ધરોઈ કેનાલથી શિયાળામાં પીયતનો લાભ મળશે-જશુભાઈ પટેલ
સિંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલ ઉપર કુદરતના ચાર હાથ-જળાશયો છલકાયા
ઋષિભાઈ પટેલને મળેલો સિંચાઈ મંત્રીનો હોદ્દો ખેડુતો તથા ગુજરાતની જનતા માટે ફાયદાકારક રહ્યો છે. ભેદભાવ વગર તમામને લાભ આપવાની લાગણી હોય ત્યારે કુદરતનો સહકાર મળતો હોય છે. શ્રીકાર વર્ષોથી ગુજરાતના જળાશયો છલકાયા છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ૯૦ ટકા ભરાતા ખેડુતોમા ખુશી સમાતી નથી. પિયત સહકારી સંઘ વિસનગરના પ્રમુખ જશુભાઈ પટેલે શિયાળામાં પાંચ પાણનો લાભ મળશે તેવુ જણાવી ધરોઈ ડેમ ભરાતા ખુશી વ્યક્ત કરી હતી.
ચોમાસા પહેલા ધરોઈ ડેમમાં ૫૯૧ ફુટ સાથે ૨૦.૫૬ ટકા પાણીનો જથ્થો હતો. ત્યારબાદ ઉપરવાસના વરસાદના કારણે ૧૯ ફુટ પાણીની આવક થઈ હતી. ૧૪મી ઓગષ્ટ સુધી ડેમ ભયજનક સપાટીથી ૧૨ ફુટ દુર હતો. ત્યારે ૧૫મી ઓગષ્ટે ૧૧૬૬૬ ક્યુસેક પાણીની આવકથી ૬૧૦.૪૧ ફુટ તથા ૧૬-૮ના રોજ ૩૪૫૮૦ ક્યુસેકની આવકથી ૬૧૩.૬૧ ફુટ પાણીની સપાટી થઈ હતી. રાજસ્થાન તથા સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં સાંબેલાધાર વરસાદથી ૧૭-૮ના રોજ ૧૩૮૬૧૦ ક્યુસેક પાણીની આવકથી ડેમની સપાટી ૬૧૬.૭૬ ફુટ પહોંચી હતી. ૮૦ ટકા જથ્થો થતા એલર્ટ સ્ટેજે પાણી હોવાથી સતત આવકના કારણે જથ્થો વધવાની શક્યતાને જોઈ તા.૧૭-૮ના રોજ ગેટ ખોલવાની નોટીસ જાહેર કરવામા આવી હતી. તા.૧૭-૮ના રોજ સવારે ૯-૦૦ કલાકે બે ફુટ સુધી બે ગેટ, બપોરે ૧૨-૦૦ કલાકે ૩ ફુટ સુધી ૪ ગેટ ખોલવામા આવ્યા હતા. પરંતુ ડેમમાં પાણીની આવક વધારે પ્રમાણમાં હોઈ આ ગામચેતીના ભાગરૂપે સાંજે ૫-૦૦ કલાકે ૫.૧૮ ફુટ સુધી ડેમના તમામ ૮ ગેટ ખોલવામા આવ્યા હતા. ત્યારબાદ પાણીની આવક ઘટતા તા.૧૮-૮ના રોજ ૫ ફુટ સુધી ૪ ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણીનો નિકાલ કરવામા આવ્યો હતો. હાલ ડેમમાં ૯૦ ટકા પાણીનો જથ્થો છે. નરેન્દ્રભાઈ મોદી જ્યા સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યા સુધી ચોમાસુ નબળુ ગયુ હોવાનુ એક પણ વર્ષ ન હોતુ. ભેદભાવ કે પક્ષપાત વગર ગુજરાતના તમામ વિસ્તારને અને તમામ સમાજને લાભ આપવાની લાગણીના કારણે સિંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલ પણ શુકનવંતા સાબીત થયા છે. તેમની સિંચાઈ મંત્રીની જવાબદારીના વર્ષ દરમ્યાન સમગ્ર ગુજરાતના જળાશયો છલકાયા છે.
ધરોઈ ડેમ છલકાતા અત્યારે ઉત્તર ગુજરાતના ખેડુતોમા અનેરો આનંદ છે. ગુજરાતમાજ નહી પરંતુ સમગ્ર દેશમાં સિંચાઈના પાણીનુ સુવ્યવસ્થિત આયોજન તથા વિતરણ થાય તે માટે એક માત્ર વિસનગરમાં પિયત સહકારી સંઘ કાર્યરત છે. જે સંઘનું ભાજપના સંનિષ્ઠ આગેવાન જશુભાઈ પટેલ પ્રમુખ પદે સફળ સંચાલન કરી રહ્યા છે. ધરોઈ ડેમ ભરાતા જશુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ડેમમાં ૬૫ થી ૭૦ ટકા પાણીનો જથ્થો થાય ત્યારે ખેડુતો ડેમના સિંચાઈના પાણી માટે હકદાર બને છે. ડેમ ભરાતા શિયાળુ ખેતીમાં પાંચ પાણનો ખેડુતોને લાભ મળશે. પિયત સહકારી સંઘની મિટીંગ બાદ કેનાલમા ક્યારે પાણી છોડવુ તે માટે ધરોઈ સિંચાઈ સમિતીને સુચન કરવામા આવશે.