની એકજ હાકલમાં ઝૂકી જવાની જરૂર નહતી. માલધારીઓ સાથે ચર્ચા કરી બનાવેલા કાયદામાં થોડી છુટછાટ મૂકી અમલ કર્યો હોત તો માલધારીઓ પણ સમજુ છે જેથી લોકોને થોડી ઘણી રાહત થઈ હોત. માલધારીઓનો વિરોધ ગાયો માટે હતો આખલા માટે નહી. અનેક લોકોને રખડતા ઢોર નુકશાન કરે છે ત્યારે તંત્ર ચુપ રહે છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પોરબંદરમાં કાફલા સાથે થયેલી રેલીમાં આખલો વચ્ચે આવવાની ભૂલનું ગાંધીનગરથી પોરબંદર કલેક્ટરને ખુલાસો પુછવામાં આવ્યો ત્યારે કલેક્ટરશ્રીનો જવાબ મળ્યો કે આખા પોરબંદર પંથકમાં આખલાઓનો ત્રાસ છે. નિતિનભાઈ માટે જીલ્લા ડી.વાય.એસ.પી.એ ગાય રોકવા માટે પી.આઈ.નો ખુલાસો માગ્યો છે, સામાન્ય માણસ માટે કોણ ખુલાસો માગશે? ભૂપેન્દ્રભાઈની સરકાર ઢોર નિયંત્રણ ધારામાં ગાયોને છુટછાટ આપે અને ફક્ત આખલાનેજ પકડવાનો કાયદો કરે તો લોકોને ૭૦ ટકા રાહત થાય. ગાયો મોટાભાગે ઓછુ નુકશાન કરે છે. આખલા ફક્ત નુકશાનજ કરે છે. જેથી તેને પકડીને પૂરવા જોઈએ. પણ ગામેગામ ઢોર ડબા હતા તે અત્યારે બીજા રૂપમાં બદલાઈ ગયા છે. તંત્રના ઢોર ડબાના કર્મચારીઓ પણ રહ્યા નથી. તેથી આખલાઓને ઢોર ડબામાં પૂરવા હોય તો પણ સગવડ નથી. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ભલે ઢોર નિયંત્રણ ધારા માટે આંખ મિંચામણાં કર્યા હોય પણ આ કાયદા માટે વિચારવું જ પડશે. તેમાં ગાયો માટે સફળતા મળશે પણ આખલા માટે સફળતા મળશે નહિ તે ચોક્કસ વાત છે.